કલંદરબખ્શ ‘જુરઅત’ ઉર્દૂ કવિ

January, 2006

કલંદરબખ્શ ‘જુરઅત’ ઉર્દૂ કવિ (જ. ?, દિલ્હી; અ. ઈ. સ. સાતમી સદી) : ‘જુરઅત’નું મૂળ નામ યાહ્યા અમાન. નાની વયમાં જ પરિવાર ફૈઝાબાદમાં જઈ વસ્યો હોઈ તેમના જીવન અને તેમની કાવ્યશૈલી ઉપર ફૈઝાબાદ-લખનઉનો પ્રભાવ જોવા મળે છે.

તેમનો સ્વભાવ ખૂબ ચંચળ હતો. તેમને સંગીતનો પણ શોખ હતો. બાળપણથી જ તેઓ કાવ્યરચના કરતા. હસમુખા સ્વભાવે અને આસપાસના રંગીલા વાતાવરણે ‘જુરઅત’ની ગઝલોને એક ખાસ પ્રકારની લઢણ આપી. લખનવી રંગ અને રૂઢિપ્રયોગો તેમની કવિતાની લાક્ષણિકતાઓ છે. સ્ત્રીઓની ભાષા અને ચોક્કસ પ્રકારના શબ્દપ્રયોગો પણ તેમની ગઝલની વિશિષ્ટતા છે. લખનઉના દરબાર સાથે સંબંધ બાંધનારા કવિઓ ‘મસહફી’, ‘ઈન્શા’ વગેરે સાથે તેમનું પણ ઉર્દૂ સાહિત્યના ઇતિહાસમાં ચોક્કસ સ્થાન છે. જતે દહાડે તેમની આંખોની રોશની જતી રહી હતી; પરંતુ હસમુખા સ્વભાવને કારણે તેમને આ ખોટ સાલી ન હતી.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા