કલિતા, વિષ્ણુકિંકર (જ. 1928) : આધુનિક અસમિયા નવલકથાકાર. તેમણે અત્યાર સુધીમાં દશ નવલકથાઓ લખી છે, પણ તેમાં સૌથી વિખ્યાત છે ‘ચિંતા’. એમાં મધ્યમ વર્ગના આસામી કુટુંબની સમસ્યાઓ નિરૂપી છે. આસામનું નાનાં નાનાં રાજ્યોમાં વિભાજન, તેને લીધે તેની કથળતી જતી આર્થિક સ્થિતિ, પૂર્વ બંગાળમાંથી આવતા નિરાશ્રિતોની ભરતી અને તેને કારણે આસામવાસીઓને પોતાનું વ્યક્તિત્વ ખોઈ બેસવાની ચિંતા, વન્ય જાતિઓની જોડે ભદ્ર પુરુષોની અથડામણ અને તેને અંગે વન્ય જાતિઓનાં ચાલુ રહેલાં આક્રમણ : આ પરિવેશમાં આ નવલકથાનું કથાનક રચાયું છે. નવલકથાનું મહત્વ એ છે કે લેખક પોતે તો આપણી સમક્ષ એક પછી એક ર્દશ્યો જ રજૂ કરે છે. એમણે તટસ્થ ભાવે ચિત્રણ કર્યું છે. આસામના ભદ્ર પુરુષોએ એનો વિરોધ પણ કરેલો. પરંતુ એ વિરોધ પાછળથી શમી ગયેલો અને આસામ રાજ્ય તરફથી લેખકને આ નવલકથા માટે પારિતોષિક પણ એનાયત થયું છે.

પ્રીતિ બરુઆ