કરેણ : સં. करवीर; અં. Oleander. તે વર્ગ દ્વિદલાના કુળ Apocyanaceaeનો છોડ કે નાનું વૃક્ષ છે. તેનાં સહસભ્યોમાં પીળી કરેણ, સપ્તપર્ણી, સર્પગંધા, બારમાસી, કરમદી વગેરે છે.

તેનું પ્રજાતીય (generic) લૅટિન નામ Nerium છે. છોડની ઊંચાઈ 2થી 2.5 મી. હોય છે. તેનાં પાન સાદાં, 15થી 20 સેમી. લાંબાં, સાંકડાં અને થોડાં જાડાં હોય છે. દરેક ભાગમાંથી સફેદ ક્ષીર (latex) ઝરે છે. બારે માસ ઝૂમખામાં આવતાં ફૂલો સફેદ, ગુલાબી રંગની ઝાંયવાળાં, રાતાં તથા ક્વચિત્ બેવડી પાંખડીવાળાં ને આછી સુગંધવાળાં હોય છે. બાણાકાર પરાગાશય, પીછાં જેવી યોજી, ભેગા મળીને ડમ્બેલ આકારના પરાગાસન પર શંકુ બનાવે. ફૂમતાદાર બીજ. આ વનસ્પતિને તેનાં પુષ્પો માટે બગીચામાં ઉગાડવામાં આવે છે.

તેની બે જાતો જાણીતી છે : પીળી કરેણ અને સફેદ કરેણ. સફેદ કરેણ(Nerium odorum)નાં ફૂલ સફેદ અથવા ગુલાબી હોય છે, જ્યારે પીળી કરેણ(Cerebera thevetia)નાં ઘંટાકાર પીળાં પુષ્પો હોય છે. તે આપઘાત માટે, ગર્ભપાત કરાવવા માટે, સામાજિક અને ધાર્મિક પ્રસંગોએ, કૅન્સર અથવા જાતીય રોગોની અશાસ્ત્રીય સારવાર માટે ક્યારેક વપરાય છે. તેનાથી ક્યારેક ઢોરમાં પણ આકસ્મિક ઝેરી અસર ઉત્પન્ન થાય છે.

સફેદ કરેણ : આ વનસ્પતિનો દરેક ભાગ ઝેરી ગણાય છે. તેનું સક્રિય વિષતત્ત્વ નેરિન છે. તે પાણીમાં ઓગળતું નથી; પરંતુ આલ્કોહૉલ અને ઈથરમાં ઓગળે છે. તેમાં 3 ગ્લાયકોસાઇડ હોય છે : નેરિઓડેરિન, નેરિઓડેરિયસ તથા કેરાબિન. નેરિઓડેરિનની શારીરિક અસરો ડિજિટાલિસ નામે ઓળખાતી એક દવા જેવી છે અને હૃદયના ધબકારાને અટકાવીને મૃત્યુ નિપજાવે છે. નેરિઓડેરિયસ પીક્રોટૉક્સિન અથવા સ્ટ્રિક્નિન(ઝેરકચોલું)ની માફક સ્નાયુઓમાં સંકોચનો (contractions), કુંચનો (twitchings) અને સતત આકુંચનો (spasm) કરે છે. કેરાબિનની હૃદય પરની અસર ડિજિટાલિસ જેવી છે અને તે કરોડરજ્જુ પર સ્ટ્રિક્નિન જેવી અસર કરે છે. સફેદ કરેણની ઝેરી અસર થાય ત્યારે ઊલટી, પેટમાં દુખાવો, ફીણવાળી અતિશય લાળ, અકળામણ (restlessness), સ્નાયુ-કુંચનો, ધનુર્વા જેવાં સતત આકુંચનો, ધીમી અને નબળી નાડી, ઝડપી શ્વસન, ગળવાની તકલીફ, હનુબંધ (lock-jaw), હૃદયના ધબકારાની અનિયમિતતા, ઘેન અને બેભાન અવસ્થા થાય છે અને મૃત્યુ નીપજે છે. તેની મારકમાત્રા (lethal dose) 15 ગ્રામ (મૂળ) છે તથા મૃત્યુકારક ગાળો 24 કલાકનો છે. સારવાર માટે જઠરશોધન (stomach wash) તથા લક્ષણલક્ષી સારવાર અપાય છે. જઠરનળી વાટે ઔષધિયુક્ત પાણી ભરીને પાછું કાઢી નાંખવાની ક્રિયાને જઠરશોધન કહે છે. શબપરીક્ષણ (autopsy) દરમિયાન કોઈ વિશિષ્ટ ચિહનો હોતાં નથી. જોકે હૃદય પર લોહીના નાના ડાઘા (petechiae) જોવા મળે છે. તેનું ઝેર ગરમીથી સહેલાઈથી નાશ પામતું ન હોવાથી અડધા બાળી નાખેલા શબમાં પણ તે મળી શકે છે.

પીળી કરેણ : તેનો દરેક ભાગ ખૂબ જ ઝેરી હોય છે. તેના ઝેરમાં 3 ગ્લાયકોસાઇડ હોય છે. તેના બીજમાંથી મળતાં થેવેટિન અને થેવોટૉક્સિન હૃદય માટે ઝેરી છે. થેવેટિનનું ઝેર વધુ અસરકારક હોય છે. તેના દૂધમાંથી સ્ટ્રિક્નિન જેવી ઝેરી અસર કરતો સેરેબેરિન નામનો ગ્લાયકોસાઇડ નીકળે છે. પહેલાંના સમયમાં તેમાંથી પેરુવોસાઇડ નામની દવા બનાવાતી હતી. તેને ખાવાથી મોંમાં બળતરા, જીભ પર ઝણઝણાટી, મોં અને ગળું સૂકું પડવું, ઊલટી, ઝાડા, માથાનો દુખાવો, ચક્કર, પહોળી કનિનિકા (pupil), ક્યારેક હૃદય પર ઝેરી અસર, ઘેન, બેભાન અવસ્થા અને મૃત્યુ થાય છે. ક્યારેક આંચકી પણ આવે છે. 8થી 10 બીજ ખાવાથી 24 કલાકમાં મૃત્યુ થાય છે. તેની સારવાર લક્ષણો અને ચિહનો પર આધારિત છે. શબપરીક્ષણ વિશિષ્ટ ચિહનો સૂચવતું નથી; પરંતુ તેનું ઝેર કોહવાયેલા શરીરમાં પણ દર્શાવી શકાય છે.

પ્રાગજી મો. રાઠોડ

મ. ઝ. શાહ

રવીન્દ્ર ભીંસે

શિલીન નં. શુક્લ