કરોળિયો : મકાનો કે કુદરતમાં વિશિષ્ટ પદ્ધતિથી રેશમી તાંતણાઓની જાળ ગૂંથી કીટકો અને અન્ય નાની જીવાતોને ફસાવી આહાર કરનાર 8 પગવાળું નાજુક અપૃષ્ઠવંશી પ્રાણી જેનું વિગતવાર વર્ગીકરણ આ મુજબ છે : સમુદાય – સંધિપાદ. ઉપસમુદાય – ચેલિસિરેટ વર્ગ – અષ્ટપાદી. શ્રેણી – એરેનિયા. કરોળિયા એ વીંછી, જૂવા, કથીરીની માફક અષ્ટપાદી વર્ગની જીવાત છે.

કરોળિયો  આંતરિક રચના

તેનું શરીર અગ્રકાય (prosoma) અને અનુકાય (opisthosoma) એમ બે ભાગોમાં વહેંચાયેલું હોય છે. તેને ઉપાંગો તરીકે પાદસ્પર્શકો (pedipalps) અને પ્રકરજો(chelicerae)ની એક એક જોડ અને ચલનપાદ(પગ)ની ચાર જોડ હોય છે. મોટાભાગના કરોળિયા જમીન પર વસે છે, કેટલાક જલસંસર્ગી તરીકે મીઠા જળાશયો કે દરિયાના પાણીની સપાટીએ રહેતા હોય છે. સામાન્યપણે કરોળિયા પોતે બાંધેલી જાળમાં રહે છે અને જાળમાં જે કીટક કે જીવાત સપડાય તેનો આહાર તરીકે ઉપયોગ કરે છે. કેટલાક કરોળિયા નાનાં પક્ષીઓનું પણ પકડીને ભક્ષણ કરતા હોય છે.

કરોળિયાની જાળ : કરોળિયાને પાંખો નથી છતાં ઊડતા માખી, મચ્છર જેવા કીટકોને જાળમાં સપડાવી તેમાંથી ખોરાક ચૂસે છે. જાળ બનાવવાની કરોળિયાની વિશિષ્ટ તરકીબ હોય છે. તેના ઉદરના છેડે રેશમના તાંતણા ઉત્પન્ન કરનાર એક ગ્રંથિ હોય છે. 2થી 3 જોડ ગ્રંથિઓ સૂક્ષ્મ નલિકાઓ વાટે બહાર ખૂલે છે. ગ્રંથિઓમાંથી પ્રવાહી રૂપે પદાર્થ બહાર પડે છે, જે હવાના સંસર્ગમાં આવતાં તાંતણામાં ફેરવાઈ જાય છે. આ તાંતણાને વિવિધ પ્રકારના કરોળિયા જુદી જુદી રીતે ઉપયોગમાં લે છે. કરોળિયાની કેટલીક જાતો એક જ તાંતણો કાઢી તેના આધારે લટકતાં દૂર સુધી સ્થળાંતર કરે છે. કેટલાક તાંતણાઓનું જાળું પોતાને ફરતે રાખી હવામાં દૂર સુધી ઊડી જાય છે. આવા વગર પાંખે ઊડી શકનારા કરોળિયાઓ સમુદ્રમાં સ્ટીમરોમાં પ્રવેશતાં જોવા મળ્યા છે (Ballooning young spiders). કેટલાક કરોળિયા જાળને બદલે સફેદ ચકતીઓ તૈયાર કરે છે અને તેમાં ઈંડાં સાચવે છે. ખુદ જાળ તૈયાર કરનારા કરોળિયામાં પણ સાદી અને જટિલ પ્રકારની જાળ જોવામાં આવે છે. સાદી જાળમાં થોડાંક તાંતણા આડાઅવળા ગૂંથાયેલા જોવા મળે છે.

વિવિધ દવાઓની અસર નીચે કરોળિયાએ બનાવેલી જાળ

ન્યૂયૉર્કની સ્ટેટ યુનિવર્સિટીના ડૉ. પીટર એન. વિટ અને તેમના સાથીઓએ કરોળિયાની એક જાત એરેનિયસ ડાયડીમેટસ(Araneus diadematus)ની જાળ અને તેની ડિઝાઇન બાબતમાં ખૂબ ઊંડો અભ્યાસ કર્યો છે. આ જાતિમાં માત્ર માદા કરોળિયા રેશમી અતિ સૂક્ષ્મ તાંતણાની જાળ ગૂંથે છે. પ્રયોગશાળામાં દરરોજ 30 ફૂટ લાંબા તાંતણા કાંતી 20¢¢ ´ 20¢¢ (ઇંચ)ની ફ્રેમમાં કુંતલાકાર સમાન્તર તાંતણાને અરીય તાંતણા સાથે જોડી શંકુ આકારની જાળી બનાવતા. ખોરાક અને હવામાન મુજબ તેમજ કરોળિયાની ઉંમર મુજબ જાળની ડિઝાઇનમાં વિવિધ ફેરફારો જોવા મળ્યા. નાની ઉંમરના (જુવાન) કરોળિયાની જાળમાં આડા તાંતણા નજીક નજીક ગૂંથી જાળ વધુ મજબૂત અને એકસરખી રચનાવાળી હતી; જ્યારે વૃદ્ધ કરોળિયાની માદાની જાળ આછા તાંતણાની અસમાન રચનાવાળી બની હતી. આ જ મુજબ કરોળિયાને વિવિધ પ્રકારનો ખોરાક કે ડ્રગ આપવામાં આવતાં. તેમની જાળની ગૂંથણીમાં ફેરફારો જોવા મળ્યા. માદા કરોળિયાને તેના ખોરાકમાં એલેનાઇન ઍમિનોઍસિડયુક્ત પ્રોટીન આહાર આપવામાં આવતાં જાળની ગૂંથણી નિયમિત અને ઘટાદાર જોવા મળી. રેડિયો-ઍક્ટિવ એલેનાઇન વાપરતાં, તેના રેશમના તાંતણામાં રેડિયો-ઍક્ટિવ એલેનાઇન જોવા મળ્યું.

હાલમાં કમ્પ્યૂટરની મદદથી જુદા જુદા ખોરાક અને ડ્રગ્સની અસરો જાણવા માટે કરોળિયાને વિશિષ્ટ ખોરાક અગર ડ્રગ આપી તેની જાળની સૂક્ષ્મ રચનાનો અભ્યાસ કરવામાં આવે છે. જુદી જુદી દવાઓની અસર જાણવા માટે આ જાળની ડિઝાઇનો કામમાં લેવામાં આવે છે. (જુઓ આકૃતિ નં. 1, 2 અને 3.)

મ. શિ. દૂબળે

રા. ય. ગુપ્તે