કરમદી : દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Carissa congesta Wt. syn. C. carandas Linn. (સં. કરમર્દ; હિં. કરોંદા, કરોંદી; બં. કરમચા; મ. કરવંદ; ગુ. કરમદી; તે. વાંકા; ત. કલાક્કેય) છે. તેના સહસભ્યોમાં સર્પગંધા, બારમાસી, સપ્તપર્ણી, કડવો ઇંદ્રજવ, દૂધલો, કરેણ, ચાંદની વગેરેનો સમાવેશ થાય છે. તેનું મૂળ વતન ભારત, દક્ષિણ આફ્રિકા અને મલાયા ગણાય છે. હિમાલય સિવાય ગમે તેવી વિષમ પરિસ્થિતિ અને જમીનમાં તે ઊગે છે. કોંકણ, ખંડાલા, ગુજરાત, ડાંગ, આબુ વગેરે સ્થળોએ સામાન્ય છે.
તે દ્વિશાખી (dichotomous) શાખાવિન્યાસ ધરાવતો મોટો ક્ષુપ કે નાનું વૃક્ષ છે. તેની અગ્રકલિકા દ્વિશાખી કંટક(thorn)માં રૂપાંતર પામેલી હોય છે. તેનાં પર્ણો સાદાં, સંમુખ, અંડાકાર, ચર્મિલ અને અનુપપર્ણી (exstipulate) હોય છે. તોરા (corymbose) પુષ્પવિન્યાસ પ્રકારનો હોય છે. પુષ્પ સફેદ, સુગંધિત, નિયમિત, દ્વિલિંગી અને અધોજાયી (hypogynous) હોય છે. દલપુંજ પાંચ દલપત્રોનો બનેલો અને દીપકાકાર હોય છે. પુંકેસરચક્ર પાંચ પુંકેસરોનું બનેલું; પુંકેસરો દલલગ્ન (epipetalous) અને દલપત્રો સાથે એકાંતરિક હોય છે. તેમના પરાગાશયો રેખીય હોય છે. સ્ત્રીકેસરચક્ર દ્વિયુક્તસ્ત્રીકેસરી હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ હોય છે અને દ્વિકોટરીય અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસ ધરાવે છે. પ્રત્યેક કોટરમાં ચાર અંડકો હોય છે. પરાગાસન રોમમય જોવા મળે છે. ફળ માંસલ અનષ્ઠિલ પ્રકારનું અને ખાદ્ય છે. તે નાનું અને ઉપવલયાકાર હોય છે અને લગભગ 1.0 સેમી.થી 2.5 સેમી. લાંબું હોય છે. તે શરૂઆતમાં લીલું, ત્યારબાદ લાલ અને અંતે કાળું અને ચકચકિત બને છે. કરમદીનાં પુષ્પો ફેબ્રુઆરીથી જૂન અને ફળ એપ્રિલથી જુલાઈ સુધી રહે છે.
તેનું પ્રસર્જન બીજ દ્વારા કરવામાં આવે છે. વાવેતર સૂકા કે અર્ધસૂકા વિસ્તારમાં કરી શકાય છે. બિનપિયત પાક તરીકે મોટાભાગે વાડ માટે વવાય છે. કાંટાને કારણે ખેતરને ઢોરથી રક્ષણ મળે છે. એકથી બે મીટરના અંતરે તેની વાવણી કરવામાં આવે છે. ઉનાળામાં છથી સાત દિવસના અંતરે અને શિયાળામાં ચારથી પાંચ દિવસના અંતરે પાણી આપવામાં આવે છે. એક વખત બરાબર વૃદ્ધિ થયેથી પિયતની અથવા બીજી કોઈ માવજતની જરૂર રહેતી નથી. વાડ માટે થોડી છાંટણી જરૂરી છે.
કરમદીનાં કાચાં ફળ ખાટાં અને સંકોચક (astringent) હોય છે, અને અથાણાં બનાવવામાં ઉપયોગ થાય છે. પાકાં ફળો મીઠાં, ખાદ્ય છે અને સુખડી, શીરો તેમજ જેલી બનાવવામાં ઉપયોગી છે. ફળના એક રાસાયણિક વિશ્લેષણ મુજબ તે પાણી 18.2 %, પ્રોટીન 2.3 %, લિપિડ 9.6 %, કાર્બોદિતો 67.1 % અને ખનિજદ્રવ્ય 2.8 % ધરાવે છે. તેમાં વિટામિન ‘સી’ હોય છે. તે પ્રતિસ્કર્વી (antiscorbutic) ગુણધર્મ ધરાવતું હોવાનું મનાય છે. ફળ ચર્મશોધન અને રંગકામમાં સહાયક (auxilliary) તરીકે ઉપયોગી છે.
આયુર્વેદ અનુસાર લીલાં કરમદાં કડવાં, અગ્નિદીપક, ગુરુ, પિત્તકર, ગ્રાહક, ખાટાં, ઉષ્ણ અને રુચિપ્રદ હોય છે. તે રક્તપિત્ત તથા કફને વધારનાર અને તૃષાનાશક છે. પાકાં કરમદાં મધુર, રુચિકર, લઘુ અને શીતળ હોય છે. તે પિત્ત, રક્તપિત્ત, ત્રિદોષ, વિષ અને વાયુનો નાશ કરે છે. મૂળ તીખાં, કડવાં, વામક અને પેશાબ જન્માવનાર છે. તેનો ઉપયોગ વિષ ચઢ્યું છે કે નહિ તેની કસોટી કરવા; ખસ, ક્ષતમાંના કૃમિ મારવા માટે; સર્પદંશ, વિષમજ્વર અને શોફોદર ઉપર થાય છે.
તેનાં મૂળ ક્ષુધાપ્રેરક અને કૃમિનાશક (anthelmintic) હોય છે. પર્ણોનો કાઢો અલ્પવિસર્ગી જ્વર(remittant fever)માં આપવામાં આવે છે.
તેનું કાષ્ઠ સફેદ, સખત અને લીસું હોય છે, તેનો ઉપયોગ ચમચા તથા કાંસકા બનાવવામાં અને બળતણ તરીકે થાય છે.
ટસર-રેશમનો કીડો કરમદીનાં પર્ણો પર થાય છે.
જ. પુ. ભટ્ટ
શોભન વસાણી
બળદેવભાઈ પટેલ