કલ્પસર-યોજના : ગુજરાતનો ખંભાતના અખાતને ઘોઘા-હાંસોટ વચ્ચે આડબંધ બાંધી ખારા પાણીના પટને વિશાળ મીઠા પાણીના સરોવરમાં ફેરવવાનો આયોજિત કરેલો મહત્વાકાંક્ષી પ્રકલ્પ. કલ્પવૃક્ષ જેમ ઇચ્છિત ફળ આપનાર સ્વર્ગનું વૃક્ષ તેમ કલ્પસર એ ગુજરાતની જરૂરિયાતો અને ઇરાદાઓ પૂરાં પાડનાર અદભુત સરોવર. ગુજરાતની સરદાર સરોવર અને નર્મદા નહેર યોજનાના સફળ સંચાલન બાદ આ બીજી હરણફાળ છે. આ યોજના અભૂતપૂર્વ છે, કારણ કે આટલી વિશાળ પાયે બહુલક્ષી યોજના દુનિયામાં કદાચ આ પ્રથમ જ ઘડાઈ રહી છે. ગુજરાત અને ભારતવાસીઓ માટે આ ગૌરવરૂપ સાહસ છે.

ખંભાતના અખાતને મળતી નર્મદા, ઢાઢર, મહી, સાબરમતી જેવી નદીઓના પાણીથી અખાતનો છીછરો ખારો પાટ મીઠા પાણીના સરોવરમાં રૂપાન્તરિત કરવાની યોજના તે કલ્પસર યોજના. આ યોજનામાં ભાવનગર નજીકનું ઘોઘા અને ભરૂચ જિલ્લાનું હાંસોટ એકંદરે 64 કિમી. લાંબા બંધ અને વાહનમાર્ગથી જોડવામાં આવશે. આ બંધની અધવચ્ચેથી ઉત્તર-દક્ષિણ બીજો બંધ બાંધી સાબરમતીના મુખપ્રદેશથી નર્મદાના મુખપ્રદેશ સુધીનો અખાતનો પૂર્વ ભાગ મીઠા પાણીનું જળાશય બનશે, જ્યારે સાબરમતીના મુખપ્રદેશથી (ઉત્તરથી) ઘોઘા સુધીના અખાતના પશ્ચિમ ભાગમાં ખારા પાણીનું જળાશય બનશે. ડૅમ ઉપરનો વાહનમાર્ગ રેલવેમાર્ગ તરીકે પણ ઉપયોગમાં લેવાશે. અખાતના તળિયાની ક્ષમતા જાણી લેવા તે વિસ્તારનો બેથીમૅટ્રિક અભ્યાસ પ્રાયોગિક ધોરણે થઈ રહ્યો છે.

નકશો 1

આ યોજનાની મૂળભૂત કલ્પના વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ-ચાન્સેલર ડૉ. અનિલ કાણે અને એમના સાથીઓની હતી. વિશ્વના વિવિધ દેશોમાં ફરી ખાસ કરીને નેધરલૅન્ડમાં આઇઝલ નદીના મુખપ્રદેશમાં સમુદ્રના ખારા પાણીના સ્થાને મીઠા પાણીનાં જળાશયો તૈયાર કરી નવસાધ્ય જમીન ઉપર સુંદર ટ્યુલિપ્સ(tulips)ના બગીચાઓ તૈયાર થતા તેમણે જોયા. અનુરૂપ પર્યાવરણીય ફેરફારો ધ્યાનમાં લઈ અનુકૂળ કલ્પસરનો નમૂનો (model) તેમણે તૈયાર કરી આખી યોજના ગુજરાત સરકાર સમક્ષ મૂકી. 18 વર્ષથી અવિરત- પણે આ યોજનાને આગળ ધપાવવા સક્રિય છે.

