કર્મચારી સંચાલન-વ્યવસ્થા : યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહક વેતન દ્વારા કર્મચારીઓ પાસેથી અસરકારક પરિણામ મેળવવાની તંત્રવ્યવસ્થા. કામનાં સ્વરૂપ અને ગુણવત્તાના સંદર્ભમાં યોગ્ય કર્મચારીઓની ભરતી કર્યા પછી તેમની વચ્ચે કાર્યની વહેંચણી કરવી, તેમને સંતોષ થાય તેવી કામની શરતો નિર્ધારિત કરવી, તેમને જરૂરી તાલીમ આપવી, તેમની બઢતીનાં ધોરણો નિર્ધારિત કરવાં, સંતુષ્ટ કર્મચારીઓ ટકી રહે તેવો પ્રબંધ કરવો તથા તેમની કાર્યક્ષમતા અને વિકાસ માટે ગોઠવણ કરવી. ઉદ્યોગ કે એકમની સફળતાનો આધાર મહદ્ અંશે સંચાલનની કાર્યક્ષમતા ઉપર રહેલો છે એટલું જ નહિ, જે તે એકમનાં પૂર્વનિર્ધારિત ધ્યેયો પાર પાડવા માટે જરૂરી એવાં તમામ ઉત્પાદનસાધનો વચ્ચે યોગ્ય સુમેળ અને સંકલન સાધવામાં તેમજ સાધનોનો મહત્તમ ઉપયોગ થાય તેમાં સંચાલનની કાર્યક્ષમતા રહેલી છે.
પહેલાંના સમયમાં ઉત્પાદન વધારવા માટે સંચાલકો ભૌતિક સાધનો, તેમાં પણ ખાસ કરીને યંત્રો તથા માલસામગ્રીના ઉપયોગ પર વધારે ભાર મૂકતા હતા અને ઉત્પાદનના મહત્વના અંગ જેવા શ્રમિકોને ઘણું ઓછું મહત્વ આપતા હતા. તદુપરાંત કર્મચારીઓ સાથે યોગ્ય વર્તન-વ્યવહારનો પણ અભાવ હતો.
પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઉપસ્થિત થયેલી શ્રમિકોની અછતને કારણે ઉદ્યોગધંધાના ક્ષેત્રે ઉત્પાદનની કામગીરી પદ્ધતિસર કરવા માટે વૈજ્ઞાનિક ધોરણે સંચાલનની જરૂરિયાતનો સ્વીકાર થતાંની સાથે જ કર્મચારીઓના મહત્વનો પણ સ્વીકાર કરવામાં આવ્યો.
વળી જેમ જેમ ધંધા-ઉદ્યોગ વિકાસ પામતા ગયા તેમ તેમ માનવીય ર્દષ્ટિબિંદુનો સ્વીકાર વ્યાપક બન્યો. ધંધાદારીઓ, ઉદ્યોગપતિઓ અને સંચાલન-ક્ષેત્રના નિષ્ણાતોને તેથી સ્પષ્ટ રીતે સમજાયું કે ઉત્પાદન વધારવા માટે કાચો માલ લાવવો કે નવાં આધુનિક યંત્રો વસાવવાં કે આધુનિક ટૅકનૉલૉજી અપનાવવી એટલું જ પર્યાપ્ત નથી. તેની સાથે સાથે કર્મચારીઓ સ્વેચ્છાએ તથા અંગત ઉત્સાહ અને રસથી આત્મીયતાની ભાવનાથી ઉદ્યોગ-ધંધાના ક્ષેત્રે કામગીરી બજાવે તે પણ જરૂરી છે, કારણ કે ઉત્પાદનનાં અન્ય સાધનોની સરખામણીએ માનવસાધન જ એકમાત્ર એવું સાધન છે, જેને આદાનપ્રદાનનો સીધો નિયમ લાગુ પડતો નથી, એટલું જ નહિ પણ માલિક તરફથી કર્મચારીને પૂરતાં પ્રોત્સાહન અને હૂંફ મળે તો તે વળતરની સરખામણીમાં અનેકગણું કામ આપે છે અને ઉત્પાદન વધારે ઝડપી બનાવે છે. આ ર્દષ્ટિએ સંચાલન એ વસ્તુઓની અને સાધનોની માત્ર દોરવણીનું કાર્ય નથી પરંતુ તે વિકાસની એક પ્રક્રિયા છે.
બાહોશ ઉદ્યોગસંચાલકો તેથી જ કર્મચારીઓને ઉત્પાદનનાં અન્ય નિર્જીવ સાધનો કરતાં વધુ મહત્વ આપે છે. તે જોતાં સારું અને સફળ સંચાલન એટલે કર્મચારીઓ પાસેથી બરાબર સહકાર મેળવી, તેમને તેમના ક્ષેત્ર-કાર્ય વિશે શ્રેષ્ઠ માર્ગદર્શન આપી, તેમની પાસેથી અસરકારક પરિણામો મેળવવાં. વર્તમાન સમયમાં મજૂર સંઘ પ્રવૃત્તિના વિકાસના કારણે મજૂરોની જાગૃતિ, મોટા પાયા પર યાંત્રિકીકરણ અને વિશિષ્ટ ટૅકનિકલ જ્ઞાન ધરાવતા કર્મચારીઓના વધતા જતા મહત્વને કારણે કર્મચારી-સંચાલન ધ્યાનપાત્ર બન્યું છે.
