કરમરકર, રાધુ (જ. 1919; અ. 5 ઑક્ટોબર 1993) : ભારતીય ચલચિત્ર ઉદ્યોગના નિષ્ણાત સિનેછાયાકાર.

હિંદી ચલચિત્રોના જાણકાર અને જિજ્ઞાસુ પ્રેક્ષકો સિને અભિનેતા રાજ કપૂરની સિને-નિર્માણ સંસ્થા આર. કે. ફિલ્મ્સના સિનેમેટોગ્રાફર તરીકે જ કરમરકરને મુખ્યત્વે જાણે છે. આ નિર્માણસંસ્થાની પ્રતિષ્ઠા બાંધવામાં કૅમેરા-સંચાલક તથા નિર્દેશક તરીકે તેમનું મોટું પ્રદાન છે.

પ્રારંભમાં કોલકાતા ખાતે વિદ્યાભ્યાસ કરતા રાધુ કરમરકરને તેમની નાદુરસ્ત તબિયતે અભ્યાસ છોડાવ્યો. રાધા ફિલ્મ્સમાં સહાયક કૅમેરામૅન તરીકે કારકિર્દીની શરૂઆત કરી, પણ પ્રારંભમાં તેઓ સ્ટિલ ફોટોગ્રાફી અને ડાર્કરૂમનું કામ મુખ્યત્વે કરતા.

1930ના દાયકાના મધ્યભાગમાં ચેન્નાઈથી કૉલકાતા શૂટિંગ કરવા આવેલ ચેન્નાઈની સિનેકંપનીના સિનેમેટોગ્રાફર યશવંત વાસિકાનો સહાયક માંદો પડતાં તેની જગાએ કરમરકર લેવાયા. મૂવી કૅમેરાનું સંચાલન અને ચલચિત્ર-છાયાંકન કરવાનો તેમનો આ પ્રથમ અનુભવ. ત્યારબાદ 1940 સુધી તે વાસિકાના સહાયક તરીકે કૉલકાતા ખાતે જ કામ કરતા રહ્યા. પછી કેટલોક વખત તેમને તત્કાલીન જાણીતા સિનેછાયાકાર જોશીન દાસના સહાયક તરીકે ફરજ બજાવવાની તક મળી. અહીં તેમને કામ અને કસબનો સારો અનુભવ મળ્યો. આ ગાળામાં તેમણે દેવકી બોઝની ‘કૉર્ટ ડાન્સર’ અને ‘શીતા’ નામની જાણીતી ફિલ્મોમાં કામ કર્યું. કૉલકાતાનો સિનેઉદ્યોગ તે સમયે બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાનની મંદીની પકડમાં હતો. તેથી કરમરકર કૉલકાતા છોડી 1941માં મુંબઈ આવ્યા.

રાધુ કરમરકર

મુંબઈ તે સમયે પણ ભારતનું હૉલિવૂડ ગણાતું. અહીં તે સી. એલ. ત્રિવેદી નામના ગુજરાતી સિનેમેટોગ્રાફરના સહાયક તરીકે જોડાયા. પાછળથી ત્રિવેદી લક્ષ્મી પ્રોડક્શન્સમાં જોડાતાં તે પણ તેમની સાથે ગયા. તે સમયગાળાની તેમની સિનેમેટોગ્રાફી ધરાવતી યાદગાર ફિલ્મ તે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની દેશભક્તિ અને ક્રાંતિની ભાવના રજૂ કરતી જાણીતી સાહિત્યકૃતિ ‘આનંદમઠ’ પર આધારિત તે જ શીર્ષકની સિનેકૃતિ. 1944 બાદ તેમની કારકિર્દીમાં પલટો આવ્યો. ત્રિવેદી પુણે ખાતે એક કંપનીમાં જોડાતાં કરમરકરને મુંબઈ ખાતે સ્વતંત્ર રીતે સિનેછાયાંકન કરવાની તક મળી. તેમની પ્રથમ સ્વતંત્ર ફિલ્મ તે ‘કિસ્મત કા ધની’.

ઉપરની કૃતિના સિનેછાયાંકનથી પ્રભાવિત થઈ મુંબઈસ્થિત બંગાળી દિગ્દર્શક નીતિન બોઝે તેમનો સંપર્ક સાધ્યો. ત્યારે બોઝ કવિવર ટાગોરની નવલકથા ‘નૌકા ડૂબી’ પરથી ‘મિલન’ નામની સિનેકૃતિ તૈયાર કરવા માગતા હતા અને એક સારા સિનેમેટોગ્રાફરની શોધમાં હતા. કરમરકરે આ ફિલ્મ બનાવી અને તે લોકપ્રિય નીવડી. બોઝે પોતે પણ સિનેમેટોગ્રાફર તરીકે કારકિર્દી શરૂ કરેલી. તેથી તેમણે કરમરકરને આપેલી સ્વીકૃતિ તે તેમના કાર્યની ગુણવત્તા બાબતનું એક પ્રમાણપત્ર હતું. નીતિનદા કરમરકરને પોતાના કાયમી સિનેમેટોગ્રાફર તરીકે કોલકાતા લઈ ગયા. અહીં તેમણે કવિવર ટાગોરની બીજી કૃતિ ‘ર્દષ્ટિદાન’ પર આધારિત ફિલ્મની કામગીરી સંભાળી. ત્યારબાદ નીતિનદાએ અશોકકુમારની ભૂમિકાવાળી ‘શમા’ નામની ફિલ્મ બનાવી. આ ફિલ્મ બંગાળી તેમજ હિંદી ભાષામાં બની હતી. અશોકકુમારની ભૂમિકાવાળી બૉમ્બે ટૉકીઝની ‘મશાલ’ પણ તેમણે આ જ ગાળામાં બનાવી.

આ જ સમયે રાજ કપૂર તેમની ત્રીજી કૃતિ ‘આવારા’ માટે એક સારા સિનેમેટોગ્રાફરની શોધમાં હતા. કનુ રૉય મારફત સંદેશ કહેવરાવી તે કરમરકરને મળ્યા અને ‘મિલન’નાં કેટલાંક રીલ બંનેએ સાથે બેસીને જોયાં. ત્યારબાદ રાજ કપૂરે પોતાની સંસ્થા આર. કે. ફિલ્મ્સમાં જોડાવા પાકો પ્રસ્તાવ રજૂ કર્યો. પોતે નીતિનદાની ફિલ્મ અધૂરી છોડી શકે તેમ નહિ હોવાથી કરમરકર પહેલા દોઢ મહિના સુધી રાતપાળી કરી (એટલે કે બે પાળીમાં કામ કરી) ‘આવારા’નું શૂટિંગ કરતા રહ્યા અને નીતિનદાની ફિલ્મ પૂરી થતાં આર. કે. ફિલ્મ્સમાં જોડાઈ ગયા.

‘આવારા’ ભારતમાં અત્યંત લોકપ્રિય નીવડ્યું અને વિદેશોમાં પણ ખ્યાતિ પામ્યું. રશિયામાં તે અત્યંત લોકપ્રિય થતાં રશિયન ભાષામાં ડબ થઈ રજૂઆત પામ્યું, રશિયામાં તેની આ લોકપ્રિયતાને પગલે ભારતની ચૌદ સિનેપ્રતિભાઓના પ્રતિનિધિમંડળને રશિયાની મુલાકાત માટે આમંત્રવામાં આવ્યું; એમાં રાજ કપૂર સાથે કરમરકર પણ હતા (1952-53).

‘લૉરેન્સ ઑવ્ અરેબિયા’ જેવી વિશ્વવિખ્યાત ફિલ્મના બ્રિટિશ સિનેનિર્દેશક ડેવિડ લીનના સિનેમેટોગ્રાફર કાર્ડિફ લંડન ખાતે ‘આવારા’ જોઈ તેની સિનેછાયાથી પ્રભાવિત થયા હતા. ‘આવારા’ પછીના ગાળામાં રાજ કપૂરે કરમરકરને જૅક કાર્ડિફ પાસે તાલીમ લેવા માટે લંડન મોકલ્યા. જૅક કાર્ડિફ પાસે તાલીમ પામી તે શ્વેત-શ્યામ સિનેછાયાની ગ્રાફિક ગુણવત્તા બાબત વધુ સભાન બન્યા.

ત્યારપછી બનેલી આર. કે. ફિલ્મ્સની ‘શ્રી 420’ (1955) અને ‘જાગતે રહો’(1956)ની સફળતા અને લોકપ્રિયતામાં કરમરકરની સિનેછાયાનો ચોક્કસ ફાળો રહ્યો. ‘શ્રી 420’ને શ્રેષ્ઠ છબીકલાનો દ્વિતીય રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો.

