કમ્પાની, નિમેષ (જ. 30 સપ્ટેમ્બર, 1946, મુંબઈ) : ભારતીય અબજોપતિ ઇન્વેસ્ટમેન્ટ બૅંકર અને ફાઇનાન્શિયર. જે. એમ. ફાઇનાન્શિયલ ગ્રૂપ ઑફ કંપનીઝના નૉન-એક્ઝિક્યુટિવ ચૅરમૅન. ભારતમાં ટોચના 100 ધનિકોમાં સામેલ. ઉદય કોટક, હેમેન્દ્ર કોઠારી સાથે ઇન્વેસ્ટમેન્ટ બૅંકિંગમાં ભારતીય લીડરના “Three Ks”માં નિમેષ કમ્પાનીની ગણતરી થાય છે. કહેવાય છે કે, રિલાયન્સ અને તાતા ગ્રૂપની કંપનીઓ મોટો નિર્ણય લે એ અગાઉ કમ્પાનીની સલાહ અચૂક લે છે. કૉર્પોરેટ સોદાઓ એટલે કે બે કંપનીઓના વિલય (મર્જર) કે એક કંપની દ્વારા બીજી કંપનીની ખરીદી(એક્વિઝિશન)માં ભારતમાં અત્યાર સુધીના સૌથી સફળ સલાહકાર.
મુંબઈમાં પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવનાર કમ્પાનીએ આ જ મહાનગરની સીડેનહામ કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાંથી વાણિજ્યિક શાખામાં સ્નાતકની ઉપાધિ મેળવી. પછી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટડ એકાઉન્ટન્ટમાંથી સીએ.ની પદવી મેળવી. 1972માં પરિવારના સ્ટૉક બ્રોકિંગના વ્યવસાયમાં સામેલ થયા અને 1973માં પિતરાઈ ભાઈ મહેન્દ્ર કમ્પાની સાથે જે. એમ. ફાઇનાન્શિયલ ઍન્ડ કન્સલ્ટન્સીની સ્થાપના કરી હતી, જે મુખ્યત્વે શરૂઆતમાં ધિરાણલક્ષી સેવાઓ અને વ્યવસાયોને વૃદ્ધિના તબક્કામાં કામગીરી કરવા માટેની સલાહ આપતી હતી.
જેમ જેમ જે. એમ. ફાઇનાન્શિયલની કામગીરી સારી ચાલી, તેમ તેમ નિમેષ કમ્પાનીએ પ્રાઇવેટ ઇક્વિટી, વેલ્થ મૅનેજમેન્ટ અને રિયલ એસ્ટેટ ફાઇનાન્સિંગ સહિત વિવિધ સેવાઓ પ્રદાન કરવાની શરૂઆત કરી. સાથે સાથે, કંપનીએ પોતાની ક્ષમતા અને પહોંચ વધારવા આંતરરાષ્ટ્રીય ધિરાણસંસ્થાઓ સાથે વ્યૂહાત્મક જોડાણ પણ કર્યું. 1985માં નિમેષ કમ્પાનીએ જેએમ શૅર ઍન્ડ સ્ટૉક બ્રોકર્સની સ્થાપના કરી.
લગભગ બે દાયકા સફળતાપૂર્વક ચાલ્યા પછી કમ્પાનીએ 1992 જે. એમ. ફાઇનાન્શિયલનો આઇપીઓ લાવ્યા અને તેને પબ્લિક લિસ્ટેડ કંપની બનાવી. તેમાં આઇએફસી અને પછી મોર્ગન સ્ટેન્લી જેવા રોકાણકારો સામેલ થયા હતા. લગભગ એક દાયકા પછી મોર્ગેન સ્ટેન્લીથી છૂટા પડતાં કંપાનીએ મોર્ગન સ્ટેન્લીનો હિસ્સો ખરીદી લીધો હતો. ત્યાર બાદ આઇએફસીએ પણ પોતાના હિસ્સાનું વેચાણ કરી દીધું.
પોતાની કારકિર્દીમાં નિમેષ કમ્પાની અને તેમની કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ અને ભારતી ઍરટેલનો આઇપીઓ લાવવામાં, ઑઇલ ઍન્ડ નેચરલ ગૅસ કૉર્પોરેશન(ઓએનજીસી)ના આંશિક વેચાણ મારફતે 2.4 અબજ ડૉલરનું ફંડ ઊભું કરવામાં ભારત સરકારને ચાવીરૂપ મદદ કરી છે; એટલું જ નહીં, ધીરુભાઈ અંબાણીના અવસાન પછી અનિલ અંબાણી સાથે મતભેદો પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વિભાજનમાં કમ્પાનીએ મુકેશ અંબાણીને સલાહ પણ આપી હતી.
વર્ષ 2009માં હૈદરાબાદની નાગાર્જુન ફાઇનાન્સ લિમિટેડના થાપણદારો સાથે છેતરપિંડીના કેસમાં પોલીસે નિમેષ કમ્પાનીની તપાસ શરૂ કરી હતી. હકીકતમાં તેઓ 1999 સુધી જ આ કંપનીમાં સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે સંકળાયેલા હતા, પરંતુ આંધ્રપ્રદેશની સરકાર તેમની ધરપકડ કરવા આતુર હતી. આ કારણસર લગભગ બે વર્ષ તેમને દુબઈ અને વિદેશમાં રહેવું પડ્યું હતું. છેવટે 2011માં સુપ્રીમ કોર્ટે આ કેસમાં તેમને કોઈ સંબંધ નથી એવું જાહેર કર્યા પછી તેઓ ભારત પરત ફર્યા હતા.
વર્ષ 2016માં નિમેષ કમ્પાનીએ જે. એમ. ફાઇનાન્શિયલ ગ્રૂપની બાગડોર પુત્ર વિશાલ કમ્પાનીને સુપરત કરી દીધી છે. હવે તેઓ કંપનીમાં નૉન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ફક્ત સલાહ આપે છે.
કેયૂર કોટક
