કર્લ રૉબર્ટ ફલોયડ જુનિ.

January, 2006

કર્લ, રૉબર્ટ ફલોયડ, જુનિ. (જ. 23 ઑગસ્ટ 1933, એલિસ, ટૅક્સાસ, યુ.એસ.) : ફુલેરીનના સહશોધક અને 1996ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા અમેરિકન રસાયણવિદ. તેમણે હ્યુસ્ટન(ટૅક્સાસ)ની રાઇસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1954માં બી.એ.ની પદવી મેળવી હતી. ત્યારબાદ 1957માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા ઍટ બર્કલીમાંથી રસાયણશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી હતી. 1958માં તેઓ રાઇસ યુનિવર્સિટીના શિક્ષકગણમાં જોડાયા. 1985ના સપ્ટેમ્બરમાં તેઓ ઇંગ્લૅન્ડની યુનિવર્સિટી ઑવ્ સસેક્સના પ્રા. ક્રોટોને મળ્યા અને તે વર્ષમાં કર્લ, તેમના રાઇસ ખાતેના સાથી સ્મૉલી અને ક્રોટોએ તેમના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ જે. આર. હીથ અને એસ. સી. ઓ. બ્રાયન સાથે પ્રયોગ કરી 11 દિવસના સંશોધન બાદ કાર્બન પરમાણુઓના ગોલીય ગુચ્છ (spherical cluster) રૂપ ફુલેરીનની શોધ કરી. તેમની શોધ તેમણે ‘નેચર’ સામયિકના 14 નવેમ્બર, 1985ના અંકમાં જાહેર કરી હતી. ફુલેરીન એ આજ સુધી જાણીતાં બે વિવિધ રૂપો (અપરરૂપો, allotropes) એવા ગ્રૅફાઇટ અને હીરા ઉપરાંતનું ત્રીજું અપરરૂપ છે. તેમાં કાર્બન પરમાણુઓ બંધ કવચો(shells)માં ગોઠવાયેલા હોય છે. ક્વચમાંના કાર્બન પરમાણુઓની સંખ્યામાં ફેરફાર હોઈ શકે છે અને તેથી વિવિધ સંરચનાઓ ધરાવતાં ફુલેરીન મળ્યાં છે.

આ વૈજ્ઞાનિકોએ હિલિયમના જેટ(jet)માં ગ્રૅફાઇટનું લેસર-કિરણો વડે બાષ્પીભવન કર્યું અને દર્શાવ્યું કે કાર્બનના ટુકડા (fragments) C60 અને C70 અણુઓથી સમૃદ્ધ હતા. આવાં કાર્બન-ગુચ્છો પ્રમાણમાં ઊંચી સ્થિરતા ધરાવે છે. આથી તેમની સંરચના પણ ઉચ્ચ સમમિતિ ધરાવતી હોવી જોઈએ. C60 ગોલીય સંરચના ધરાવે છે અને તેમાં કાર્બન પરમાણુઓના 12 પંચકોણ (pentagons) 20 ષટ્કોણ (hexagons) વચ્ચે પરિક્ષેપિત થયેલાં (dispersed) હોય છે. આમ તે યુરોપિયન ફૂટબૉલ(વિંશફલક, icosahedron)ને મળતાં આવે છે. આ સંરચના બકમિન્સ્ટર ફુલર નામના સ્થપતિએ રચેલા અલ્પાંતરીય (geodesie) ઘૂમટો જેવી હોવાથી, આ નવાં સંયોજનોના વર્ગને ‘ફુલેરીન’ નામ આપવામાં આવ્યું છે. અનૌપચારિક રીતે (informally) તેમને ‘બકીબૉલ’ પણ કહે છે.

ફુલેરીનની શોધથી રસાયણશાસ્ત્રમાં એક નવી શાખા ખૂલી છે. તેમનો અભ્યાસ અતિમજબૂત રેસાઓ અથવા અસામાન્ય વિદ્યુતીય અને પ્રાકાશિક ગુણો ધરાવતા પદાર્થોના વિકાસમાં પરિણમી શકે તેમ છે.

ફુલેરીન અંગેના સંશોધન બદલ કર્લ, ક્રોટો અને સ્મૉલીને 1996ના વર્ષનો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો. કર્લને આ ઉપરાંત પણ અનેક એવૉર્ડ મળેલા છે.

પ્રહલાદ બે. પટેલ