કલા (દૈવી) : કલાશક્તિ કે વિભૂતિનું વ્યક્ત સ્વરૂપ. કોઈ પણ દેવતાની શક્તિ સોળ કળાઓમાં વિભાજિત હોય છે. જે દેવતામાં બધી કળાઓ વિદ્યામાન હોય તેમને ‘પૂર્ણકલા-મૂર્તિ’ કહેવામાં આવે છે. જે દેવતામાં 16 કરતાં એક-બે કળા ઓછી હોય તેમને ‘કલામૂર્તિ’ કહે છે, જ્યારે કલામૂર્તિ કરતાં પણ ઓછી કલા ધરાવનાર દેવતા ‘અંશમૂર્તિ’ અને એનાથી પણ ઓછી કલાવાનને ‘અંશાંશ-મૂર્તિ’ કહેવામાં આવે છે.

શિવનાં બે સ્વરૂપ છે : નિષ્કલ (નિર્ગુણ) અને સકલ (સગુણ). નિષ્કલ કલારહિત છે, જ્યારે સકલ કલાયુક્ત છે. સકલ શિવ શક્તિસ્વરૂપ છે. એમનામાં અને શક્તિમાં કોઈ ફરક નથી. તેઓ બંને એક જ છે. શક્તિહીન શિવ ‘શવ’ છે, નિર્ગુણ અને નિષ્કલ છે. નિષ્કલ શિવ કલાહીન છે જ્યારે શક્તિ પોતે કલાવતી છે. શિવતત્વમાં રહેલી ‘ઉન્મની’માં કલા હોતી નથી, જ્યારે શક્તિતત્વમાં રહેલી ‘સમની’માં કલાઓ હોય છે. ‘નેત્રતંત્ર’ ગ્રંથ અનુસાર ‘સમની’માં સાત કલાઓ હોય છે. આમ ‘ઉન્મની’ શિવપદ છે અને તે કાલ અને કલાથી અતીત છે. જ્યારે શક્તિતત્વ જ ઉક્ત કલાઓનો ઉદગમસ્રોત છે. શક્તિતત્વમાં સર્વોચ્ચ શક્તિ ‘સમની’ છે. પર-શિવ અને પર-શક્તિના સંયોગથી ક્ષરિત થનારા અમૃતને તે ગ્રહણ કરે છે. વસ્તુતઃ એ જ શક્તિ સત્તરમી કલારૂપે ‘અમૃતરૂપિણી’ છે જ્યારે એ સોળમી કલારૂપે ‘અમૃતગ્રહિણી’ છે. આમ કલાઓનાં નામ અને તેમની સંખ્યાઓ અંગે ઘણા મતભેદ પ્રવર્તે છે. મુંડકોપનિષદ(3 2 7) અનુસાર ત્રણ પુરુષો પાંચ-પાંચ કલાઓ (કુલ 15 કલાઓ) ધારણ કરે છે. સોળમી કળા ઈશ્વર આમ્નાય છે જે પરાત્પર પરમાત્મામાં લીન થયેલી ઉત્પન્ન થાય છે. આથી મુંડકોપનિષદ અનુસાર પરબ્રહ્મની 16 કળાઓ છે. શ્રીમદ્ ભાગવત સોળેય કલાઓથી પરિપૂર્ણ હોવાને લઈને ‘શ્રીકૃષ્ણઃ ભગવાને સ્વયં’ કહેલ છે તે આ અર્થમાં છે.

પ્રવીણચંદ્ર પરીખ