કર્ક : મિથુન અને સિંહ રાશિની વચ્ચે આવેલી પીળી કરેણના ઊંધા ફૂલ આકારની રાશિ. આ રાશિમાં પુષ્ય નક્ષત્ર આવેલું છે. ચોથા વર્ગથી વધુ ઝાંખા તારાની બનેલી આ રાશિની ખાસ વિશેષતા એની અંદર આવેલા M44ની સંજ્ઞાવાળા અવકાશી તારકગુચ્છની છે. નરી આંખે જોતાં આ ગુચ્છ પ્રકાશના ધાબા જેવો દેખાય છે, પણ નાના દૂરબીન યા સામાન્ય બાઇનૉક્યુલરમાંથી જોતાં એના વિવિધરંગી તારા નયનરમ્ય ર્દશ્ય દાખવે છે. ગુચ્છના મનોહર દેખાવે એને ‘મધુચક્ર’ (bee-hive) નામ અપાવ્યું છે. અરસિક લોકો એને ગધેડાની ગમાણ પણ કહે છે.

કર્કની અન્ય વિશેષતાઓમાં એના घ (delta) અને छ (zeta) તારા ઉલ્લેખનીય છે. કર્કના ઊંધા Y જેવા આકાર(λ)ના મધ્યમસંગમ સ્થાને આવેલો ઉ તારો સૂર્યના વાર્ષિક આકાશી માર્ગ ક્રાન્તિવૃત્ત પર આવેલો છે. ઊં તારો દર્શનીય બહુલ તારો છે જેના બધા તારા પાંચમા વર્ગના છે. આ બહુલનો મુખ્ય તારો એક યુગ્મક છે અને તેના સાથીઓનો સંયુક્ત ભ્રમણકાળ 60 વર્ષનો છે.

છોટુભાઈ સુથાર