કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑવ્ ઇન્ડિયા

કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑવ્ ઇન્ડિયા : ભારતીય સંઘરાજ્ય તથા ઘટક રાજ્યોના હિસાબો રાખવાની પદ્ધતિ નિર્ધારિત કરવા તથા તેના પર સમગ્ર રીતે દેખરેખ રાખવા ખાસ નિમાયેલા સર્વોચ્ચ હિસાબ-અધિકારી. તેમની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તેમનું તાટસ્થ્ય જળવાય અને કારોબારીના કોઈ પણ જાતના અંકુશ કે દબાણ વગર તે પોતાની ફરજો અદા કરી શકે તે માટે ભારતીય બંધારણના અનુચ્છેદ 148, 150 તથા 151માં ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે. તે કારોબારીને નહિ, પરંતુ રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે અને તેથી સંઘરાજ્યના હિસાબો અંગેનો પોતાનો અહેવાલ તેમણે રાષ્ટ્રપતિને સુપરત કરવાનો હોય છે. રાષ્ટ્રપતિ સંસદનાં બંને ગૃહો સમક્ષ તેને રજૂ કરવાની કાર્યવહી કરે છે.

ભારત સરકારે સ્વીડનની નોબેલ્સ કંપની સાથે 1987માં હોવિટ્ઝર તોપો ખરીદવા અંગે કરેલા સોદા અંગેની કેટલીક અનિયમિતતાઓ કે ક્ષતિઓ તે વખતના ભારતના કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ સી. જી. ચતુર્વેદીના અહેવાલ દ્વારા છતી થઈ હતી અને તેના પર સંસદનાં બંને ગૃહોમાં ભારે ઊહાપોહ થયો હતો. આ સોદો ‘બોફોર્સ કૌભાંડ’ના નામથી જાણીતો બન્યો છે.

સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને મળતી સુરક્ષિતતા આ સર્વોચ્ચ હિસાબ-અધિકારીને ઉપલબ્ધ છે. તેમને અપાતો પગાર અને અન્ય ભથ્થાં ભારતના સંચિત નિધિ(Consolidated Fund of India)માંથી ચૂકવવામાં આવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે