કર્મકાંડ (પૂર્વમીમાંસા)

January, 2006

કર્મકાંડ (પૂર્વમીમાંસા) : યજ્ઞયાગના વિધિ અને અનુષ્ઠાન સાથે સંબંધ ધરાવતો વેદનો ભાગ. આમાં મંત્ર અને બ્રાહ્મણ એ બંનેનો સમાવેશ થાય છે, પરંતુ ખરા અર્થમાં યજ્ઞવિધિઓનું મુખ્યત્વે નિરૂપણ કરતા બ્રાહ્મણગ્રંથોને જ કર્મકાંડ કહેવાનું ઉચિત લાગે છે. જ્ઞાનકાંડ તરીકે જાણીતાં ઉપનિષદોથી વિષયર્દષ્ટિએ ભિન્ન એવો વેદનો આ ભાગ ક્રમમાં પહેલો આવતો હોવાથી તેને ‘પૂર્વકાંડ’ પણ કહે છે.

પૂર્વમીમાંસા અનુસાર વેદનો મુખ્ય હેતુ (યજ્ઞ) ક્રિયા છે; તેથી જે વેદભાગ ક્રિયાપરક ન હોય તે નિરર્થક ગણાય તેમ તે માને છે. પૂ. મી.-દર્શન કર્મકાંડપરક છે. તેમાં વિધિનિષેધ દ્વારા ક્રિયાને સૂચવતાં વેદવાક્યોને પ્રધાન (શેષી) અને તે સિવાયના કેવળ મંત્ર અને અર્થવાદના ભાગને ગૌણ (શેષ) ગણેલાં છે. સીધી રીતે યાગાદિ ક્રિયા સાથે સંબંધ નહિ ધરાવતા વેદભાગની નિરર્થકતા નિવારવા તેને પારંપરિક રીતે પણ વિધિનિષેધના પૂરક બતાવીને તેનું શેષત્વ સ્વીકારવામાં કર્મકાંડના પ્રાધાન્યવાળો અભિગમ જ કારણભૂત છે. મીમાંસકો માને છે કે નિત્ય અને અપૌરુષેય વેદો અભ્રાંત અને સર્વોચ્ચ પ્રમાણ છે, તેથી તેના પર આધારિત એવો કર્મકાંડ વધારે મહત્વનો છે.

પ્રારંભિક વૈદિક ધર્મમાં યજ્ઞને જ કેન્દ્રસ્થાન મળેલું હતું; પરંતુ આ યજ્ઞક્રિયા પ્રમાણમાં ઘણી સરળ અને સાદી હતી. તે વખતે ઇન્દ્રાદિ દેવતાઓને ઉદ્દેશીને વેદમંત્રોચ્ચાર સહિત ઘી વગેરેની આહુતિઓ અગ્નિમાં આપવામાં આવતી. તેનાથી પ્રસન્ન થયેલા દેવો પુત્રો, પશુઓ, સમૃદ્ધિ, દીર્ઘાયુષ્ય, વિજય વગેરે અનેકવિધ ઐહિક સુખ આપતા તેમ મનાતું. આમ પ્રારંભકાળથી જ યજ્ઞયાગનું વર્ચસ્ સ્વીકારી તેને જ સર્વસ્વ ગણનારી આ વિચારધારા કર્મકાંડ તરીકે પ્રસિદ્ધ થઈ. વળી સ્વર્ગ વગેરે પારલૌકિક બાબતોની પ્રાપ્તિ પણ યજ્ઞો દ્વારા જ થતી હોવાનું માનીને તેમાં કર્મકાંડની સર્વોપરીતાને નિ:શંક રીતે સ્વીકારી હતી.

