કલ્યાણ ભૂગોળ : ભૌગોલિક પરિબળોના પરિપ્રેક્ષ્યમાં સામાજિક સુખાકારી કે કલ્યાણની વિચારણા કરતી ભૂગોળની વિશિષ્ટ શાખા. માનવભૂગોળના ક્ષેત્રમાં વિકાસ પામતી આ શાખા પ્રમાણમાં નવી છે. ‘સામાજિક કલ્યાણ’ની વિભાવના પ્રાકૃતિક વાતાવરણ, રહેઠાણ, રોજગારી, સ્વાસ્થ્ય, શિક્ષણ, સમૃદ્ધિ, આરામ તથા સામાજિક સગવડોના સંદર્ભમાં નિશ્ચિત કરવાનો પ્રયાસ થયો છે. સામાજિક કલ્યાણ એ વસ્તુલક્ષી તથા આત્મલક્ષી એમ બે રીતે ઘટતી ઘટના છે. તેમાં જે તે પ્રદેશના સાંસ્કૃતિક પરિવેશમાં વ્યક્ત થતા માનવજીવનનાં મર્યાદિત તેમ અમર્યાદિત પરિબળોનો સમાવેશ થાય છે. આમ ભૌગોલિક માપદંડો તથા ધોરણો (scales) નિર્દેશકોની પસંદગી જ નહિ, પરંતુ સુખાકારીની અભિરચના (pattern) પર પણ સામાન્ય રીતે અસર કરે છે. અભ્યાસનો ઘટક જેમ નાનો તેમ સામાજિક સુખાકારીની અસરકારકતા વધારે તીવ્ર. ભૂગોળનું આ વિશિષ્ટ ક્ષેત્ર પ્રાદેશિક તફાવતો અને સાંસ્કૃતિક તથા ટેક્નોલૉજિકલ પરિબળોનો પણ અભ્યાસ કરે છે, જે વાતાવરણ અને પર્યાવરણ જેવાં પરિબળોની સાથોસાથ સામાજિક સુખાકારીની વિશિષ્ટ અભિરચનાનું બંધારણ ઘડતાં હોય છે. આમ સામાજિક કલ્યાણ એ વિવિધલક્ષી ઘટના છે જેનો વ્યાપ સામાન્ય કલ્યાણ ઉપરાંત સ્વાસ્થ્ય તથા સામાજિક-આર્થિક સમૃદ્ધિ જેવાં પરિબળોને પણ આવરી લે છે.
વીસમી સદીના સાતમા દાયકા પછીનાં તરતનાં વર્ષોમાં અમેરિકામાં ડી. એમ. સ્મિથનાં લખાણો(1973)થી કલ્યાણ ભૂગોળની અલાયદી શાખાનો ઉદગમ થયો. તેમાં પી. એલ. નૉક્સનાં વિશિષ્ટ ભૂમિકાવાળાં લખાણોએ મહત્વનો ફાળો આપ્યો છે.
સામાજિક કલ્યાણના ભૂગોળલક્ષી ર્દષ્ટિકોણમાં કોને શું, ક્યાં, ક્યારે અને કેટલું મળે છે તેને તપસ્તંભ(matrix)રૂપે રજૂ કરવામાં આવે છે. માનવકલ્યાણ જે જે વસ્તુઓની વહેંચણી અને વપરાશ પર અવલંબે છે તે તે વસ્તુઓના સંદર્ભમાં માનવભૂગોળ કલ્યાણનો આંક કાઢે છે. માનવજીવનની ગુણવત્તા અંગેની કેન્દ્રીય સમસ્યા અંગેનો ર્દષ્ટિકોણ માનવભૂગોળમાં તેના પેટા વિભાગો મારફત દાખલ કરવામાં આવે છે. ભૂગોળશાસ્ત્રી તેના અનન્ય સ્થળલક્ષી પરિપ્રેક્ષ્યમાં કલ્યાણલક્ષી શાસ્ત્રોની હરોળમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે. વ્યક્તિના જીવનમાં તથા તેની સુખાકારીના ઘડતરમાં ભૌગોલિક સ્થાન અને તેનો પરિવેશ કેટલો ભાગ ભજવી શકે તેનો ખ્યાલ ભૂગોળશાસ્ત્રી આપે છે. જુદા જુદા પ્રદેશો, તેમાં વસતા લોકોની સુખાકારીને પોષક કે અવરોધક પરિબળો ધરાવતાં હોય છે, જે છેવટે કલ્યાણ કે હાનિમાં પરિણમે. આવાં પરિબળોમાં ભૂપૃષ્ઠ, આબોહવા, જમીન, પાણી, જંગલ તથા ખનિજ સાધનોનો ઉમેરો કરી શકાય.
