કલ્પવૃક્ષ : માનવની સઘળી મનોકામના પૂર્ણ કરે એવું કાલ્પનિક વૃક્ષ. માનવમન અનેક અભિલાષાઓનું જન્મસ્થાન છે. એ ક્યારેક ધનધાન્યને ઝંખે છે, ક્યારેક સુવર્ણની અપિરિમિત રાશિને, ક્યારેક પૃથ્વી પરના આધિપત્યને કે ઇંદ્ર જેવા ઐશ્વર્યને, ક્યારેક અત્યંત સુંદર અને કમનીય સ્ત્રીને તો ક્યારેક અમિત વિદ્યા અને જ્ઞાનના ભંડારને, આમ માનવીની લિપ્સા-એષણા અપાર છે. ભારતીય આખ્યાયિકાઓમાં માનવની આ સઘળી કામનાઓ પૂર્ણ કરે એવા વૃક્ષની કલ્પના છે. અને તે છે કલ્પવૃક્ષ. એની જન્મભૂમિ ઉત્તર કુરુ પ્રદેશ હોવાનું સૂચવાયું છે. રામાયણમાં સુગ્રીવ હનુમાનને સીતાની શોધ એ પ્રદેશમાં કરવાનું સૂચવતાં. તે પ્રદેશની નૈસર્ગિક સમૃદ્ધિનું જે વર્ણન કરે છે તે કલ્પવૃક્ષની મનોકામના પૂર્ણ કરવાની શક્તિનું દ્યોતક છે. અગ્નિની જ્વાલા સમપ્રજ્વલિત પુષ્પો તથા મધુર રસાળ ફળો ત્યાં સદૈવ લહેરાય છે. દિવ્ય સુગંધિત એ કલ્પવૃક્ષો અનેકવિધ વસ્ત્રાભૂષણો, મુક્તા વૈડૂર્યાદિ કીમતી રત્નો, મધુ પેય અને ખાદ્ય પદાર્થો હરેક ઋતુમાં પ્રગટાવે છે. રૂપયૌવન, ગુણસંપન્ન અંગનાઓ પણ તેમાંથી ફળફૂલની જેમ પ્રકટે છે. (रामा. किष्कि अ. 43) મહાભારતમાં ‘સર્વ કામફલા વૃક્ષાઃ’થી સુશોભિત ઉત્તર કુરુના પ્રદેશનો ઉલ્લેખ છે. વાયુપુરાણના ભુવનકોશમાં અનેક પ્રકારનાં વાદ્ય, શયનાસન રત્ન, પાણીને ઉત્પન્ન કરનારાં હજારો કલ્પવૃક્ષોનાં વર્ણનો છે. મહાવાણિજ જાતક(નં. 493)માં જણાવ્યા પ્રમાણે વેપારીનું એક વૃંદ દ્રવ્ય-ભંડારની શોધમાં નીકળ્યું. તેમણે એક મોટું ન્યગ્રોધ વૃક્ષ જોયું. વૃક્ષની પૂર્વ તરફની ડાળીમાંથી સ્વચ્છ શીતળ જળ તથા સર્વ પ્રકારના પેય પદાર્થો ટપકતા હતા. દક્ષિણ તરફની શાખાઓમાંથી તેમને મનોવાંછિત ફળ મળી ગયાં. પશ્ચિમ તરફની ડાળીઓમાંથી સુંદર અંગનાઓ, અનેકવિધ રત્નો, સૂક્ષ્મ વસ્ત્રો  ને આભૂષણો તથા ઉત્તર તરફની ડાળીઓમાંથી સોના, રૂપા અને રત્નોનો પ્રવાહ વહેતો હતો. જાતક વર્ણિત આ વૃક્ષ કલ્પવૃક્ષ હતું. જૈન આનુશ્રુતિક વૃત્તાંતો અનુસાર પ્રથમ સૃષ્ટિમાં આદિનાથ ભગવાનના જમાનામાં મનુષ્યો યુગલિક સ્વરૂપે પેદા થતા, જેઓ જીવિકા માટે કોઈ ઉદ્યમ કરતા નહોતા. વસ્તુતઃ એમની બધી ઇચ્છાઓ કલ્પવૃક્ષ દ્વારા પૂરી થતી હતી.

ભારતીય શિલ્પમાં કલ્પવૃક્ષનાં આલેખનો છેક ભરહુત અને સાંચીના સ્તૂપથી શરૂ થઈ ગયાં હતાં. કલ્પવૃક્ષને શિલ્પશાસ્ત્રમાં કલ્પતરુ, દેવતરુ, કલ્પવલ્લી, કલ્પલતા, કામલતા કે ઊર્મિવેલા નામે ઓળખાવેલ છે. ભરહુતની વેદિકા પરની કમલદલાન્વિત કલ્પલતા સળંગ વળાંકોમાં આલેખન પામે છે. તેની દરેક કમલકલીમાં પ્રાકારવપ્ર તરીકે ઓળખાતાં કર્ણકુંડલો, મુક્તામાળાઓ શંખવલયોની વિવિધ ભંગીઓ પ્રગટ કરતા બાજુબંધ અને નૂપુરો તથા ગોમૂત્રિકા ઘાટનાં સુશોભનો વડે અલંકૃત કિનારી અને પાલવવાળી સાડી ધારણ કરતી દેવાંગનાઓનાં શિલ્પો છે. સાંચીના સ્તૂપના દક્ષિણ દિશાના તોરણના પશ્ચિમ બાજુના સ્તંભ પર ઉત્તર કુરુ પ્રદેશનાં દૃશ્યો કોતરેલાં છે. તેમાં કલ્પવૃક્ષ નીચે બેઠેલાં મિથુનયુગલ વાદ્ય અને સંગીતનો આસ્વાદ લઈ રહ્યાં છે. એ વૃક્ષોમાંથી વસ્ત્રાભૂષણો પ્રગટ થાય છે. ભાજાના ચૈત્યગૃહના મુખભાગની દીવાલની એક બાજુ ચક્રવર્તી માંધાતાને ઉત્તર કુરુ પ્રદેશમાં વિહાર કરતા દર્શાવ્યા છે. એમાં ઉત્તર કુરુના ઉદ્યાનનાં અનેક દૃશ્યો છે. ગુપ્તકાલીન શિલ્પોમાં કલ્પવૃક્ષ અને ઊર્મિવેલાનાં અલંકરણો ખૂબ વિસ્તાર પામ્યાં છે. ગઢવાલના એક મંદિરના સ્તંભ પર કામલતાનું આલેખન નોંધપાત્ર છે. લતાનાં નવપલ્લવિત અંકુરો સાથે ડાળીએ ડાળીએ યૌવનસંપન્ન નગ્ન કુમારિકાઓનાં અવનવી ભાવભંગી પ્રકટાવતાં આલેખનો અત્યંત આકર્ષક છે. શિલ્પમાં કલ્પલતા યક્ષ કે ગ્રાસના મુખમાંથી લતા સ્વરૂપે પ્રગટતી ઘણી વાર દર્શાવવામાં આવી છે તો કેટલીક વાર વનસ્પતિજન્ય પ્રાકૃતિક રૂપમાં આવિર્ભાવ પામી અનેકવિધ ભાતમાં પરિણમે છે અને તે બધા માનવમનની અનંત ભાવભંગીઓને પ્રગટાવે છે.

પ્રવીણચંદ્ર પરીખ