ગુજરાત સરકારના દીર્ઘ-ર્દષ્ટિ ધરાવનારા મુખ્ય પ્રધાનો કેશુભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાનું સાચું મૂલ્ય સમજી સરકારી સ્તરે સરદાર સરોવર નર્મદા નહેર નિગમ અને કલ્પસરના સંયુક્ત કૉર્પોરેશનની રચના કરી. આ કૉર્પોરેશન મારફત આંતરરાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો દ્વારા કલ્પસરની શાશ્વતી અને આધારભૂતતા અંગેનો અભ્યાસ થઈ રહ્યો છે. આખી યોજના શરૂ થયા પછી પરિપૂર્ણ થતાં આશરે 15થી 20 વર્ષનો સમયગાળો લાગે, પરંતુ તેના તાત્કાલિક લાભાલાભો 56 વર્ષમાં મળી રહે. આ આખા પ્રકલ્પ(મહાપ્રકલ્પ)નું આયોજન ગુજરાત રાજ્યનું હોવા છતાં તેનો લાભ આખા ભારતને થશે. આ યોજના કેટલી ઉપયોગી અને આશીર્વાદરૂપ છે તે તેનાં વિવિધ પાસાંઓની જાણકારીથી થશે. યોજનાનાં વિવિધ લાભદાયક પાસાંઓ આ મુજબ છે :

  1. ઘરવપરાશ માટે મીઠા પાણીનો પુરવઠો
  2. મીઠા પાણીના સરોવરમાંથી સિંચાઈ માટે પાણી
  3. ઉદ્યોગ-ધંધા અર્થે પાણી-પુરવઠો
  4. સમુદ્રનાં ભરતી-ઓટની ઊર્જામાંથી વિદ્યુત-ઉત્પાદન
  5. નવસાધ્ય જમીન ઉપર કૃષિ-વનવિસ્તરણ-આયોજન
  6. વાહન-વ્યવહાર/રેલવેમાર્ગનું આયોજન
  7. જલમાર્ગ અને બંદરોનો વિકાસ
  8. મત્સ્ય અને મત્સ્યોદ્યોગનું આયોજન

1. ઘરવપરાશ માટે મીઠા પાણીનો પુરવઠો : ગુજરાતમાં પીવાના પાણીની તંગી ખૂબ છે. નર્મદા યોજનાનું પાણી ઉપલબ્ધ થવા છતાં ઘણા ભાગોને હજુ પીવાના પાણીના સાંસા છે. કલ્પસર માટેના એક અભ્યાસ મુજબ ગુજરાતની વસ્તીનો દર 2055 ઈ.સ.માં શૂન્ય આંક પ્રાપ્ત કરશે અને તે સમયે 36 મિલિયન લોકો પાણીની અછત અનુભવતા હશે. તે સમયની પાણીની માંગ વાર્ષિક 2,700 મિલિયન ક્યૂબિક મીટરની હશે. સરદાર સરોવર અને અન્ય સ્રોતમાંથી પાણી પૂરું પાડ્યા બાદ પાણીની ખોટ 1,400 મિલિયન ક્યૂબિક મીટર વાર્ષિક રહેશે. આ ખોટ કલ્પસરના મીઠા પાણીના જળાશયમાંથી પૂરી થશે. ઘરવપરાશ માટે કલ્પસર જળાશયમાંથી 900 મિલિયન ક્યૂબિક મીટર પાણી વર્ષે મળશે.

