કર્મસિદ્ધાન્ત અને કર્મના પ્રકારો (જૈન)

January, 2006

કર્મસિદ્ધાન્ત અને કર્મના પ્રકારો (જૈન) : સાધકના આત્મવિકાસમાં જે શક્તિને કારણે વિઘ્ન ઉપસ્થિત થાય છે તે. સંસારી આત્માઓની સુખ, દુ:ખ, સંપત્તિ, આપત્તિ અને ઊંચનીચ આદિ જે કોઈ વિભિન્ન અવસ્થાઓ ર્દષ્ટિગોચર થાય છે તે સર્વમાં કાલ તેમજ સ્વભાવ આદિની જેમ કર્મ પણ એક પ્રબલ કારણ છે. જૈનદર્શન જીવોની આ વિભિન્ન પરિણતિઓમાં ઈશ્વરને કારણ ન માનતાં કર્મને જ કારણ માને છે.

યદ્યપિ ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ તથા વેદાન્ત આદિ વૈદિક દર્શનોમાં ઈશ્વરને સૃષ્ટિનો કર્તા અને કર્મફળનો દાતા માનવામાં આવ્યો છે, પણ જૈનદર્શન સૃષ્ટિકર્તા અને કર્મફળદાતાના રૂપમાં ઈશ્વરની કલ્પના જ કરતું નથી. જૈન ધર્મનું કહેવું છે કે જેમ જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે, તેમજ તેનું ફળ ભોગવવામાં પણ સ્વતંત્ર છે. કરોળિયો પોતે જ જાળ બનાવે છે અને પોતે જ તેમાં ફસાઈ પણ જાય છે. તે જ પ્રમાણે આત્મા પોતે જ કર્મ કરે છે અને પોતે જ તેનું ફળ ભોગવે છે. પોતાનાં જ કર્મને લીધે સંસાર-પરિભ્રમણ કરે છે અને ધર્મની સાધના કરીને એક દિવસ કર્મબંધમાંથી મુક્તિ મેળવીને પરમાત્મસ્થિતિને પ્રાપ્ત કરે છે.

જૈન-પરંપરામાં કર્મ બે પ્રકારનું છે. એક ભાવકર્મ અને બીજું દ્રવ્યકર્મ. રાગદ્વેષાત્મક પરિણામ અર્થાત્ કષાય ભાવકર્મ કહેવાય છે અને કાર્મણ જાતિનું પુદગલ – જડતત્વવિશેષ જે કષાયને કારણે આત્મા – ચેતન્યતત્વની સાથે મળીભળી જાય છે તે દ્રવ્યકર્મ કહેવાય છે.

આત્મા અને કર્મનો સંબંધ : આત્મા અને કર્મનો સંબંધ અનાદિ છે. જીવ જૂનાં કર્મોનો ક્ષય કરતો જાય છે અને નવાં કર્મોનું ઉપાર્જન કરતો રહે છે. જ્યાં સુધી પ્રાણીનાં પૂર્વોપાર્જિત સમસ્ત કર્મ નષ્ટ થઈ જતાં નથી અને નવાં કર્મોનું આગમન બંધ થઈ જતું નથી ત્યાં સુધી ભવબંધનથી તેની મુક્તિ થતી નથી. એક વાર સમસ્ત કર્મોનો વિનાશ થઈ ગયા પછી ફરીથી કર્મોપાર્જન થતું નથી, કેમ કે એ અવસ્થામાં કર્મબંધનનું કોઈ કારણ અસ્તિત્વમાં હોતું નથી. આત્માની આ અવસ્થાને મુક્તિ, મોક્ષ, નિર્વાણ અથવા સિદ્ધ કહે છે.

કર્મબંધનું કારણ : જૈન સિદ્ધાન્તમાં કર્મોપાર્જન કે કર્મબંધનાં બે કારણ મનાયાં છે – યોગ અને કષાય. શરીર, વાણી અને મનની પ્રવૃત્તિને યોગ કહેવાય. ક્રોધ આદિ માનસિક આવેગ કષાયમાં આવે. આમ તો કષાયના અનેક ભેદ છે પણ સાધારણ રીતે એના બે ભેદ છે : રાગ અને દ્વેષ અથવા ચાર ભેદ છે : ક્રોધ, માન, માયા અને લોભ. રાગદ્વેષજનિત શારીરિક તેમજ માનસિક પ્રવૃત્તિ જ કર્મબંધનું કારણ છે. કષાયની તીવ્રતાને લીધે બંધાતું કર્મ સ્નિગ્ધ, પ્રબલ તેમજ દીર્ઘજીવી હોય છે જ્યારે કષાયરહિત ક્રિયાથી થનાર કર્મબંધ અત્યંત નિર્બળ તેમજ અલ્પજીવી હોય છે.