વાસ્તવિક જગતની પરિસ્થિતિઓ તથા સમસ્યાઓના સંદર્ભે કલ્યાણની વિચારણા થઈ શકે. આધુનિક વિશ્વની મોટામાં મોટી સમસ્યા જુદા જુદા દેશોના વિકાસની બાબતમાં ગરીબ અને તવંગર દેશો વચ્ચેની ખાઈના સ્તરના તફાવતમાં રહેલી છે, જોકે સમૃદ્ધ દેશોમાં પણ સુખાકારીની વિસંગતિ છે જ.
આંતરરાષ્ટ્રીય સપાટી પર માનવકલ્યાણની અભિરચના સમજવા માટે માત્ર આવકનું ધોરણ પૂરતું ગણાશે નહિ. હકીકતમાં આર્થિક સમૃદ્ધિનો સ્તર જેમ વધે તેમ લોકો ભૌતિક સિવાયની અપેક્ષાઓ તરફ વળે છે.
માનવકલ્યાણની ચર્ચાની શરૂઆત માનવીની ઇચ્છાઓ અને જરૂરિયાતોના નિર્દેશથી થઈ હતી અને મનુષ્યને ખરેખર શું સ્પર્શે છે તે શોધીને બતાવવાનું હતું. કોને, શું, ક્યારે મળે છે તેનો આધાર સામાજિક અને સ્થાનીય સંરચના સાથેના ઉત્પાદન દ્વારા ઊપસતા મૂલ્યના વિનિયોગમાં રહેલો છે. માનવીની જરૂરિયાતો જેમ ભૌતિક છે તેમ માનસિક પણ હોય છે. માનવીની જરૂરિયાતોની પ્રભાવક, શ્રેણીબદ્ધ રચના માસ્લોએ આપી છે (1954). તેની દલીલ એ છે કે નિમ્ન સ્તરની મૂળભૂત જરૂરિયાતો સંતોષાય ત્યારબાદ જ ઉપલા સ્તરની જરૂરિયાતો ઊપસવા લાગે છે. સૌથી નિમ્ન કક્ષાની જરૂરિયાત તે ખોરાક, કપડાં અને આવાસ વગેરે મેળવીને અસ્તિત્વ ટકાવી રાખવાની છે.
કોઈ પણ વ્યક્તિ કે સમુદાયની જરૂરિયાતોની શ્રેણી સમય અને સ્થાન પ્રમાણે બદલાતી રહે છે. આધુનિક દુનિયામાં જરૂરિયાતો ન સંતોષાયાથી અપેક્ષાઓની ભરતી થતી જાય છે. ખરેખરો સુખી માણસ તે જ છે જેણે પોતાની અંગત જરૂરિયાતોનો મેળ વાસ્તવિક જીવન સાથે બેસાડ્યો હોય – સુખ સાપેક્ષ અને સ્વાનુભવનો ખ્યાલ છે. તેમાં અપેક્ષાઓ અને વાસ્તવિકતાનો મેળ બેસાડવાનો રહે છે.
માનવીના કલ્યાણ કે જીવનની ગુણવત્તાને નિયત કરવા માટે કોઈ નિર્ણાયક ધોરણો નથી. તેના સિદ્ધાન્તો માનસશાસ્ત્ર તથા સમાજશાસ્ત્રમાંથી તારવવાના હોય છે. ર્દષ્ટિ સમાન હોય તોપણ એવો કોઈ સાર્વત્રિક સિદ્ધાંત નથી જેનાથી કલ્યાણની સાપેક્ષ ભાવના કે અનુભવને માપી શકાય. બીજો રસ્તો ખુદ લોકોને જ પૂછવાનો છે કે તેઓ તેમનાં સુખશાંતિ શેમાં જુએ છે અને તે શેના ઉપર આધારિત છે. આજના યુગમાં સર્વેક્ષણ દ્વારા સીધી તપાસ કરીને જીવનની ગુણવત્તા વિશે ખ્યાલ મેળવવામાં ઘણી પ્રગતિ થઈ છે. ત્રીજો રસ્તો આ બન્ને પદ્ધતિઓ સંયુક્ત રીતે યોજીને કોઈ નિષ્ણાતનો વૈજ્ઞાનિક અભિપ્રાય મેળવવાની અથવા લોકોના પ્રતિનિધિને પૂછવાની છે.
