કમિંગ્ઝ – ઈ. (એડ્વર્ડ) ઈ. (એસ્ટલિન)

January, 2006

કમિંગ્ઝ, ઈ. (એડ્વર્ડ) ઈ. (એસ્ટલિન) (જ. 14 ઑક્ટોબર 1894, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ; અ. 3 સપ્ટેમ્બર 1962, નૉર્થ કૉર્નવે, ન્યૂ હૅમ્પશાયર) : અમેરિકન કવિ અને ચિત્રકાર. હાર્વર્ડમાંથી બી. એ. (1915) તથા એમ.એ.(1916)ની ડિગ્રી મેળવ્યા પછી અમેરિકી વૉલન્ટિયર તરીકે ઍમ્બુલન્સ ટુકડીમાં જોડાઈ ફ્રાન્સ ગયા. 1917માં રાજદ્રોહી પત્રવ્યવહારના ઉપજાવી કાઢેલા આરોપસર તેમને ફ્રાન્સની અટકાયતી છાવણીમાં કેટલાક મહિના રહેવું પડ્યું. આ અનુભવોના આધારે તેમનું સર્વપ્રથમ પુસ્તક લખાયું તે ‘ધ ઇનૉર્મસ રૂમ’. 1922માં પ્રગટ થતાંવેંત, પહેલવહેલી કૃતિથી જ તેમાંની જોશીલી ગદ્યછટા તથા પ્રણાલિકાભંજક મંતવ્યોને કારણે તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ સાંપડી. દસ્તાવેજી મૂલ્ય ધરાવતા આ ગદ્યગ્રંથનું પ્રથમ પ્રકરણ તળપદી ભાષાના લાક્ષણિક પ્રયોગને કારણે સવિશેષ ધ્યાન ખેંચે છે. 1923માં તેમનો સર્વપ્રથમ કાવ્યસંગ્રહ ‘ટ્યૂલિપ ઍન્ડ ચિમનીઝ’ નામે પ્રગટ થયો. ત્યારપછી ‘&’ (1925), ‘XLI Poems’ (1925) તેમજ ‘is 5’ (1926) જેવા કાવ્યસંગ્રહો વડે તેમની નિજી પ્રતિભા તથા આગવો સૂર વ્યક્ત થતાં રહ્યાં. તેમના કુલ 12 કાવ્યસંગ્રહો પ્રગટ થયા. તેમની સમગ્ર કવિતા ‘કમ્પ્લીટ પોએમ્સ’ (1968) રૂપે બે ગ્રંથોમાં સુલભ થઈ છે. કૌંસનો ઉપયોગ, શબ્દનું ભેગું અથવા છૂટું મુદ્રણ, પંક્તિભંગ, શબ્દમધ્યે કૅપિટલ અક્ષરો વડે ભારસૂચક સંકેત, રવાનુકારી શબ્દની યોજના જેવી વિવિધ અને મુખ્યત્વે મુદ્રણવિષયક પ્રયુક્તિઓ તેમણે પ્રયોજી છે. પરંતુ એ બધી વિશેષતાઓનો કલાત્મક વિનિયોગ કરીને તેમણે કાવ્યવિશ્વ પ્રત્યક્ષ કરવાનો પ્રયોગ કર્યો છે. આ કાવ્યોમાં આત્મનિર્ભર, આનંદી તથા પ્રેમાળ વ્યક્તિ સુંદર જીવન વિતાવતી હોય એવા વિશ્ર્વ વિશે કવિની અનન્ય શ્રદ્ધા વ્યક્ત થાય છે. સમૂહમાં જીવતા માનવને એટલે કે હૃદય અને આત્માથી નહિ પણ બુદ્ધિથી દોરવાતા માનવને કવિના આ વિશ્વમાં સ્થાન નથી, કવિને મન એવો માનવી મૃત્યુ પામેલો છે. સંનિષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા માનવીને કમિંગ્ઝ પૂરેપૂરી નિખાલસતાથી અને ઘણીવાર સન્માનપૂર્વક બિરદાવે છે. પરંતુ અમાનવ(unman)ની તે ભારોભાર ટીકા કરે છે.

ઈ. ઈ. કમિંગ્ઝ

‘him’ (1927) તેમનું અભિવ્યક્તિવાદના પ્રવાહનું ગદ્ય-પદ્યમાં લખાયેલું નાટક છે. 1927માં તે ન્યૂયૉર્ક શહેરમાં ભજવાયું. 1930માં એક કૃતિ શીર્ષક વગર પ્રકટ કરી, 1933માં ‘Eimi’ નામના પ્રવાસવર્ણનમાં રશિયામાં પ્રવર્તતી આપખુદશાહી પર આકરા પ્રહારો કરાયા છે. કટાક્ષલક્ષી બૅલે ‘Tom’ (1935) ‘અંકલ ટૉમ્સ કૅબિન’ પર આધારિત છે, જ્યારે ‘CIOPW’ (1931) તેમનાં ચિત્રો તથા રેખાંકનોનો સંગ્રહ છે. તેમની અન્ય કૃતિઓમાં ‘Anthropos’, ‘The Future of Art’ (1944), ‘Santa Claus : a Morality’ (1946) તથા ‘and i’ (1953) અને હાર્વર્ડ ખાતે આપેલાં ‘six nonlectures’નો સમાવેશ થાય છે. તેમણે અમેરિકા તથા બ્રિટનના કવિઓની એક સમગ્ર પેઢી માટે નવું ક્ષિતિજ ખોલી આપ્યું એમ મનાય છે.

મોહંમદ ઈસ્હાક શેખ