કલ્પના (સાહિત્ય) : સર્જનાત્મક પ્રવૃત્તિ માટેનું તાત્વિક મહત્વનું ઉપાદાન. પ્રારંભમાં સર્જકો તથા વિવેચકોએ મુખ્યત્વે તેનો કાવ્યપ્રવૃત્તિને અનુલક્ષીને ઉલ્લેખ કર્યો છે. સાહિત્યનાં બીજાં સ્વરૂપો અને સિદ્ધાંતોની જેમ જ આ પ્રશ્ન વિશે પણ મધ્યયુગ તથા પુનરુત્થાન યુગ દરમિયાન ઍરિસ્ટોટલ અને પ્લૅટોના નામે ઘણી ચર્ચા થઈ છે. મધ્યયુગ દરમિયાન કલ્પનાલક્ષી બાબતો પૂરતો બહુધા ઍરિસ્ટોટલનો તથા પુનરુત્થાન યુગ દરમિયાન મુખ્યત્વે પ્લૅટોનો પ્રભાવ રહ્યો હતો. આ પ્લૅટોનિક ર્દષ્ટિબિંદુ શેક્સપિયરના ‘એ મિડસમર નાઇટ્સ ડ્રીમ’માં આ રીતે પ્રતિબિંબિત થયું છે :

The lunatic, the lover, and the poet

Are of imagination all compact.

(પાગલ, પ્રેમી અને કવિ કલ્પનાના સઘન પ્રભાવ નીચે હોય છે.) એલિઝાબેથન યુગમાં એવો ખ્યાલ પ્રચલિત હતો કે કવિતામાં કશુંક દૈવી  અલૌકિક તત્વ રહેલું છે, જેથી તર્કશક્તિથી પામવી મુશ્કેલ બની રહેતી. બાબતોની અભિવ્યક્તિ કાવ્ય માટે સહજ અને સુકર બની રહેતી આ દૈવી તત્વ તે કલ્પનાની શક્તિ મનાય છે. બેકને ‘ધ એડવાન્સમેન્ટ ઑવ્ લર્નિંગ’માં કવિતાને આવી દિવ્ય શક્તિથી સંપન્ન તરીકે ઓળખાવીને, કવિતા મનને ઊર્ધ્વગતિ બક્ષે છે એમ કહ્યું છે. ફિલિપ સિડનીએ પણ ‘એપૉલોજી ફૉર પોએટ્રી’માં સર્જનાત્મક કલ્પનાને ઈશ્વરની સર્જનપ્રવૃત્તિની પ્રતિચ્છવિ તરીકે ઓળખાવી છે.

સત્તરમી સદીના મધ્યભાગમાં કાવ્યોચિત કલ્પના(poetic imagination)ના મુદ્દાની હૉબ્ઝે ‘લેવિયાથન’(1651)માં વિશદ છણાવટ કરી છે. બીજાઓની જેમ તેમણે પણ તરંગ (fancy) તથા કલ્પના(imagination)ને એકબીજાના પર્યાય તરીકે પ્રયોજ્યાં છે. તેમણે કહ્યું છે કે સઘળું જ્ઞાન ઇન્દ્રિયગ્રાહ્ય અનુભવો દ્વારા જ પ્રાપ્ત થાય છે. પદાર્થોનાં કલ્પનો કે પ્રતિરૂપો સ્મૃતિમાં સંઘરાયેલાં હોય છે. નિર્ણયશક્તિ (judgement) તથા કલ્પના આ સંઘરાયેલી સામગ્રીમાંથી સ્ફુરે છે. નિર્ણયશક્તિ અસમાનતાઓ તારવે છે, જ્યારે કલ્પનાશક્તિ સામ્ય અને સાર્દશ્ય શોધે-પ્રયોજે છે. આ વિશેના ડ્રાયડનના વિચારો પણ હૉબ્ઝની વિચારસરણીને અનુરૂપ હતા. હકીકતમાં હૉબ્ઝના સિદ્ધાંતે ઘણો વ્યાપક પ્રભાવ જમાવ્યો હતો. ત્યારબાદ મહત્વનું પ્રદાન કર્યું જ્હૉન લૉકે. તેમણે વિચારોના સાહચર્ય(association of ideas)નો સિદ્ધાંત વિકસાવ્યો અને તેમના વિચારોનો પણ ખાસ્સો પ્રભાવ રહ્યો. એમ કહી શકાય કે હૉબ્ઝ અને લૉક બંનેએ મળીને સાહિત્યિક વિવેચનામાં મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતનો પાયો નાખ્યો. અઢારમી સદીમાં તેનું જ વર્ચસ્ રહ્યું. કલ્પનાની આનંદમય અનુભવસૃષ્ટિ વિશે મૂળગામી પ્રદાન કર્યું એડિસને, ‘સ્પેક્ટેટર’માંના લેખોમાં. એડિસને વિચારોના સાહચર્યના ખ્યાલને વિસ્તૃત રૂપ બક્ષ્યું.

