કરિયાવર : 1948માં રજૂ થયેલું સાગર મૂવીટોનનું ચલચિત્ર. તે પારંપરિક લોકકથાને કચકડે મઢે છે. એક ગામમાં નિર્માણ પામેલા મંદિરમાં, ઘડામાં પુરાયેલા નાગદેવતાને પ્રસન્ન કરે તે બત્રીસલક્ષણી નારને હાથે મૂર્તિસ્થાપન થાય તેવી શરત છે. એ રીતે ખેડૂતકન્યા રાજુ, નાગદેવતાને પ્રસન્ન કરે છે. ભીડ પડે ત્યારે વાંસળી વગાડવાથી નાગદેવતા પ્રત્યક્ષ થશે તેવું અભયવચન પણ રાજુને મળે છે. ગામને પાદર પ્રતિવર્ષ આવતા બાલમ વણજારાની પાલ્યકન્યા ચંપા અને દીકરા માધવ વચ્ચે સ્નેહના અંકુર ફૂટ્યા. દરમિયાન માધવની નજરમાં રાજુ વસી. માધવ-રાજુના સ્નેહસંબંધોથી વીરો ઈર્ષ્યાની આગમાં જલતો. રાજુને ગરબે ઘૂમતી જોવા આવેલા માધવને નાગદેવતાએ દંશ દીધો. રાજુએ વાંસળી વગાડીને નાગદેવતાને પ્રસન્ન કરી માધવને સજીવન કર્યો. રાજુ-માધવ લગ્નગ્રંથિથી જોડાયાં. રાજુ પરનું વેર વાળવા વીરાએ, વણજારો વાવ ખોદાવતો હતો તેનું ખોટું સ્થાન બતાવતાં પાણીની સરવાણી ફૂટી નહિ, દુષ્કાળ પડ્યો. નવપરિણીત યુગલના બલિદાનથી વાવ પાણીથી છલકાશે એવું જાણીને વીરા પ્રત્યે આકર્ષાયેલી ચંપાએ વીરા સાથે ઘડિયાં લગ્ન કરી બલિદાન આપ્યું. વાવ છલકાઈ ઊઠી. ‘વણજારી વાવ’ નામે પ્રસિદ્ધ લોકકથાનું ચિત્રનિર્માણ ચીમનલાલ દેસાઈનું અને નિર્દેશન ચતુર્ભુજ દોશીનું છે. ગીતો ચૈતન્ય અને નંદકુમાર પાઠકનાં ને સંગીત અજિત મર્ચંટનું છે. ભૂમિકામાં દીના સંઘવી, મનહર દેસાઈ, છનાલાલ, ઊર્મિલા વગેરે છે.

હરીશ રઘુવંશી