કમળ (પ્રતીક) : ભારતીય કલા, ધર્મ અને દર્શનમાં કમળ એ સૌથી મહત્વનું પ્રતીક છે. અગાધ જલ પર તરતા પ્રાણનું એ પ્રતીક છે. આ પુષ્પ સૂર્યોદયના સમયે પોતાની પાંખડિયો વિકસાવે છે. સૂર્યને બ્રહ્મનું સ્વરૂપ માનવામાં આવે છે. આથી કમલ એ પ્રાણનું એવું રૂપ છે જે સમષ્ટિગત પ્રાણીઓના પ્રાણ અથવા જીવનને આહવાન કરે છે. વિષ્ણુની નીતિમાંથી તે પ્રગટ થવાથી તેનામાં પ્રાણસંવર્ધક શક્તિ છે. વિષ્ણુની નાભિમાંથી તે પ્રગટેલ કમળ પર બ્રહ્મનો વિકાસ થયો અને તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું. આમ કમલ સર્જન સાથે સંવર્ધનનું પ્રતીક બને છે. કમળનાં પાન કે વેલને સૃષ્ટિની યોનિ કહી છે. એનામાં ગર્ભાધાનની શક્તિ રહેલી છે.

ભાગવતોએ સંસારને ભૂ–પદ્મકોષ કહ્યો છે, ને સૃષ્ટિનો જન્મ પદ્મમાંથી થયો હોવાનું જણાવ્યું છે. તેમાં બે પ્રકારની સૃષ્ટિ માની છે : (1) પદ્મજા અને (2) અણ્ડજા. પદ્મજા સૃષ્ટિનું નિર્માણ ક્ષીરશાયી વિષ્ણુની નાભિમાંથી થાય છે. અણ્ડજા હિરણ્યગર્ભ વડે જન્મે છે. આમ વૈદિક માન્યતામાં જે સ્થાન હિરણ્યગર્ભનું હતું તે સ્થાન ભાગવત દર્શનમાં પદ્મને મળ્યું છે. વેદ પ્રમાણે પૃથ્વી પર અગ્નિ અને દ્યુલોકમાં આદિત્ય (સૂર્ય) એ બે મોટાં પદ્મ છે. હિરણ્યગર્ભની સૃષ્ટિ અગ્નિ પર અને પદ્મની સૃષ્ટિ જલ પર નિર્ભર છે. પૂર્ણઘટકમાં અણ્ડજા અને પદ્મજા અર્થાત્ કમલ અને જલ એ બંને કલ્પનાઓનો સમન્વય છે. ભારતીય કલામાં કમલનું અનેકવિધ આલેખન થયું છે. એમાં અનેક પ્રકાર-નામો પ્રચલિત છે – ઉત્પલ, પુણ્ડરીક, શતપત્ર, સહસ્રપત્ર, પુષ્કર, પદ્મક વગેરે.

પ્રવીણચંદ્ર પરીખ