કર્મપ્રકૃતિ : જૈન મત અનુસાર કર્મનું સ્વરૂપ. જૈન કર્મશાસ્ત્રમાં ‘કર્મ’ એટલે કે મનુષ્યની પ્રવૃત્તિના આઠ પ્રકારો છે : 1. જ્ઞાનાવરણ, 2. દર્શનાવરણ, 3. વેદનીય, 4. મોહનીય, 5. આયુ, 6. નામ, 7. ગોત્ર અને 8. અંતરાય. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો છે. એમને લીધે આત્માના ચાર મૂલ ગુણ – જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય – નો ઘાત થાય છે. શેષ ચાર અઘાતી છે કેમ કે એ કર્મો આત્માના કોઈ ગુણનો ઘાત કરતાં નથી. જ્ઞાનાવરણ આત્માના જ્ઞાનગુણનો ઘાત કરે છે. દર્શનાવરણથી આત્માના દર્શનગુણનો, મોહનીયથી આત્માના પરમસુખનો અને અંતરાયથી વીર્યશક્તિનો ઘાત થાય છે. વેદનીય કર્મ અનુકૂળ અને પ્રતિકૂળ સંવેદન – સુખદુ:ખ -નું કારણ છે. આયુકર્મથી આત્માને વિવિધ ભવોની પ્રાપ્તિ થાય છે. નામ કર્મને લીધે જીવને વિવિધ ગતિ, જાતિ, શરીર આદિ પ્રાપ્ત થાય છે. ગોત્ર કર્મ પ્રાણીઓના ઉચ્ચત્વ-નીચત્વનું કારણ છે.

કર્મની પ્રકૃતિઓ અને સ્થિતિ
કર્મ ઉત્તર

પ્રકૃતિઓ

ઉત્કૃષ્ટ સ્થિતિ જઘન્ય

સ્થિતિ

1. જ્ઞાનાવરણ 5 ત્રીસ કોટાકોટિ સાગરોપમ અંતર્મુહૂર્ત
2. દર્શનાવરણ 9 ત્રીસ કોટાકોટિ સાગરોપમ અંતર્મુહૂર્ત
3. વેદનીય 2 ત્રીસ કોટાકોટિ સાગરોપમ બાર મુહૂર્ત
4. મોહનીય 28 સિત્તેર કોટાકોટિ સાગરોપમ અંતર્મુહૂર્ત
5. આયુ 4 તેત્રીસ સાગરોપમ અંતર્મુહૂર્ત
6. નામ 103 વીસ કોટાકોટિ સાગરોપમ આઠ મુહૂર્ત
7. ગોત્ર 2 વીસ કોટાકોટિ સાગરોપમ આઠ મુહૂર્ત
8. અન્તરાય 5 ત્રીસ કોટાકોટિ સાગરોપમ અન્તર્મુહૂર્ત

કર્મની વિવિધ અવસ્થાઓ : જૈન કર્મશાસ્ત્રમાં કર્મની વિવિધ અવસ્થાઓનું વર્ણન મળે છે. એમનાં નામ આ પ્રમાણે છે : 1. બંધન, 2. સત્તા, 3. ઉદય, 4. ઉદીરણા, 5. ઉદવર્તના, 6. અપવર્તના, 7. સંક્રમણ, 8. ઉપશમન, 9. વિધત્તિ, 10. નિકાચન અને 11. અબાધાકાલ.

કર્મ અને પુનર્જન્મ : કર્મ અને પુનર્જન્મનો અવિચ્છેદ્ય સંબંધ છે. સમસ્ત સંસારી જીવ પોતે ઉપાર્જિત કરેલાં કર્મો અનુસાર જ મનુષ્ય, તિર્યંચ, નારક અને દેવ ભવ પ્રાપ્ત કરે છે. જ્યારે જીવ એક શરીરને છોડીને બીજું શરીર ધારણ કરવા જાય છે ત્યારે આનુપૂર્વી નામનું કર્મ એને પોતાના ઉત્પત્તિસ્થાન પર પહોંચાડી દે છે. જેમ બળદને આમતેમ લઈ જવા સારુ નાથની આવશ્યકતા અપેક્ષિત છે તે જ પ્રકારે જીવને એક શરીરમાંથી બીજા શરીરમાં પહોંચાડવા માટે આનપૂર્વી નામક કર્મની સહાયતાની જરૂર પડે છે. ઋજુ ગતિ માટે આનુપૂર્વીની આવશ્યકતા હોતી નથી. વક્ર ગતિ માટે જ એની આવશ્યકતા રહે છે. ગત્યન્તરના સમયે જીવની સાથે તૈજસ અને કાર્મણ શરીરો રહે છે. અન્ય પ્રકારનાં શરીરોનું નિર્માણ ત્યાં પહોંચ્યા પછી જ થાય છે.

રૂપેન્દ્રકુમાર પગારિયા