અઢારમી સદી દરમિયાન મોટાભાગે મનની સર્જનાત્મક તથા કલ્પનાલક્ષી પ્રક્રિયાઓ વિશે ગંભીર વિચારણા અને રસપ્રદ વિશ્લેષણ થયાં. આ સૌમાં અનુભવવાદને પ્રાધાન્ય આપનારા વિચારકો કરતાં વિલિયમ બ્લેક જુદા પડતા હતા. એ માનતા હતા કે સમસ્ત પ્રકૃતિ તથા વિશ્વ એ કોઈક આધ્યાત્મિક રહસ્યના આવિષ્કારરૂપ છે. એથી જ એમાં કોઈક પૂર્ણ આદર્શ સ્વરૂપનાં પ્રતીકો તથા સંકેતો પથરાયેલાં છે. એ સંકેતોની બ્રહ્મલિપિ ઉકેલવાનું કાર્ય કલ્પનાએ કરવાનું હોય છે. કવિતા રૂપે તેનું અર્થઘટન થાય છે. આમ બ્લેકે પૃથક્કરણ કરતાં અંત:પ્રેરણાને પ્રાધાન્ય આપ્યું. પરંતુ અઢારમી સદી દરમિયાન બહુધા કલ્પનાશક્તિની તુલનામાં નિર્ણયશક્તિને વિશેષ ચડિયાતી અને બળૂકી પ્રવૃત્તિ માનવામાં આવતી હતી. કારણ કે નિર્ણયશક્તિ કલ્પના અને તરંગથી પ્રવર્તિત વિચારલીલાને નિયંત્રણમાં રાખી શકે તેમ હતી. જ્હૉન્સનનાં લખાણોમાં કલ્પનાતરંગોનાં ઉડ્ડયનો વિશે ઉગ્ર ટીકા તથા તેનાથી સાવધ રહેવાની ચેતવણી જોવા મળે છે. કલ્પના તથા તરંગ એકબીજાના લગભગ પર્યાયરૂપે જ વપરાતા હતા તેને વિશે જ્હૉન્સન સાશંક હતા. નિર્ણયશક્તિમાં તર્ક, પક્વતા, સંયમ, તાટસ્થ્ય તથા સુયોજનનું સંયોજન (synthesis) છે એવો મત હતો. નવપ્રશિષ્ટવાદીઓ(neo-classicists)ને મન આ લાક્ષણિકતાઓ વિશેષ મહત્વની હતી.

છેવટે આ પ્રશ્ન વિશે જોરદાર અને દૂરગામી મંતવ્યો વ્યક્ત કર્યાં કોલરિજે. ‘બાયોગ્રાફિયા લિટરેરિયા’(1817)માં તેમણે એવું પ્રતિપાદિત કર્યું કે સુગ્રથિત તથા સમરૂપ વ્યક્તિત્વ સિદ્ધ કરવા માટે કલ્પનાશક્તિ સમર્થ સાધન છે. કલ્પનાશક્તિમાં સંયોજનનો અલૌકિક પ્રભાવ છે જેથી માનવપ્રકૃતિનાં વિસંવાદી લક્ષણો તેમાં વિલય પામીને સુસંવાદી વ્યક્તિત્વ ઊપસે છે એમ કોલરિજે સ્પષ્ટપણે દર્શાવ્યું છે.

મહેશ ચોકસી