કલીમુદ્દીન અહમદ (જ. 15 સપ્ટેમ્બર 1907, પટણા; અ. 1983) : ઉર્દૂના સુપ્રસિદ્ધ સમીક્ષક અને અંગ્રેજી સાહિત્યના પ્રખર વિદ્વાન. અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં સ્નાતક તથા અનુસ્નાતકની પરીક્ષાઓમાં તે ઉત્તીર્ણ થયા હતા. 1928માં લંડન ગયા. અભ્યાસ પૂરો કરી, લંડનથી પાછા આવી તે પટણા કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા, જ્યાંથી તે આચાર્યપદેથી નિવૃત્ત થયા.

તેમણે લખેલા ‘ઉર્દૂ શાયરી પર એક નઝર’ (1940) અને ‘ઉર્દૂ તનકીદ પર એક નઝર’ (1942) તથા ‘ઉર્દૂ જબાન ઔર ફન્ન-એ-દાસ્તાનગોઈ’ (1944) નામનાં  પુસ્તકોએ ઉર્દૂ સાહિત્યની દુનિયામાં હલચલ મચાવી દીધી હતી. તેમની સમીક્ષા પાશ્ર્ચાત્ય સમીક્ષાના અનુસરણ ઉપર આધારિત હોય છે. ‘ગઝલ અર્ધપાગલ કાવ્યપ્રકાર છે’ – એ ગઝલ વિશેના તેમના વિધાને રસપ્રદ ચર્ચા જગાડી હતી. મીર ગાલિબ ઇકબાલ તેમજ હાલી, શિબલી અને સુરૂર જેવા દિવંગત કવિઓ અને લેખકો પણ તેમની વેધક અને ધારદાર આલોચનાનો વિષય બનેલ છે. સ્નાતક કક્ષાએ અંગ્રેજીની સાથે અરબી ભાષા પણ વિષય તરીકે શીખ્યા હતા તેમજ કેમ્બ્રિજમાં ફ્રેંચ અને રોમન ભાષાનું જ્ઞાન પણ મેળવ્યું હતું. આ બધાંના કારણે તેમની સમીક્ષામાં અંગ્રેજી, ફ્રેંચ અને અન્ય યુરોપીય સાહિત્યનો પ્રભાવ જોવા મળે છે. ‘અપની તલાશ મેં’ તેમની આત્મકથા છે. તેમણે ઉર્દૂ-અંગ્રેજી શબ્દકોશ તૈયાર કર્યો અને ‘ફરહાંગ-એ-અદલી ઇસ્તિલહત’ (1986) નામક સાહિત્યિક શબ્દસંગ્રહ પ્રગટ કર્યો.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા