કલીમ અહમદાબાદી (જ. 1879, અમદાવાદ; અ. 29 ડિસેમ્બર 1966) : ઉર્દૂ કવિ. મૂળ નામ અબ્દુલ કરીમ. ‘કલીમ’ તખલ્લુસ. પ્રાથમિક શિક્ષણ પ્રમાણમાં નહિવત્, છતાં આસપાસના વાતાવરણમાંથી તે ઉર્દૂ તથા ગુજરાતી ભાષા શીખ્યા હતા. તે વખતે અમદાવાદમાં કવિ અઝીઝ ઇટાવીની પુસ્તકોની દુકાન હતી. આ દુકાન કલીમ માટે મહત્ત્વનું અભ્યાસકેન્દ્ર બનેલી. અઝીઝ સાહેબ પોતે પણ એક સારા કવિ હોવાના નાતે કલીમ સાહેબે તેમની પાસેથી કાવ્યસર્જન માટે પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવેલું. તેના ફલસ્વરૂપે તેમણે 1911માં કવિતા લખવાનું શરૂ કર્યું. તેમનાં કાવ્યો-ગઝલો તત્કાલીન ‘જલ્વ-એ યાર’ અને ‘તરક્કી-એ સુખન’ જેવાં સામયિકોમાં ઝડપભેર છપાવા લાગ્યાં, જેથી કવિ તરીકેની તેમની ખ્યાતિ પ્રસરવા લાગી. કલીમ સાહેબ એક ‘ઉસ્તાદ શાયર’ તરીકે જાણીતા થયા.

કલીમ સાહેબે પોતાના સાહિત્યશોખને અનુરૂપ 1928માં ‘કલીમ બુક ડીપો’ના નામે પુસ્તકોની એક દુકાન અમદાવાદમાં જ શરૂ કરી. આ દુકાન શહેરની સાહિત્યિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. આજે પણ એ દુકાન અરબી, ફારસી, ઉર્દૂના પ્રખ્યાત પુસ્તકભંડારના રૂપમાં ચાલે છે.

કલીમ સાહેબે ઉર્દૂ ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ કેટલીક ગઝલો લખી હતી. ઉર્દૂના લોકપ્રસિદ્ધ કથાગ્રંથ ‘તિલિસ્મે-હોશરૂબાં’નો ગુજરાતીમાં સંક્ષિપ્ત અનુવાદ પણ એમણે પ્રસિદ્ધ કર્યો છે. તેમણે પયગમ્બર સાહેબની પ્રશંસામાં લખેલ રચનાઓનો સંગ્રહ ‘ગુલઝારે તયબા’ના નામે ગુજરાતી લિપિમાં જ પ્રસિદ્ધ થયેલ છે. ‘મતાએ કલીમ’ના શીર્ષક હેઠળ તેમની ઉર્દૂ ગઝલનો જે દીવાન છપાયો છે તે ગુજરાતના ઉર્દૂ સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા