કર્ષણ (traction) : હાડકું ભાંગ્યા પછી તેના તૂટેલા ભાગને સતત ખેંચી રાખીને ધીમે ધીમે યોગ્ય સ્થાને બેસાડવાની સારવાર. હાડકું ભાંગે ત્યારે તેના તૂટીને ખસી ગયેલા ભાગને એકબીજા જોડે યોગ્ય રીતે પાછા લાવીને રાખવાની ક્રિયાને હાડકું બેસાડવું કહે છે. દરેક વયના દર્દીની સારવારમાં ઘણા જૂના કાળથી તે પદ્ધતિ વપરાય છે. સતત ખેંચાણ આપીને તૂટેલા હાડકાવાળા કે શોથ(inflammation)-વાળા હાથ કે પગનો દુખાવો ઘટાડવા તેમજ સ્નાયુઓનું સતત આકુંચન (spasm) ઓછું કરવા કર્ષણની સારવાર અપાય છે. તેના મુખ્ય ઉપયોગો સારણી 1માં દર્શાવ્યા છે.

સારણી 1 : કર્ષણના ઉપયોગો

1. હાથ કે પગના હાડકાનું ભાંગવું કે ઊતરી જવું.
2. કરોડના મણકાનું ઉપવિચલન (subluxation) થવું.
3. ઊતરી ગયેલા કે ભાંગી ગયેલા હાડકાને બેસાડ્યા પછી તેને તે જ સ્થિતિમાં રાખવું.
4. હાડકું ભાંગ્યું હોય તે જગ્યાએ ઉદભવેલી કુરચના (deformity) સુધારવી.
5. હાડકાના સાંધાની કુરચના સુધારવી.
6. ટૂંકા થયેલા ઉપાંગ(હાથ કે પગ)ને લાંબું કરવું.
7. કરોડના મણકાની કુરચના સુધારવી.

વિવિધ કર્ષણો : (અ) સ્થાયી કર્ષણ સાથેનો થૉમસનો સ્પ્લિન્ટ, (આ) હાડકા દ્વારા ખેંચાણ અથવા અસ્થીય કર્ષણ, (ઇ) ચામડી દ્વારા ખેંચાણ અથવા સરકતું ત્વચાકીય કર્ષણ, (ઈ) વક્રભુજાવાળા પરિકર(calipers)ની મદદથી ખોપરીનું ખેંચાણ, (ઉ) સ્ટેનમેનની ખીલી, (ઊ) ક્રિશ્નરનો તાર, (ઋ) થૉમસનો સ્પ્લિન્ટ તથા અસ્થીય કર્ષણ, (એ) હેમિલ્ટન રસેલનું કર્ષણ, (ઐ) 2 વર્ષથી નાના બાળકમાં વપરાતું ગેલોઝનું કર્ષણ. નોંધ : તીરની દિશા કર્ષણ અથવા પ્રતિકર્ષણ દર્શાવે છે. (1) થૉમસનો સ્પ્લિન્ટ, (2) ચોંટણપટ્ટી, (3) તૂટેલું હાડકું, (4) એડીનું હાડકું, (5) સ્ટેનમેનની ખીલી, (6) વજન લટકાવવાની વ્યવસ્થા, (7) ખોપરી, (8) વક્રભુજાવાળું પરિકર, (9) ક્રિશ્નરનો તાર, (10) અસ્થીય કર્ષણ.

કર્ષણ આપવાની બે પદ્ધતિઓ છે : (1) ત્વકીય કર્ષણ (skin traction) અને (2) અસ્થીય કર્ષણ (skeletal traction). તૂટેલા હાડકા કે કુરચનાવાળા સાંધાના દૂરના (distal) ભાગ પરની ચામડીની વિસ્તૃત સપાટી પર ચોંટણ(adhesive)પટ્ટીઓ લગાવીને તેના દ્વારા તથા ગરગડી પરથી પસાર થતી એક નાયલૉનની મજબૂત દોરીની મદદથી વજન લટકાવાય તો તેને ત્વચાકીય કર્ષણ કહે છે. જ્યારે 15 પાઉન્ડથી વધારે વજન લટકાવવાની જરૂર હોય ત્યારે અસ્થીય કર્ષણની જરૂર પડે છે. અસ્થીય કર્ષણ આપવા અસ્થિભંગ(fracture)થી દૂરના ભાગમાં આવેલા હાડકામાંથી જીવાણુરહિત સ્ટેનમેન(Steinmann)ની ખીલી (pin) અથવા ક્રિશ્નર(Krishner)નો તાર પસાર કરાય છે અને તેની સાથે વજન લટકાવાય છે. ક્યારેક તેમાં ચેપ લાગે છે. હાડકાને પોષણ આપતા અને તેની સંવેદનાઓનું વહન કરતા નસો અને ચેતાઓના સમૂહને ખીલી કે તાર દ્વારા ઈજા ન પહોંચે તેનું ધ્યાન રખાય છે. ક્યારેક ખીલીને પ્લાસ્ટરમાં સમાવી લઈને કર્ષણને વધુ મજબૂત કરાય છે. જરૂર પડ્યે ખોપરીના હાડકામાં સાધન ભેરવીને કર્ષણ અપાય છે.

વિવિધ પ્રકારની જરૂરિયાતો માટે વિવિધ પ્રકારનાં કર્ષણો વપરાય છે, જેમ કે જંઘાસ્થિની ગ્રીવાનો ભાગ એટલે કે થાપાનું હાડકું ભાંગે ત્યારે લંબઅક્ષીય (longitudinal) કર્ષણ, જંઘાસ્થિનો મધ્યદંડ (shaft) ભાંગે ત્યારે હેમિલ્ટન-રસેલનું કર્ષણ, જંઘાસ્થિ કે નળાસ્થિ (tibia) ભાંગે ત્યારે સરકતું (sliding) કર્ષણ વગેરે. અન્ય પદ્ધતિ દ્વારા બેસાડવા મુશ્કેલ હોય એવા અસ્થિભંગ તથા સામાન્ય સારવાર પછી ન જોડાતા હોય તેવા અસ્થિભંગ, કુરચનાઓ અને ટૂંકા હાથ કે પગની સારવાર, નવી શોધાયેલી ઇલીઝારો (Illezaroh) કર્ષણની રશિયન તક્નીકની મદદથી સરળ બની છે.

મનોજ જોશી

શિલીન નં. શુક્લ