સમય જતાં યજ્ઞોમાં થતા વિધિઓ અને ક્રિયાઓ વિસ્તૃત, જટિલ બન્યાં તેથી તેમાં નિપુણ એવા પુરોહિતોનો એક ખાસ કર્મકાંડી વર્ગ ઊભો થયો. પરિણામે સમગ્ર કર્મકાંડમાં વિધિવિધાનોના યંત્રવત્ અનુષ્ઠાનને સર્વસ્વ ગણી તેની સૂક્ષ્મ તથા સંકીર્ણ વિગતોના ચુસ્ત અનુસરણમાં જ ઇતિકર્તવ્યતા મનાવા લાગી. આમ તેમાં કૃત્રિમતા અને નીરસતા દાખલ થઈ. વળી વેદમંત્રોનું નિયમાનુસાર ઉચ્ચારણ અને યજ્ઞવિધિઓનું ઝીણવટભર્યું ચુસ્ત અનુષ્ઠાન જ ઇષ્ટ ફળ આપવાની શક્તિ ધરાવે છે તેવી ર્દઢ માન્યતાના પરિણામે દેવો કે ઈશ્વરને ફલદાતા તરીકે સ્વીકારવાની જરૂર રહી નહિ. યજ્ઞોમાં જ બધાં ઇષ્ટ ફળો આપવાની અલૌકિક શક્તિ – અપૂર્વનો સ્વીકાર કરીને ઈશ્વરના માધ્યસ્થ્યનો નિષેધ કરતું કર્મકાંડ અને તેને અનુસરતું પૂ. મી.-દર્શન નિરીશ્વરવાદી બની ગયાં.

કર્મકાંડના પશ્ચાત્કાલીન વિકસિત સ્વરૂપનું નિરૂપણ કલ્પસૂત્રો-શ્રૌતસૂત્રો વગેરેમાં જોવા મળે છે. જૈમિનિએ પૂ. મી.-સૂત્રોમાં તેના બધા મુદ્દાઓની તાત્વિક અને શાસ્ત્રીય છણાવટ કરી છે. ‘ચોદના’(પ્રેરણા, આજ્ઞા)ને ધર્મનું પ્રાણભૂત તત્વ ગણીને યાગાદિને ધર્મ તરીકે સ્વીકારતું આ દર્શન કર્મકાંડનું જ પ્રાધાન્ય પ્રસ્થાપિત કરે છે.

યજ્ઞાદિ કર્મોનો પર્યાય બનેલા કર્મકાંડમાં સમાવિષ્ટ થયેલાં કર્મોના ત્રણ પ્રકાર પાડેલા છે :

(1) નિત્યકર્મ : કશાય પ્રયોજન વગર અનિવાર્ય ફરજ તરીકે કરવાનાં સંધ્યાવંદન વગેરે નિત્યકર્મો છે. વર્ણાશ્રમ ધર્મોના પાલનનો પણ આમાં સમાવેશ થાય છે. તેના આચરણથી કશો લાભ થતો નથી, પરંતુ તેને નહિ કરવાથી પ્રત્યવાય (પાપ) લાગે છે. નિત્યકર્મોનું જ્ઞાન નિયત-નિમિત્તતા, પ્રત્યવાયશ્રવણ, પદવીપ્સા, સાર્વકાલિક પદનું જ્ઞાન, નિંદાશ્રુતિ, પ્રાયશ્ચિત્તવિધાન, નિયત સહપાઠ અને સંપદુપદેશથી થાય.

(2) નૈમિત્તિક કર્મ : ખાસ કારણસર અને અમુક વિશિષ્ટ પ્રસંગે કરવાનાં શ્રાદ્ધાદિક કર્મો, વ્રતો, ઉદ્યાપનો વગેરે નૈમિત્તિક ગણાય છે. જાતકર્મ વગેરે સંસ્કારો તથા તે નિમિત્તે કરાતા યાગાદિ આમાં આવે છે. यदि એ શબ્દ, સપ્તમી વિભક્તિ અને સમાન કર્તૃત્વથી આ કર્મનો બોધ થાય છે, જેમ કે અશુભ કાળે જન્મ થતાં શાન્તિવિધાન, નવગૃહે વાસ્તુવિધાન વગેરે.

(3) કામ્ય કર્મ : અમુક ચોક્કસ ફળ મેળવવાની કામનાથી કરવામાં આવતાં યાગો, વ્રતો આદિ કામ્ય કર્મો ગણાય. પુત્ર, ધન, સ્વર્ગ વગેરે મેળવવા માટે થતા યજ્ઞો આમાં સમાવેશ પામે છે. જેમ કે પુત્રેષ્ટિ, સ્વર્ગ અર્થે જ્યોતિષ્ટોમ વગેરે.

ઉપરાંત બીજા બે પ્રકારો જાણીતા છે :

(1) નિષિદ્ધ : બ્રહ્મહત્યા, ગોવધ વગેરે નહિ કરવાનો ખાસ આદેશ છે. તે કરવાથી નરક વગેરે અનર્થ થતા હોવાથી ત્યજવાનાં છે.

(2) પ્રાયશ્ચિત્ત : પાપ કે અશુભના નિવારણ માટે કરવામાં આવતાં શાસ્ત્રવિહિત કર્મો આમાં આવે છે.

આમ કર્મકાંડનો વ્યાપ ઘણો મોટો છે અને તેની વિકાસરેખા ખૂબ વિસ્તૃત છે.

કર્મકાંડના શ્રૌત, સ્માર્ત, પૌરાણિક, તાંત્રિક અને મિશ્ર – એમ પાંચ પ્રકાર પણ મનાય છે :

(1) શ્રૌત કર્મકાંડ : વેદ-બ્રાહ્મણ ગ્રંથોના આધારે મીમાંસા ગ્રંથો ઉત્પત્તિવિધિ, વિનિયોગવિધિ, અધિકારવિધિ અને પ્રયોગવિધિ દ્વારા પ્રકૃતિ-વિકૃતિરૂપે પાઠ, સ્થાન, મુખ્ય અને પ્રવૃત્તિ ક્રમે કર્મકાંડનો વિચાર કરે છે. અગ્નિહોત્ર, ઇષ્ટિ અને સોમયાગ એ પ્રકૃતિ છે. યાજ્ઞિકોની પરંપરા પશુયાગ પણ સ્વીકારે છે. અગ્નિહોત્ર, ઇષ્ટિ, સોમયાગ અને પશુયાગોનું જ્ઞાન શ્રૌત કર્મકાંડ સાથે સંબંધિત છે. દીક્ષા, ઉપસદ અને સુત્યા એ સોમયાગની વિશેષતા છે. આ કર્મો શ્રૌત કલ્પમાં નિરૂપાયાં છે.

(2) સ્માર્ત કર્મકાંડ : ગૃહ્ય અને ધર્મકલ્પ નામના વેદાંગમાં અંતર્ભૂત છે. સ્માર્ત કર્મોને આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્ત નામના ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે. સંસ્કાર, આચાર, દાન, શ્રાદ્ધ, શાંતિ, વ્રત, પ્રતિષ્ઠા અને ઉત્સર્ગ એ આચારનાં અંગો છે. રાજધર્મ, સમાજવ્યવસ્થા, દાયભાગ, મૃગયા વગેરે વ્યવહારનાં અંગ છે. તપ, પ્રાયશ્ચિત્ત અને શુદ્ધિ પ્રાયશ્ચિત્તકર્મોમાં સમાવાય છે.

ઐહિક શારીરિક લીલાના પરિણામરૂપ પ્રાકૃત જન્મ તો માત્ર જીવનયાપનાના સાધનરૂપ દેહ આપે છે. તેને આમુષ્મિક-પારલૌકિક શ્રેયના અભીષ્ટ ફળની પ્રાપ્તિને અનુરૂપ બનાવવા સારુ ભારતીય મનીષીઓએ સંસ્કાર વિશે કરેલી વિચારણા વૈદિક ગૃહ્ય-સૂત્રો અને સ્મૃતિગ્રંથોમાં મળે છે. ગર્ભાધાનાદિ સોળ સંસ્કારો મુખ્ય છે. કાળક્રમે લુપ્તપ્રાય સંસ્કારોમાં અંશત: ઉપનયન અને મુખ્યત્વે વિવાહસંસ્કારો જીવિત છે. સીમંત, જાતકર્મ, નામકરણ અને અંત્યેષ્ટિ જેવા સંસ્કારો પરંપરા અને રિવાજોમાં અટવાયેલા છે.

