કરારાધીન મજૂરી : ઉત્પાદકીય પ્રવૃત્તિ કરાવી લેવા માટે, જેમાં વળતર, વેતનાદિ શરતો સમાવિષ્ટ હોય એવા કરારથી મજૂરો કે કામદારોને રોકીને તેમને ચૂકવવામાં આવતું મહેનતાણું. 1947ના ઔદ્યોગિક તકરારના કાયદામાં તેની કલમ 2(આર આર)માં આપેલ સ્પષ્ટતા મુજબ વેતન એટલે નાણાસ્વરૂપે વ્યક્ત કરી શકાય તેવી સમગ્ર રકમ; જેમાં તમામ ભથ્થાંઓ, રહેઠાણની સગવડની કિંમત (મકાનભાડું), વીજળી, પાણી, વૈદ્યકીય સારવાર તથા અન્ય રાહત દરની કોઈ પણ સેવા કે સગવડ (દા.ત., રાહત દરે ખાદ્યાન્નોની ચીજવસ્તુઓ), મુસાફરી અંગેની રાહત (દા.ત., એલ.ટી.સી. અર્થાત્ લીવ ટ્રાવેલ કન્સેશન) ઇત્યાદિનો સમાવેશ થાય છે. ભારતમાં આવી સગવડો સંગઠિત ક્ષેત્રના મજૂરોને જ પ્રાપ્ત થતી હોય છે. અસંગઠિત ક્ષેત્રના મજૂરોને અપાતી મજૂરી મોટા ભાગે મૌખિક કરાર દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. અલબત્ત, અસંગઠિત ક્ષેત્રના મજૂરો માટે પણ લઘુતમ વેતન કાયદાની જોગવાઈ કરવામાં આવી છે; પરંતુ તેનો ચુસ્ત અમલ થતો નથી.

કરારાધીન મજૂરી નિર્ધારિત કરવાની પ્રક્રિયામાં સંકળાયેલા પક્ષો, એટલે કે માલિક અને મજૂર કરાર કરવા માટે સક્ષમ હોય તો જ તેને કાયદાનું રક્ષણ મળી શકે છે; દા.ત., નાણાસ્વરૂપનો મોંબદલો, બંને પક્ષો વચ્ચે કરાર કરવા માટેના મનસૂબાની હાજરી, કરાર કરવા માટેની કાયદા દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી ક્ષમતા, કરારની કાયદેસરતા વગેરે. આવો કરાર મૌખિક કે લેખિત અથવા તો અંશત: મૌખિક અને અંશત: લેખિત પણ હોઈ શકે છે. આવો કરાર અન્ય કોઈ કાયદાની કોઈ પણ અન્ય જોગવાઈ મુજબ વ્યર્થ (void) જાહેર થવા પાત્ર હોવો જોઈએ નહિ. બિનજરૂરી કે અયોગ્ય દ્બાણ દ્વારા કરવામાં આવેલો કરાર આપોઆપ વ્યર્થ બની શકે છે.

સંગઠિત ક્ષેત્રમાં સેવાની શરતો લેખિત સ્વરૂપમાં નિર્ધારિત કરવામાં આવે છે; પરંતુ અસંગઠિત ક્ષેત્રમાં નિર્ધારિત કરારાધીન મજૂરોને કાયદાનું પીઠબળ મેળવવું ઘણું મુશ્કેલ હોય છે. ભારતના કુલ શ્રમદળમાં અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા મજૂરોનું પ્રમાણ 93 ટકા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે