કલિયુગ (1981) : લોકપ્રિય હિંદી ચલચિત્ર. નિર્માણસંસ્થા : ફિલ્મવાલાઝ; નિર્માતા : શશી કપૂર; દિગ્દર્શક : શ્યામ બેનેગલ; સંગીત : વનરાજ ભાટિયા; છબીકલા : ગોવિંદ નિહલાની; પટકથા : ગિરીશ કર્નાડ, શ્યામ બેનેગલ; સંવાદ : પંડિત સત્યદેવ દુબે; ધ્વનિ-મુદ્રણ : હિતેન્દ્ર ઘોષ; સંકલન : ભાનુ દાસ; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; મુખ્ય કલાકારો : શશી કપૂર, રેખા, અનંત નાગ, રાજ બબ્બર, કુલભૂષણ ખરબંદા, અમરીશ પુરી, વિક્ટર બૅનરજી, સુષમા શેઠ, ઓમ પુરી, એ. કે. હંગલ, સુપ્રિયા પાઠક, વિજયા મહેતા. ખાસ ભૂમિકામાં અખ્તર મિર્ઝા.

‘કલિયુગ’ ફિલ્મમાં ગિરીશ કર્નાડે અને શ્યામ બેનેગલે આધુનિક ભારતમાં મહાભારતના પાયાના સ્વરૂપને ચિત્રિત કરવાનો એક સફળ પ્રયાસ કર્યો છે. મહાભારતનાં બે રાજકુટુંબો કૌરવો અને પાંડવોની જેમ આ ફિલ્મમાં બે ઉદ્યોગજૂથો સાથે સંકળાયેલાં નજદીકનાં સગાં કુટુંબો વચ્ચેનાં ઔદ્યોગિક શિખરો સર કરીને સત્તા હાંસલ કરવા માટેની તીવ્ર રસાકસી આલેખાઈ છે. સત્તાપ્રાપ્તિની આ લાલસા એકબીજાના ખૂન કરવા સુધીની હદે પહોંચે છે. આ બંને કુટુંબોમાં એક કુટુંબ ધનરાજ સિંગ(વિક્ટર બૅનરજી)નું છે અને બીજું ભરત(અનંત નાગ)નું છે. આ બંને કુટુંબની કંપનીઓ એક મોટો કૉન્ટ્રેક્ટ મેળવવાની હરીફાઈ કરતાં ઝઘડી પડે છે. ધંધા માટે કૉન્ટ્રેક્ટ મળવો જરૂરી છે, પરંતુ આ જરૂરિયાત સાથે બીજી ઘણી ઘટનાઓ સંકળાયેલી છે. ભરત અને ધનરાજ કોઈ પણ ભોગે આ કૉન્ટ્રેક્ટ મેળવવા મેદાને પડે છે. આ સત્તાલાલસા અહીં અટકતી નથી; તે ભરતના ઘર સુધી વિસ્તરે છે. ભરતની માતા (સુષમા શેઠ) સંયુક્ત કુટુંબનો પાયો છે. તેના અવાજમાં સત્તાનો રણકો છે. ભરતની સાળી સુપ્રિયા (રેખા) ભરતની માતાની આ સત્તા છીનવી લેવાનો પ્રયાસ કરે છે. અંતે સુપ્રિયા તેના પ્રયત્નોમાં સફળ થાય છે અને ભરત ઉપર પણ તેની સત્તા ચાલે છે. બંને કુટુંબો આ સત્તાલાલસાને કારણે છેવટે ખુવાર થાય છે.

પીયૂષ વ્યાસ