2. મીઠા પાણીના સરોવરમાંથી સિંચાઈ માટે પાણી : કલ્પસર યોજના પૂર્ણ થતાં તેના જળાશયમાંથી -5 મીટરથી +5 મીટરની ઊંચાઈ સુધીનો પાણીનો જથ્થો સિંચાઈ માટે ઉપલબ્ધ બનશે. આ જથ્થો એટલે 12,248 મિલિયન ક્યૂબિક મીટર પાણી. ખંભાતના અખાતમાં હાલ જે નદીઓનું પાણી છેલ્લા તબક્કે (ઉપરવાસના ડૅમ ભરાઈ ગયા પછી) આવે છે તે આ ઉપર જણાવેલા જથ્થા જેટલું છે. કલ્પસરની સિંચાઈ માટેની પાણીની જોગવાઈ સંગૃહીત 5,891 મિલિયન ક્યૂબિક મીટર/વાર્ષિક પાણીમાંથી 5,461 મિલિયન ક્યૂબિક મીટર/વાર્ષિક પાણીની છે. આ પાણીથી 10,54,500 હેક્ટર જમીનને સિંચાઈ અર્થે પાણી પૂરું પાડી શકાશે. કલ્પસરના મીઠા પાણીના જળાશયનો વિસ્તાર 2,000 ચોકિમી.નો હશે, જે સરદાર સરોવર કરતાં ત્રણ ગણી વધુ ગુંજાશ ધરાવતો હશે.

સિંચાઈ માટેનો વિસ્તાર (command area) મુખ્યત્વે સમુદ્રની પટ્ટીનો વિસ્તાર છે. (જુઓ નકશો 1) સમુદ્રસપાટીથી 70+ મીટર ઊંચાઈ સુધીની કિનારાની પટ્ટીને સિંચાઈ પૂરી પાડી શકાશે. સૌરાષ્ટ્રનો કુલ કમાન્ડ-એરિયા આમ 1,90,000 હેક્ટર જેટલો થાય છે. કલ્પસરમાંથી 660 કિમી. લાંબી નહેર દ્વારા પ્રથમ શેત્રુંજી જળાશય અને વચ્ચે વચ્ચે પંપ દ્વારા દૂરના ભાગોમાં પાણી પહોંચાડવામાં આવશે. આ નહેરના જાલક વાટે, હાલ જ્યાં ચાલુ સિંચાઈ-વ્યવસ્થા (સ્થાનિક) ભરોસાપાત્ર નથી એવી 1,80,000 હેક્ટર જમીનને સિંચાઈ અર્થે પૂરક પાણી આપવામાં આવશે.

3. ઉદ્યોગધંધા અર્થે પાણીપુરવઠો : કોઈ પણ રાજ્યના વિકાસ માટે ઔદ્યોગિક વિકાસ ચાવીરૂપ છે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છ જેવા પછાત વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસ માટે કલ્પસરમાંથી 500 મિલિયન ક્યૂબિક મીટર/વાર્ષિક પાણીનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.

4. સમુદ્રનાં ભરતીઓટની ઊર્જામાંથી વિદ્યુતઉત્પાદન : કલ્પસરનું આ અતિ અગત્યનું અને તાંત્રિક અભ્યાસ માગતું પાસું છે. કલ્પસર યોજના હેઠળ ખંભાતના અખાતમાં મોજાંઓની ઊર્જામાંથી (tidal power) 5,880 MWની કુલ ક્ષમતા જેટલી વિદ્યુત ઉત્પન્ન થઈ શકે તેમ છે એમ અભ્યાસીઓ જણાવે છે. ગુજરાતની જરૂરિયાત ઉપરાંત પશ્ર્ચિમ ભારત પાવર-ગ્રિડને પણ વધારાની વિદ્યુત ફાળવવાની કલ્પસર યોજનામાં ક્ષમતા છે. 5,000 MW વિદ્યુત કોલસામાંથી ઉત્પન્ન કરવાની થાત તો તેમાંથી 2,26,60,000 ટન કાર્બન ડાયૉક્સાઇડ (CO2) હવામાં ફેલાઈ પ્રદૂષણ પેદા કરત. કલ્પસર યોજના દ્વારા મોજાંઓમાંથી પેદા થતી વિદ્યુત પુન:પ્રાપ્ય ઊર્જાસ્રોત (renewable energy source) છે. પ્રદૂષણનો આમાં સંભવ ન હોવાથી આંતરરાષ્ટ્રીય ક્યોટો પ્રોટોકોલના ‘ચોખ્ખા વિકાસ’ની ઝુંબેશને બાધ આવતો નથી.

