કવિતાધ્વનિ (1985) : મલયાળમ કાવ્યવિવેચનાનો ગ્રંથ. મલયાળમ વિવેચનસાહિત્યમાં આ કૃતિ એક મૂલ્યવાન ઉમેરો કરે છે. વીસમી સદીના સાતમા અને આઠમા દાયકાની મલયાળમ કવિતા તથા તેના આધુનિક પ્રવાહોનો તેમજ વ્યક્તિગત કવિની કાવ્યલાક્ષણિકતાઓનો આ ગહન અભ્યાસગ્રંથ છે. તેની લેખિકા એમ. લીલાવતી (જ. 1927) મલયાળમનાં અધ્યાપિકા છે. તેમણે દરેક કવિનું સહાનુભૂતિપૂર્વક મૂલ્યાંકન કર્યું છે. જૂના વિવેચકો આધુનિક કવિતાને ‘પુત્રોનું પિતાઓ સામે બંડ’ તરીકે જ લેખતા હતા. આવો કોઈ પૂર્વગ્રહ રાખ્યા સિવાય ખુલ્લા મનથી નવી કવિતાની અનન્યતા સમજવાના ઉદ્દેશથી લીલાવતી દરેક કવિ અને તેમની કવિતાનું અવલોકન કરે છે. 1986માં આ કૃતિને સાહિત્ય અકાદમીનો એવૉર્ડ એનાયત થયો છે. તેમણે 32 ગ્રંથો આપ્યા છે. તેમણે સંખ્યાબંધ કૃતિઓ મલયાળમમાં અનૂદિત કરી છે. તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1976ના વર્ષનો સોવિયેત લેન્ડ નેહરુ એવૉર્ડ, 1980ના વર્ષનો કેરળ સાહિત્ય અકાદમી એવૉર્ડ તથા રાજ્યકક્ષાના અન્ય 7 એવૉર્ડ પ્રાપ્ત થયા છે.

અક્કવુર નારાયણન્