‘જાગતે રહો’ બાદ અભિનેત્રી નરગિસ આર. કે. ફિલ્મ્સ છોડી જતાં કટોકટી સર્જાઈ. તેવે સમયે કરમરકર કંપનીની વહારે ધાયા. રાજ કપૂરની વિનંતીથી કોઈ વિષય-વાર્તા લઈ દિગ્દર્શન હાથ ધરવા તેમણે બીડું ઝડપ્યું. નાટ્યાત્મક વસ્તુ લેવું જરૂરી હતું અને ચંબલના ડાકુઓની તે સમયે ચર્ચા થતી. વળી વિનોબાજી તાજેતરમાં તે વિસ્તારમાં ફર્યા હતા, તેથી તે વિષય હાથ પર લેવાનું કરમરકરે યોગ્ય ધાર્યું. તેવામાં વાર્તાકાર-પટકથાલેખક અર્જુનદેવ સત્ય હકીકત પર આધારિત પોતાની વાર્તા ‘રશ્ક’ લઈ આવ્યા અને સિનેછબીકાર કરમરકરના દિગ્દર્શન હેઠળ પ્રથમ ચિત્ર બન્યું ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ (1960).

ત્યારપછીના ગાળામાં તેમણે આર. કે. ફિલ્મ્સ માટે ‘સંગમ’ (1964), ‘મેરા નામ જોકર’ (1970), ‘બૉબી’ (1973), ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્’ (1978), ‘પ્રેમરોગ’ (1982) અને ‘રામ તેરી ગંગા મૈલી’ (1985) જેવી ફિલ્મોનું ફિલ્માંકન કર્યું. તેમાંથી ‘મેરા નામ જોકર’ અને ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્’ને શ્રેષ્ઠ સિનેછાયાના ‘ફિલ્મફેર’ એવૉર્ડ પ્રાપ્ત થયા હતા. ખુદ કરમરકર ‘મેરા નામ જોકર’ના પોતાના કામથી પોતાને સૌથી વધુ સંતોષ થયો હોવાનું માને છે.

‘બૉબી’(1973)ની રજૂઆત બાદ રાજ કપૂરે કરમરકરને સ્વતંત્ર રીતે ફિલ્મો કરવાની છૂટ આપેલી. તે ફિલ્મોમાં ‘સપનોં કા સૌદાગર’, ‘અમન’, ‘લવસ્ટોરી’, ‘સંન્યાસી’, ‘બેઇમાન’ અને ‘ટારઝન’ મુખ્ય કહી શકાય. ‘હરફન મૌલા’ નામની ફિલ્મનું કરમરકરે પોતે નિર્માણ આરંભેલું, પણ તે તેમણે અધૂરી સમેટી લેવાની  ફરજ પડી હતી..

આમ આર. કે. ફિલ્મ્સની 10 ફિલ્મો, 1 ફિલ્મનું દિગ્દર્શન અને સ્વતંત્ર રીતે કરાયેલી 6 ફિલ્મો તે દેખીતી રીતે પ્રભાવકારક આંકડો જણાતો નથી; પરંતુ ગુણવત્તાની ર્દષ્ટિએ સિનેછાયાક્ષેત્રે તેમણે હાંસલ કરેલી આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ તેમની આગવી સિદ્ધિ કહી શકાય. જોકે આશરે 56 વર્ષની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન સિનેછાયાંકન કરાયેલી ફિલ્મોની યાદી બનાવીએ તો જરૂર ઘણી મોટી થાય.

રાજ કપૂરની હયાતી દરમિયાન આકાર પામેલી સિનેકૃતિ ‘હિના’, આર. કે. ફિલ્મ્સની છેલ્લી કૃતિ(રજૂઆત : જૂન 1991)નું સિનેછાયાંક્ધા પણ રાધુ કરમરકરે જ કર્યું છે. કરમરકર ભારતીય અને મુંબઈ ચલચિત્ર ઉદ્યોગના દીર્ઘ કારકિર્દી ધરાવતા અને અનુભવસમૃદ્ધ અગ્રણી સિનેછાયાકાર ગણાય છે.

ઉષાકાન્ત મહેતા