5. નવસાધ્ય જમીન ઉપર કૃષિવનવિસ્તરણઆયોજન : ખંભાતનો અખાત એ નદીઓનો છીછરો અને કાદવિયો મુખપ્રદેશ છે. તેમાં નર્મદા, ઢાઢર, મહી, સાબરમતી, લીમડી, ભોગાવો, સૂકી ભાદર, ઘેલો, કાળુભાર જેવી નાની મોટી નદીઓનાં પાણી આવે છે. નર્મદા, મહી અને સાબરમતી (તેની ઉપશાખાઓ સાથેની) મોટી નદીઓ છે; પરંતુ બારમાસી સતત પ્રવાહ માત્ર નર્મદા નદીમાં જ જોવા મળે છે. ઘોઘાથી હાંસોટ પૂર્વ-પશ્ચિમ બંધ અને સાબરમતીના મુખપ્રદેશથી ઘોઘા-હાંસોટના બંધની વચ્ચોવચ લગભગ 65 કિમી. લંબાઈના વિશાળ આડબંધો બાંધીને અખાતની ઈશાનમાં મીઠા પાણીનું સરોવર અને વાયવ્ય ભાગમાં ખારા પાણીનો મૂળ ખાડી-વિસ્તાર – એમ ખંભાતનો અખાત વહેંચાઈ જશે. ઈશાનમાં જે વિસ્તૃત મીઠા પાણીનું સરોવર તૈયાર થશે તે વાસ્તવિક કલ્પસર બનશે. આ કલ્પસરની આસપાસની ખારાપાટની જમીન નવસાધ્ય કરી તેમાં ખેતી, વસાહતો, ઉદ્યોગો, બાગાયત, ઉપવનો વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખારો પાટ 4,00,000 હેક્ટરમાં પ્રસરેલો છે અને દરિયાની સપાટીથી +10 મીટર ઊંચાઈએ 20-30 કિમી. પ્રસરેલી પટ્ટી છે. નદીઓના પાણીથી ક્રમે ક્રમે આ ક્ષારતા કમી કરી મીઠા પાણીનું જળાશય અને તેની આસપાસની ક્ષારતા દૂર કરેલી નવસાધ્ય જમીન વિવિધ ઉપયોગમાં લેવામાં આવશે; જેમ કે, ખેતી, બાગાયત, ઔદ્યોગિક વસાહતો, ઉપવન વગેરે.

6. વાહનવ્યવહાર/રેલમાર્ગનું આયોજન : નિયંત્રિત દરવાજાઓ સાથેનો 65 કિમી. લાંબો બંધ ઘોઘા-હાંસોટ(સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત)ને જોડતો વાહનમાર્ગ અને રેલવેમાર્ગ પણ બનવાનો છે. આ વાહનમાર્ગને કારણે ભાવનગર-મુંબઈ વચ્ચેનું અંતર 225 કિમી. ઘટી જશે. આ સગવડથી ગુજરાત-સૌરાષ્ટ્ર વચ્ચે આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. સમયના બચાવની સાથે આર્થિક લાભ પણ એટલો થશે કે કલ્પસર યોજનાનો સારો એવો ખર્ચ આ માર્ગ ઉપરના એન્ટ્રી ટૅક્સમાંથી નીકળી શકશે એવી ગણતરી છે. રેલમાર્ગને કારણે ભાવનગર-મુંબઈ વચ્ચેના મુસાફરી-ભાડામાં પણ મોટો ફાયદો થશે.

