કર્વે, ધોંડો કેશવ (જ. 18 એપ્રિલ 1858, મુરુડ, કોંકણ; અ. 9 નવેમ્બર 1962, પુણે) : આધુનિક ભારતના પ્રથમ હરોળના સમાજસુધારક તથા કેળવણીકાર. તે મહર્ષિ અણ્ણાસાહેબ કર્વેના નામથી લોકવિખ્યાત બન્યા છે. મુરુડ તથા રત્નાગિરિમાં શાળાકીય શિક્ષણ પૂરું કર્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ ગયા. 1891માં બી.એ. થઈ તે જ વર્ષે પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં ગોપાળ કૃષ્ણ ગોખલેની સૂચનાથી ગણિતના પ્રાધ્યાપક તરીકે જોડાયા. તેમની પહેલાં આ પદ પર લોકમાન્ય ટિળક કામ કરતા હતા.

ધોંડો કેશવ કર્વે

1891માં પ્રથમ પત્નીનું અવસાન થતાં 33 વર્ષની વયે ‘શારદા સદન’ સ્ત્રી-સંસ્થામાંની આનંદીબાઈ નામની એક વિધવા સાથે પુનર્લગ્ન કરી પોતાના જ જીવનમાં સમાજસુધારાનું પ્રથમ પગલું ભર્યું. તે જમાનાના બ્રાહ્મણ સમાજે તેમનો બહિષ્કાર કર્યો હતો, છતાં અડગ રહી વિધવાઉદ્ધારનું પોતાનું કાર્ય અવિરત ચાલુ રાખ્યું. 1893માં ‘વિધવાવિવાહ પ્રતિબંધ નિવારક મંડળ’ સ્થાપ્યું તથા પુનર્વિવાહ કરનારાં યુગલોના કુટુંબમેળા યોજીને આવાં યુગલોને સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા. 1899માં પુણે નજીક હિંગણા ખાતે ‘અનાથ બાલિકાશ્રમ’ સંસ્થાની સ્થાપના કરી અને તે મારફત વિધવાઉદ્ધાર માટેનું વિધવાશિક્ષણનું અનિવાર્ય પગલું ભર્યું. 1900થી આ આશ્રમે કામકાજ શરૂ કર્યું.

સમાજમાં સ્ત્રીઓને તેમના મુખ્ય કાર્યક્ષેત્રને અનુરૂપ શિક્ષણ આપવાના હેતુથી 1916માં મહર્ષિ કર્વેએ પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી, જે આજે પણ પ્રથમ હરોળની ઉચ્ચ શિક્ષણસંસ્થા ‘શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરસી મહિલા વિશ્વવિદ્યાલય (SNDT)’ નામથી જાણીતી છે. આ વિશ્વવિદ્યાલયના અભ્યાસક્રમમાં અન્ય વિષયો ઉપરાંત ગૃહજીવન તથા બાળઉછેર જેવા વિષયોને પ્રાધાન્ય મળેલું છે તથા શિક્ષણ માતૃભાષામાં અપાય છે. દેશમાંની અને ખાસ કરીને ગુજરાત-મહારાષ્ટ્રની હજારો સ્ત્રીઓ આ વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ અને તાલીમ પામીને જુદાં જુદાં ક્ષેત્રમાં જોડાઈ છે, વળી તેમણે કારકિર્દીનાં ઉચ્ચ શિખરો સર કર્યાં છે.

સંસ્થાઓના સ્થાપક તરીકે પણ અણ્ણાસાહેબ ખૂબ જાણીતા છે. સ્ત્રીઓના ઉદ્ધારનું કામ કરનારા કાર્યકરોને તાલીમ આપવાના હેતુથી તેમણે 1910માં ‘નિષ્કામ મઠ’ની સ્થાપના કરી, ગ્રામવિસ્તારોમાં શિક્ષણનો પ્રસાર થાય તે માટે 1936માં તેમણે ‘મહારાષ્ટ્ર ગ્રામ પ્રાથમિક શિક્ષણ મંડળ’ની સ્થાપના કરી અને જાતિભેદ તથા અસ્પૃશ્યતાનિવારણનું કાર્ય કરવા માટે 1944માં ‘સમતા સંઘ’ સ્થાપ્યો. પોતે સ્થાપેલી સંસ્થાઓના નિભાવ અર્થે આર્થિક તથા અન્ય જોગવાઈ કરવામાં દેશવિદેશમાં તે જીવનભર પ્રવૃત્તિમય રહ્યા. આ શતાયુષી મહર્ષિના કાર્યનું ગૌરવ કરવા માટે ભારત સરકારે 1955માં તેમને ‘પદ્મવિભૂષણ’ તથા 1958માં ‘ભારતરત્ન’ ખિતાબથી નવાજ્યા હતા.

1915માં તેમની આત્મકથા ‘આત્મવૃત્ત’ પ્રકાશિત થઈ હતી. તેમના જીવનકાર્ય પર પ્રકાશ પાડવા માટે મહારાષ્ટ્ર સરકારે એક દસ્તાવેજી ચિત્ર પણ તૈયાર કર્યું છે. તેમનાં જીવન અને કાર્યને આધારે મરાઠીમાં ‘હિમાલયાચી સાવલી’ નામે નાટક લખાયું-ભજવાયું હતું અને તેનું ગુજરાતી રૂપાંતર ‘નોખી માટી, નોખાં માનવી’ પણ લોકપ્રિય નીવડ્યું હતું.

ઉષા કાન્હેરે