કમળમહેલ : લગભગ ઈ. સ. 1575માં હમ્પી(કર્ણાટક)માં બંધાયેલો મહેલ. મુખ્યત્વે તે એક ઉદ્યાન મહેલના ભાગ રૂપે નિર્મિત થયેલ છે.
તેના આયોજનમાં દક્ષિણ ભારતના હિંદુ રાજવીઓની શૈલીમાં ઉત્તર ભારતના મુસ્લિમ શૈલીના સ્થાપત્યની છાપ જોવા મળે છે. મુખ્યત્વે એક વિશાળ ખંડરૂપે બંધાયેલી આ ઇમારત કમાનો અને સ્તંભો દ્વારા રચાયેલી છે. તેની છત પિરામિડ જેવી રચાયેલી છે. કમાનોનો ઘાટ અને તેની આંતર-સ્તરીય રચના ઉત્કૃષ્ટ કારીગરીનો નમૂનો છે, જેનો ખાસ કરીને મુસ્લિમ સ્થાપત્યોમાં આગવી રીતે ઉપયોગ થતો.
આ પ્રકારની બાંધકામની શૈલીનો, સોળમી સદી બાદ ઉત્તરના પ્રસરતા જતા મુસ્લિમ સામ્રાજ્ય અને પ્રભાવ તરીકે દક્ષિણમાં પણ પ્રસાર થયેલો. આનાં બીજાં ઉદાહરણો ચાંદગિરિ, મદુરા અને તાંજોરના સત્તરમી અને અઢારમી સદીના રાજમહેલો ગણી શકાય.
રવીન્દ્ર વસાવડા