7. જલમાર્ગ અને બંદરોનો વિકાસ : કલ્પસર યોજના સાથે ખંભાતના અખાતનું નૈસર્ગિક પર્યાવરણ જળવાય તેવું આયોજન પણ આ યોજનામાં વિચારાયું છે. ખંભાતના અખાતને પશ્ચિમ તરફથી જોડાતી સૌરાષ્ટ્રની નદીઓમાં માત્ર ચોમાસાના દિવસોમાં જ પાણી જોવા મળે છે, બાકી આખું વર્ષ કોરી હોય છે. ધોલેરા પાસે ખારાપાટમાંથી મીઠું પકવવામાં આવે છે. અખાત પુરાઈ ગયો છે અને એક સમયના ખંભાત અને ધોલેરા બંદરો નકામાં થયાં છે. કલ્પસર યોજનામાં આ કિનારાનાં બંદરોનો પુન:વિકાસ કરવામાં આવનાર છે. ધોલેરા, ઘોઘા, ભાવનગરનાં બંદરોનો વિકાસ થશે અને તે કાયમી બંદરો બનશે. અખાતનો આ વિસ્તાર વિશાળ ખારા પાણીનું જળાશય બનશે અને નિયંત્રિત લૉક-પદ્ધતિથી ખુલ્લા સાગરનાં જહાજો આ બંદરોએ નાંગરી શકાશે. આ ખારા પાણીનાં જળાશયો દક્ષિણ તરફના અખાતના સમુદ્ર સાથે જોડાયેલાં રહેવાથી ખારા પાણીના (સામુદ્રિક) મત્સ્ય-ઉદ્યોગને હાનિ નહિ પહોંચે.

8. મત્સ્ય અને મત્સ્યોદ્યોગનું આયોજન : દેખીતી રીતે બિનઉત્પાદનશીલ અખાતનો મુખપ્રદેશ (estuary) હકીકતમાં દરિયાઈ મત્સ્યોના પોષણ અને પ્રજનન માટેનો વિસ્તાર છે. ખોરાક કડીના ‘ફાઇટો પ્લક્ટોન્સ’, ‘ઝૂ પ્લક્ટોન્સ’ એ શંખ-છીપલાં, નાનીમોટી માછલીઓ માટેની પોષણકડી છે. કેટલાંક દરિયાઈ મત્સ્યો પ્રજનન અર્થે ખારા પાણીમાંથી ઓછા ક્ષારવાળા કે મીઠા પાણીના સ્રોત તરફ ચઢતી દિશામાં કામચલાઉ સ્થળાંતર કરે છે (anadromous migration). સદભાગ્યે, ખારા પાણીનાં જળાશયો અને સમુદ્રકિનારા વચ્ચે અવરજવર ચાલુ રહેવાથી મત્સ્યઉદ્યોગનો વિકાસ થશે. મીઠા પાણીનાં જળાશયોમાં મીઠા પાણીની માછલીઓનો ઉછેર શક્ય બનશે. 2004-5ની ગણતરી મુજબ રૂ. 1,866.2 મિલિયનના મૂડીરોકાણથી કલ્પસર-વિસ્તારમાં ખારા અને મીઠા પાણીની માછલીઓનું વાર્ષિક વધારાનું ઉત્પાદન 9,856 ટન થશે, જેથી વધારાની વાર્ષિક આવક રૂ. 685.22 મિલિયન થશે. આ આવક મત્સ્ય-ઉદ્યોગના વાર્ષિક ખર્ચ કરતાં ઘણી વધારે હશે. આખા મત્સ્ય-ઉદ્યોગમાંથી 55.21 મિલિયન માનવ-દિવસ જેટલી રોજીની તકો ઊભી કરાશે.

આર્થિક પાસું : કલ્પસર જેવી અતિ મહત્વાકાંક્ષી યોજના માટે કરોડો રૂપિયાના નાણાભંડોળની આવશ્યકતા છે. આખા પ્રકલ્પ માટે 54,000 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. જે હવે વધીને 90 હજાર કરોડે પહોંચ્યો છે આટલું મોટું નાણાભંડોળ ગુજરાત જેવું સધ્ધર રાજ્ય ઊભું કરી શકે તેમ છે. કલ્પસરની યોજના પૂર્ણ થતાં આ યોજનામાંથી જ ખર્ચની રકમ પુન: પ્રાપ્ત થઈ શકશે એવો પણ અંદાજ છે. એટલે કે આખી યોજના આર્થિક રીતે વળતર આપનાર (viable) છે એમ મનાય છે.

