કરોડરજ્જુ

January, 2006

કરોડરજ્જુ : મગજની પૂંછડી જેવું દેખાતું અને કરોડસ્તંભની ચેતાનાલી(neural canal)માંથી પસાર થતું, મધ્યસ્થ ચેતાતંત્રનું એક અગત્યનું અંગ. દોરડી જેવું દેખાતું આ અંગ આડા છેદમાં ઉપગોળ અથવા લંબગોળ હોય છે. તેના મધ્યભાગમાં મધ્યસ્થનાલી (central canal) આવેલી હોય છે. મધ્યસ્થનાલીની આસપાસ ભૂખરું દ્રવ્ય (grey matter) હોય છે, જ્યારે સીમા તરફના ભાગમાં શ્વેત દ્રવ્ય (white matter) હોય છે. શ્વેત દ્રવ્યનો ભાગ ચેતાતંતુઓનો બનેલો હોય છે.

ભૂખરા દ્રવ્યના પ્રવર્ધો તરીકે શ્વેત દ્રવ્યની પૃષ્ઠ અને પાર્શ્વ બાજુએથી પૃષ્ઠશૃંગો (dorsal horns); જ્યારે વક્ષ અને પાર્શ્વ બાજુએથી વક્ષશૃંગો (ventral horns) પસાર થાય છે. તે ભૂખરા દ્રવ્યમાં આવેલા સહવર્તી (associate) તેમજ સમાયોજક (interneuron) ચેતાકોષો સાથે જોડાયેલાં હોય છે, જે અનુક્રમે તે

કરોડરજ્જુ

જ બાજુનાં અને વિરુદ્ધ બાજુનાં અંગો સાથે સંકળાયેલાં હોય છે. પરિણામે ડાબી કે જમણી બાજુએ આવેલાં ગ્રાહી તેમજ કાર્યકારી અંગો વચ્ચે સંપર્ક સાધ્ય બને છે. આ વ્યવસ્થા હેઠળ મગજ અને ગ્રાહી અંગો અથવા કાર્યકારી અંગો વચ્ચે કરોડરજ્જુ કડીરૂપ બને છે. પરિણામે ઊર્મિ-આવેગો(impulses)ની આપ-લે થયા કરે છે; ઉપરાંત તાત્કાલિક ઉપાય તરીકે ગ્રાહી અંગોમાંથી અંતર્વાહી (sensory) ચેતા દ્વારા આવેલા સંદેશાને અનુરૂપ યોગ્ય નિર્ણય લઈ કરોડરજ્જુ તરત જ બહિર્વાહી (effector) ચેતા દ્વારા વિવિધ અંગોને કાર્યનું સૂચન કરે છે. કરોડરજ્જુની આ પ્રકારની ક્રિયાને પરાવર્તી ક્રિયા (reflex action) કહે છે.

મ. શિ. દૂબળે