વર્ણ-ધર્મ, આશ્રમ-ધર્મ, વર્ણાશ્રમ-ધર્મ, સામાન્ય-ધર્મ, વિશેષ-ધર્મ, ગુણધર્મ દ્વારા આચારનો ઉપદેશ અપાયો છે. તદનુસાર દાન, શ્રાદ્ધ, વ્રત, શાંતિ, પ્રતિષ્ઠા અને ઉત્સર્ગ એ બધાં તેમજ આપૂર્તકર્મ લોકકલ્યાણ સાથે સંબંધિત વ્યક્તિનાં શ્રેય:સાધક કર્મો છે.

(3) પૌરાણિક કર્મ : સંસ્કાર, શ્રાદ્ધ વગેરે વિધિઓના સ્માર્ત અને પૌરાણિક બે ભેદ છે. વૈદિક મંત્રો સાથે યજ્ઞોપવીત સંસ્કાર પામેલા દ્વિજો સ્માર્ત કર્મો કરે છે; જ્યારે ઉપનયનસંસ્કારરહિત દ્વિજેતર લોકો, સ્ત્રીઓ અને શૂદ્રો પૌરાણિક કર્મો કરે છે. તેમને માટે થતાં એકોપચાર, પંચોપચાર, દશોપચાર, ષોડશોપચાર, રાજોપચાર વગેરે પૂજનાદિ પૌરાણિક કર્મો ગણાય છે. તેમાં વેદમંત્રનો ઉપયોગ થતો નથી.

પૌરાણિક કર્મો સંસ્કાર, ઔર્ધ્વદેહિક, ઉદ્યાપનસહિત વ્રતવિધિ, દાન, નક્ષત્ર – વાસ્તુ – ગ્રહ આદિ શાંત, વાપી-કૂપ-તડાગ આદિનાં ઉત્સર્ગ, પૂજા, યાગ, પુરશ્ચરણ, જપ, આચારશુદ્ધિ અને પરિચર્યા વગેરે છે. આવાં કર્મો માટે ઇતિહાસ, પુરાણો અને સ્મૃતિગ્રંથો પ્રમાણભૂત ગણાય છે. આ સાહિત્યમાં ગુણવાદ, અનુવાદ અને ભૂતાર્થવાદ રૂપે પ્રશસ્તિપરક-અર્થવાદનાં વિધાનો વિપુલ પ્રમાણમાં મળે છે.

(4) તાંત્રિક કર્મકાંડ : ભયમાંથી રક્ષણ આપી સર્વ અર્થની પ્રાપ્તિ કરાવવાના ઉદ્દેશથી તંત્રગ્રંથોમાં કર્મકાંડ ઉપદેશાયેલ છે. ડામર તંત્ર, રુદ્રયામલ તંત્ર વગેરે તંત્રો શિષ્ટાચાર અને પરંપરાથી પુરાણો સાથે વિશેષ સંબંધિત હોવાનું મનાય છે. કેટલાંક તાંત્રિક વિધાનો તો વૈદિક કર્મકાંડનું સમર્થન ધરાવે છે.

તાંત્રિક કર્મકાંડ દિવ્ય, દક્ષિણ અને વામ એમ ત્રિવિધ છે. તે અધિકાર અનુસાર થાય છે. દીક્ષા, મહાદીક્ષા, પુરશ્ચરણ, મહાપુરશ્ચરણ, અભિષેક, મહાભિષેક અને તદભાવ  એ સાત અધિકારભેદ છે. તાંત્રિક કર્મકાંડ વેદવિરુદ્ધ નથી, કારણ કે વૈદિક માર્ગમાંથી ચ્યુત થયેલી વ્યક્તિ તંત્રાધિકારી નથી. વીરમિત્રે કરેલા શ્રૌતાશ્રૌત તાંત્રિક વિધાનો જોતાં જણાય છે કે શ્રૌત તાંત્રિક કર્મકાંડ વૈદિક માર્ગના અધિકારીઓ માટે છે. અશ્રૌત તંત્રમાર્ગમાં ચાંડાલ પર્યંત હરકોઈ વ્યક્તિ અધિકારી બની શકે છે. તાંત્રિક કર્મકાંડમાં સાત્વિક, રાજસી અને તામસી એમ ત્રિવિધ તંત્રોપાસના બતાવાઈ છે.