કેટલીક વાર એવું માની લેવામાં આવે છે કે સ્વયંસંચાલિત યંત્રોના ઉપયોગને કારણે માનવીનું મહત્વ ઘટ્યું છે. આ માન્યતા સાચી નીવડી શકે તેમ નથી; બલકે વિશિષ્ટ ટૅકનિકલ જ્ઞાન અને આવડત ધરાવનારા કર્મચારીઓની માગ અને મહત્વ બંનેમાં વધારો થયો છે; દા.ત., કમ્પ્યૂટરના વધતા જતા ઉપયોગને લીધે કમ્પ્યૂટર અંગેનું ટૅકનિકલ જ્ઞાન ધરાવતા કર્મચારીઓની માગમાં વધારો થયો છે. આથી આ પ્રકારના માણસો મેળવવા અને તે ટકી રહે તેવો પ્રબંધ કરવા માટે વધુ સાવધાની રાખવાની માલિકોને ફરજ પડી છે; તે દર્શાવે છે કે કર્મચારી-સંચાલનના મહત્વનો સ્વીકાર વાસ્તવિક રીતે થતો રહ્યો છે.
માનવજૂથ દ્વારા જ્યાં જ્યાં પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં ત્યાં કર્મચારી-વ્યવસ્થા અને સંચાલનની જરૂર ઊભી થાય છે જ, પછી ભલે આવાં માનવજૂથો વેપાર, ઉદ્યોગ, ધંધા કે ધાર્મિક, સામાજિક કે અન્ય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં હોય. ઉદ્યોગધંધાના એકમની પ્રવૃત્તિઓની સફળતા અને અસરકારકતાનો આધાર કર્મચારીઓ સાથેના સહકારભર્યા અને સુમેળભર્યા વર્તન પર રહેલો છે.
કર્મચારી-સંચાલન એટલે સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારીઓ મેળવવા અને જાળવી રાખવા અને તેમના વિકાસનો પ્રયત્ન કરવો તે, વગેરે બાબતો ધ્યાનમાં લેતાં કર્મચારી-સંચાલનમાં નીચે દર્શાવેલાં વિવિધ કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે : (1) કેવા અને કેટલા કર્મચારીઓની ક્યારે જરૂર પડશે તેનું આયોજન કરવું, (2) કાર્યઅભ્યાસ (work study), કાર્યનું વર્ણન અને કાર્યની જરૂરિયાતોના સંદર્ભમાં કાર્ય-મૂલ્યાંકન (job evaluation) હાથ ધરવું અને (3) યોગ્ય સમયે આવશ્યક અને જરૂરી સંખ્યામાં કર્મચારીઓ મળી રહે તે માટે તેમની પસંદગી અને ભરતી કરવી.
કર્મચારીઓની ભરતી કર્યા પછી કર્મચારી-સંચાલન હેઠળ નીચેનાં પગલાં જરૂરી બને છે : (1) કર્મચારીઓને જરૂરી તાલીમ આપીને, તેમને સોંપાનારા કાર્યને અનુરૂપ તેમનો વિકાસ કરવો, (2) તેમને તેમના કાર્ય અંગે જરૂરી માર્ગદર્શન શ્રેષ્ઠ રીતે આપવું, (3) યોગ્ય અને પૂરતું નિયમિત વેતન તથા પ્રોત્સાહક વેતન (incentive wage) સમયસર આપવાની વ્યવસ્થા વિચારવી અને અમલમાં મૂકવી, (4) કર્મચારીઓને યોગ્ય સમયે બઢતી માટેની ઇષ્ટ તકો આપવી, (5) કાર્ય માટે યોગ્ય પરિસ્થિતિનું સર્જન કરવું તેમજ અકસ્માતો અને રોગોના નિવારણ માટે સાવચેતીનાં જરૂરી પગલાં લેવાં, (6) કર્મચારી-કલ્યાણ અંગેનાં કાર્યો, તેમના અંગત પ્રશ્નો અને મુશ્કેલીઓ તેમજ મૂંઝવણોના ઉકેલ માટેની વ્યવસ્થા, કર્મચારીઓના પરસ્પરના સંબંધો તથા માલિક-સંચાલકો સાથેના સંબંધો વિકસાવવા અને કર્મચારી સંઘો સાથે ઘનિષ્ઠ અને મુક્ત સંબંધો રાખવા.
આમ કર્મચારી-સંચાલન વિભાગ એકમના વિકાસનાં તથા કર્મચારી-વ્યવસ્થાનાં તેમજ કર્મચારીઓની શક્તિઓનો સંપૂર્ણ અને અસરકારક ઉપયોગ થઈ શકે તે માટે જુદી જુદી સેવાઓ પૂરી પાડવાનાં અને કાર્યક્ષમતામાં વધારો થાય તેવાં કાર્યો કરે છે. તેમ છતાં કર્મચારી-સંચાલન વિભાગનાં કાર્યોનો આધાર એકમનાં કદ, પ્રકાર ને નીતિ ઉપર અવલંબે છે.
પ્રગતિશીલ અને ભવિષ્યલક્ષી (forward looking) ઉત્પાદન-એકમોમાં માનવશક્તિનો મહત્તમ ઉપયોગ થાય તે હેતુથી વખતોવખત કાર્ય-અભ્યાસ તથા કાર્ય-મૂલ્યાંકન હાથ ધરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ કામની પદ્ધતિમાં સુધારો કરવાનો તથા પ્રત્યેક કાર્યની પ્રક્રિયા માટે વધુમાં વધુ કેટલા સમયની જરૂર પડશે તે નક્કી કરવાનો હોય છે. આમ કરવાથી શ્રમશક્તિનો ઇષ્ટ અને કરકસરયુક્ત ઉપયોગ કરી ઉત્પાદનપ્રક્રિયાની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. વ્યાપક અર્થમાં આને માનવશક્તિ-આયોજન કહે છે.
રોહિત ગાંધી