કરિયાતું : સં. भूनिंब; હિં. भूचिरायता; અં. Chirata; વર્ગ દ્વિદલાના કુળ Gentianaceaeનો એકવર્ષાયુ 10થી 25 સેમી. ઊંચો છોડ. તેનું લૅટિન નામ Swertia chirata છે. તેનાં સહસભ્યોમાં Nymphoides exacum – કીરા, Enicostemma કડવું કરી/કડવી નઈ Hoppea – કડવી હેલ અને Canscora – કુદળી કડવી ગુજરાતમાં ઊગે છે.

ચાર ખૂણાવાળું સપક્ષ (winged) પ્રકાંડ. પલપલિયાં જેવાં અદંડી અંડાકાર સાદાં પર્ણો. ભૂરાશ પડતાં અક્ષીય કે એકાકી પુષ્પો. તેનાં ફળ અને ફૂલ ઑગસ્ટ માસમાં આવે છે. ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશમાં ખાસ મળી આવે છે. આ છોડ ડાંગમાં માલેગાંવ પાસે ઘાસમાં ઊગતો નોંધાયો છે.

ઔષધ તરીકે કરિયાતું ઉપયોગી હોઈ તેના વિવિધ ભાગોનો તથા તેમાં રહેલ રાસાયણિક ઘટકોનો વિગતવાર અભ્યાસ થયેલો છે. તેનાં સર્વ અંગો ઔષધીય ગુણો ધરાવે છે. તેના બધા જ આકાશી ભાગો પીળા રંગની ઝલક (tinge) દર્શાવે છે. બજારમાં તેના પ્રકાંડના ટુકડા મળે છે. ઘણી વાર પ્રકાંડ ઉપર માઇક્રોરહિઝા જોવા મળે છે. પ્રકાંડનો ઉપરનો ભાગ પીળાથી બદામી રંગનો, નીચેનો ભાગ જાંબુડી-બદામીથી ઘેરો વાદળી, 6 મિમી. પહોળો નળાકાર અને કેટલીક જગાએ અપપત્રિત હોય છે. તેનાં પર્ણો રોમિલ, પહોળાં, ભાલા આકારનાં, આખાં, લંબાગ્ર, પહોળા તળિયાવાળાં, પાંચ જાલિકારૂપી શિરાવાળાં હોય છે. ઔષધ તરીકે પર્ણો મુક્ત અને વળેલાં મળે છે.

પ્રાથમિક મૂળ 5થી 10 સેમી. લાંબું, તિર્યક, વ્યાવૃત, ટેપરિંગ, આયામી કરચલીવાળું હોય છે. મૂળ થોડીક મૂલિકા અથવા તેના અવશેષ ધારણ કરે છે. આ ઔષધમાં ખાસ વાસ હોતી નથી પણ સ્વાદે તે અત્યંત કડવું હોય છે. ફાર્માકોપિયા અનુસાર તેમાં કટુબલ્ય (bitter tonic) ઘટકનું પ્રમાણ 1.3 ટકાથી ઓછું હોવું જોઈએ નહિ.

રાસાયણિક ઘટકો : કરિયાતામાં જેન્શિયોપિક્રિન અને ઍમેરોજેન્ટિન ગ્લાયકૉસાઇડ હોય છે. શરૂઆતમાં અલગ કરાયેલા ચિરાટિન અશુદ્ધ ઍમેરોજેન્ટિન હોવાનું જણાયું છે. 10 કિગ્રા. કરિયાતામાંથી 0.5 ગ્રામ શુદ્ધ ઍમેરોજેન્ટિન મળે છે. કરિયાતામાંથી મળતો અસ્ફટિકમય (amorphous) જલદ્રાવ્ય કડવો પદાર્થ ઑફેલિક ઍસિડ અશુદ્ધ હોવાની સંભાવના છે.

આયુર્વેદ અનુસાર કરિયાતાના રસનો સ્વાદ કડવો હોવાથી એ જીર્ણ-જ્વર કે તાવ, મંદાગ્નિ, પિત્તના વિકારો, દાહ અને પ્રસૂતાની ઊલટી જેવા રોગોમાં અકસીર છે. પરિણામે દીપનપાચન વધારી શરીરમાં યકૃતને બળ પૂરે છે. તે કટુપૌષ્ટિક (કટુબલ્ય) ઘરગથ્થુ ઔષધ છે. કરિયાતું ઉકાળીને પીવા કરતાં રાત્રે પલાળીને સવારે ચોળી, ગાળીને પીવાથી પિત્તસ્રાવ વધે છે. એનાથી મળ અને વાતનું અનુલોમન થાય છે. સુદર્શન ચૂર્ણમાં તે અગત્યનો ઘટક છે.

Justicia paniculata Burn. fને કરિયાતું કહે છે પણ તે કુળ Acanthaceaeનો છોડ છે.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ

પ્રાગજી મો. રાઠોડ