સામાજિક સુખાકારી માનવીનાં સ્વાસ્થ્ય, ઉત્સાહવૃત્તિ તથા સગવડભર્યા જીવન પર આધાર રાખે છે જેના પર અન્ય પ્રાકૃતિક પરિબળો કરતાં આબોહવા વિશેષ અસર કરે છે. આબોહવામાં થતા ફેરફારો માનવની શારીરિક ક્રિયાઓ પર અસર પહોંચાડે છે તથા આબોહવા અને ઋતુઓમાં થતા ફેરફારોને લીધે રોગોના પ્રમાણ(incidence)માં પણ ફેરફાર થાય છે. વાતાવરણની સ્થિતિ માણસના માનસિક તથા સંવેદનાત્મક બંધારણનું ઘડતર કરે છે. માણસની કાર્યક્ષમતા પણ ઘણે અંશે આબોહવા દ્વારા નિર્ધારિત થાય છે. માણસના શરીર પર આબોહવાનાં જે તત્વો અસર કરે છે તેમાં તાપમાન, સૂર્યપ્રકાશ અને ભેજ મહત્વનાં છે. પવન મુખ્યત્વે ચામડીના તાપમાન પર તથા શરીરમાંના ભેજ પર અસર પહોંચાડે છે. વાદળો ર્દશ્યતા તથા વાવાઝોડું માણસની માનસિક પ્રક્રિયાઓ પર અસર કરે છે, જેના પરિણામે માનસિક અસ્વસ્થતા સર્જાય છે. સ્વાસ્થ્યપ્રદ સૂર્યપ્રકાશ તથા ચોખ્ખી હવા શારીરિક અને માનસિક તંદુરસ્તી માટેનાં પોષક તત્વો છે. પૌષ્ટિક આહાર પણ માનવની સુખાકારી પર સીધી અસર કરે છે, જોકે તેનું ઇષ્ટ પ્રમાણ ઘણાં સ્થાનીય પરિબળો પર આધાર રાખે છે.
ડ્રોવનોવોસ્કી(1974)ના મતે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન જરૂરિયાતોને સંતોષવા માટેના નિક્ષેપો (inputs) ઉપજાવે છે. એ રીતે જીવનધોરણનું પ્રત્યેક તત્વ કલ્યાણનું પોષક બની રહે છે. તેમ છતાં આવાં તત્વોમાં વધારો થવાથી કલ્યાણની માત્રામાં પ્રમાણસર વધારો થતો નથી. ડ્રેવનોવોસ્કીના મત પ્રમાણે સમૃદ્ધિમાં અમુક હદ પછીનો વધારો થતાં વિપુલતાનો અતિરેક સર્જાય છે.
આ પ્રકારના સંબંધોનું માળખું આપતાં માસ્લો કહે છે કે મજૂરી અને સાધનોના સમન્વયમાં યંત્રવિદ્યા ઉમેરાય છે ત્યારે તેમાંથી અનેકવિધ ચીજવસ્તુઓ અને સેવાઓ ઊપજે છે. શ્રમ મૂડીનું સર્જન કરે છે અને તેમાંથી યંત્રીકરણનું નિર્માણ થાય છે, જે સૃષ્ટિના પર્યાવરણ સાથે ભળીને અનેક સાધનો ઊભાં કરે છે. લોકોમાં અને પ્રદેશોમાં આ સાધનોની વહેંચણી દ્વારા ચીજવસ્તુઓ અને સેવાઓનો ફેલાવો થાય છે અને તે દ્વારા લોકોની જરૂરિયાતો સંતોષાય છે. કેટલીકવાર ઉત્પાદન નકામું પણ જાય છે. કારણ કે ખામીભરી વહેંચણી – પદ્ધતિના કારણે ઘણીવાર જરૂરતમંદ કરતાં સંપન્ન લોકોને ઉત્પાદનનો વધુ લાભ મળે છે.
પરંતુ સંતોષની વાત એ છે કે ઉત્પાદનમાંથી ફલિત થતી વસ્તુઓ દ્વારા જ સંતોષ પ્રાપ્ત થાય તેવું નથી. ચીજવસ્તુઓના વપરાશ દ્વારા કલ્યાણ સધાય છે અને તેની પ્રતિપુષ્ટિ (feed back) તરીકે શ્રમજીવીઓની ઉત્પાદકતા વધતી હોય છે. અજ્ઞાની અને રોગિષ્ઠ શ્રમજીવીની સરખામણીમાં વધારે શિક્ષિત અને તંદુરસ્ત શ્રમજીવી વધારે ઉત્પાદન આપી શકે છે.
કલ્યાણની વિભાવનાને માત્ર વપરાશના સંકુચિત અર્થમાં ન જોતાં તેને વિશાળ સંદર્ભમાં જોવી આવશ્યક છે. કલ્યાણ સમાજ પાસેથી થતી પ્રાપ્તિને મુકાબલે આપણું શું પ્રદાન છે તેના પર અવલંબે છે.
કૃષ્ણમૂર્તિ કુલકર્ણી
અનુ. શિવપ્રસાદ રાજગોર