કલ્પસર યોજનાનાં સંભવિત ભયસ્થાનો : આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં કલ્પસરને આંતરિક અને બાહ્ય મુશ્કેલીઓનો સામનો કરવાનો થશે. સરદાર સરોવર નર્મદા યોજનાને જેમ આંતરરાષ્ટ્રીય અવરોધોનો સામનો કરવો પડે છે તેમ કલ્પસર માટે પણ અવરોધો ઊભા થશે. કલ્પસર યોજના સંપૂર્ણ ગુજરાત રાજ્યની મર્યાદામાં હોઈ આંતર-રાજ્ય વિવાદોનો સામનો કરવાનો પ્રસંગ આવશે નહિ.

નકશો 2

કલ્પસર અને લોકજાગૃતિ : સરદાર સરોવર નર્મદા યોજના માટે ગુજરાતની પ્રજાએ જે રસ અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું તે કલ્પસર યોજના માટે પણ ચાલુ રહે તો કલ્પસર યોજના ધાર્યા કરતાં વહેલી પૂરી પાડી શકાય તેમ છે. આશરે 90,000 કરોડ રૂપિયાના બજેટવાળી લાંબા ગાળાની યોજના સામે ઘણાં સ્થાપિત હિતો હવનમાં હાડકાં નાંખવાનો પ્રયત્ન કરશે. લોકજાગૃતિ તેનો સાચો ઉપાય છે. લોકજાગૃતિ એટલે નારાબાજી કે વિરોધમોરચા નહિ, પરંતુ કલ્પસરની મૂલાગ્ર માહિતી મેળવી તેની સામે જે આક્ષેપો થાય તેનો ઉત્તર આપવા માટેના તાંત્રિક અભ્યાસ દ્વારા સચોટ રજૂઆતની ક્ષમતા કેળવવી એવો તેનો અર્થ છે. કલ્પસરનાં વિવિધ પાસાંઓનો અભ્યાસ કઠિન નથી. તેમાંથી અનેક આડપ્રશ્નોના ઉકેલ સાંપડે છે; જેમ કે આપણી નદીઓમાં પાણી ઓછાં છે, તો પાણીપુરવઠો વધારવા નદીઓના સ્રાવ-પ્રદેશો (catchment areas) એટલે કે આપણી ડુંગરાળ ગિરિમાળાનો વિકાસ હાથ ધરવો જરૂરી છે. ગિરિમાળાનો વિકાસ એટલે ડુંગરાળ પ્રદેશોમાં પુન: વનવિસ્તરણના (greening of mountains) (જુઓ નકશો 2.) કલ્પસર યોજનાની સાથે સાથે અથવા અલગ રીતે આ નિસર્ગ-પુન:સ્થાપનની પ્રવૃત્તિ પણ હાથ ધરી શકાય. આવી પ્રવૃત્તિઓ પણ કલ્પસર યોજનાને મદદરૂપ થાય તેમ છે. ગુજરાતની પ્રજાએ મુખ્ય કલ્પસર પ્રકલ્પની સાથે રહી અનેક પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ ઉપાડી લેવાની રહે છે અને એમાં જ છે ખરી લોકજાગૃતિ અને કલ્પસર માટેની ગરિમા.

આજે કલ્પસર યોજના માટેના પ્રારંભિક પાયાની માહિતિ અને ઇમ્પેક્ટ એસેસમેન્ટનો અભ્યાસ ચાલુ છે. અઢીસો કરોડના ખર્ચે 43માંથી 25 અભ્યાસો થઈ ચૂક્યા છે.

રા. ય. ગુપ્તે