(5) મિશ્ર કર્મકાંડ : શ્રીમદ્ ભાગવતે ‘वैदिकस्तान्त्रिको मिश्र इति मे त्रिविधो मख:’ (11-2-7) કહી મિશ્ર કર્મકાંડને વૈદિક અને તાંત્રિકથી ભિન્ન ગણાવ્યું છે. વૈદિક અને તાંત્રિક એમ બંને કર્મકાંડવિધાન અનુક્રમે પૌર્વાપર્યથી એકસાથે કરવામાં આવે તેને મિશ્ર કર્મકાંડ કહેવાય છે. (શ્રીમદ્ ભાગવત, 11-27-49). મીમાંસકોના મતે એક જ ફળનાં વિધાયક અનેક વિધાનોમાં મિશ્રત્વ હોય છે.

અધિકારભેદમાં વર્ણ, સંસ્કાર અને ઉપાસનામાં પ્રગતિ ધોરણરૂપે છે. સહાધિકાર, સંભૂયાધિકાર ઉપરાંત કર્મ પરત્વે રથકાર, નિષાદ, ચાંડાલ આદિના વિશેષ અધિકારો કર્મકાંડમાં સ્વીકારાયા છે. નિષેધાત્મક વિધાનો અધિકારનો નિષેધ કરે છે. વ્રત વગેરેમાં યજમાનનો સજાતીય, સપિંડ કે સગોત્ર પ્રતિનિધિ બની શકે છે. પરંતુ ઋત્વિજ તરીકે માત્ર બ્રાહ્મણ જ હોય. દીક્ષિત થયા પછી શારીરિક, માનસિક અને આચારગત વિશેષ નિયમોનું પાલન અપેક્ષિત છે.

વેદપારાયણ અને શાખાપારાયણની પરંપરામાં પુરાણપારાયણ તેમજ ઇતિહાસપારાયણની પરંપરાઓ વિકસેલી છે. યજ્ઞોને વ્યાપક બનાવી ગૃહસ્થધર્મમાં પંચમહાયજ્ઞને સ્થાન અપાયું છે. વ્રતોમાં શાકત્યાગ વગેરે ઋતુ પરત્વે વિશેષ નિયમ સૂચવે છે.

પૂજાપ્રકારોમાં મંત્ર, જપ, હોમ, દાન અને તપ મુખ્ય છે. ઉપચાર પ્રમાણે પૂજાપ્રકાર પણ થાય છે. વ્રતોદ્યાપનમાં સ્નાન, વ્રત, જપ, હોમ, દાન અને બ્રહ્મભોજન મુખ્ય છે. વૈષ્ણવોમાં તપ:સંસ્કારવિધિ નોંધપાત્ર છે. દેવતાપૂજનમાં મંડળ, પ્રતિમા, યંત્ર તેમજ યાગોમાં મંડપ અને કુંડવિધાન અગત્યનાં છે. તાંત્રિક કર્મકાંડમાં ભૂતશુદ્ધિ, પ્રાણપ્રતિષ્ઠા, માતૃકાન્યાસ વગેરે તેમજ પટલ, કવચ, હૃદય, સ્તોત્ર અને સહસ્રનામનાં પંચાંગ અગત્ય ધરાવે છે.

કર્મમાર્ગના કર્મકાંડમાં શ્રદ્ધા અને મનની સ્થિરતા કર્મ સાથે સુસંકલિત બને તે અપેક્ષિત છે. તેનાથી આત્મતુષ્ટિ, મન-બુદ્ધિ અને આત્માનું ઊર્ધ્વીકરણ, માનવોત્તર વ્યક્તિત્વનો વિકાસ અને લોકસંગ્રહની સ્થાપના થાય છે.

મનસુખ જોશી

દશરથલાલ ગૌરીશંકર વેદિયા