કર્મબંધની પ્રક્રિયા : જૈન કર્મગ્રન્થોમાં કર્મબંધની પ્રક્રિયાનું વિશદ વર્ણન મળે છે. સમગ્ર લોકમાં એવું કોઈ પણ સ્થાન નથી જ્યાં કર્મયોગ્ય પુદગલ પરમાણુ વિદ્યમાન ન હોય. પ્રાણી જ્યારે પોતાનાં મન, વચન કે તનથી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરે છે ત્યારે ચોતરફથી કર્મયોગ્ય પુદગલ પરમાણુઓનું આક્રમણ થાય છે. જેટલા ક્ષેત્ર કે પ્રદેશમાં તેનો આત્મા વિદ્યમાન હોય એટલા જ પ્રદેશમાં વિદ્યમાન પરમાણુ તેના દ્વારા તે સમયે ગ્રહણ કરાય છે, અન્ય નહિ. પ્રવૃત્તિની તરતમતા અનુસાર પરમાણુઓની સંખ્યામાં પણ તારતમ્ય હોય છે. ગ્રહણ કરાયેલા પુદગલ પરમાણુઓના સમૂહનું કર્મના રૂપમાં આત્માની સાથે બદ્ધ થવું – જોડાઈ જવું તે પ્રદેશબંધ કહેવાય છે. આ જ પરમાણુઓ જ્ઞાનાવરણ આદિ અનેક રૂપોમાં પરિણમે તે પ્રકૃતિબંધ કહેવાય. કર્મવિપાકના કાલ તથા તીવ્રતામંદતાના આ નિશ્ચયને અનુક્રમે સ્થિતબંધ તથા અનુભાગબંધ કહે છે. કષાયના અભાવમાં કર્મપરમાણુ આત્માની સાથે સંબદ્ધ રહી શકતા નથી, જેમ સૂકા વસ્ત્ર પર રજકણ રહી શકતા નથી તેમ. ચાલવું, હરવુંફરવું આદિ ક્રિયાઓથી બંધાતો કર્મબંધ અસામ્પરાયિક બંધ કહેવાય છે. સકષાય કર્મબંધને સામ્પરાયિક બંધ કહે છે. સામ્પરાયિક કર્મને લીધે જીવને સંસારપરિભ્રમણ કરવું પડે છે.

કર્મબંધનો ઉદય અને ક્ષય : કર્મ બંધાય કે તરત જ પોતાનું ફળ આપવાનું આરંભી દેતાં નથી. અમુક સમય સુધી એમ ને એમ જ પડ્યાં રહે છે. કર્મના આ ફળહીન કાળને અબાધાકાળ કહે છે. અબાધાકાળ વ્યતીત થયા પછી જ બદ્ધકર્મ પોતાનું ફળ આપવાનો આરંભ કરે છે. કર્મફળનો આરંભ જ કર્મનો ઉદય કહેવાય છે. કર્મ પોતાના સ્થિતિબંધ અનુસાર ઉદયમાં આવે છે અને ફળ પ્રદાન કરી આત્માથી છૂટાં પડી જાય છે. આનું જ નામ નિર્જરા છે. જે કર્મનો જેટલી સ્થિતિનો બંધ હોય તે કર્મ એટલી અવધિ સુધી અનુક્રમે ઉદયમાં આવે છે. (કર્મની સ્થિતિ અધિકમાં અધિક સિત્તેર કોટાકોટિ સાગરોપમ હોય છે અને ઓછામાં ઓછી અન્તર્મુહૂર્ત હોય છે. અસામ્પરાયિક કર્મની સ્થિતિ માત્ર એક સમય જ હોય છે.) બીજા શબ્દોમાં કર્મનિર્જરાનો પણ એટલો જ સમય હોય છે જેટલો કર્મસ્થિતિનો. જ્યારે સમસ્ત કર્મો આત્માથી છૂટાં પડી જાય ત્યારે પ્રાણી કર્મમુક્ત થઈ જાય છે. એ જ મોક્ષ કહેવાય છે.

રૂપેન્દ્રકુમાર પગારિયા