કમળો (આયુર્વિજ્ઞાન)

January, 2006

કમળો (jaundice) (આયુર્વિજ્ઞાન) : શરીરમાં પિત્તમાંના વર્ણકદ્રવ્યો(bile pigments)ના વધેલા પ્રમાણથી ઉદભવતો વિકાર. લોહીના રુધિરરસ(serum)માં સામાન્ય રીતે પિત્તવર્ણક (bilirubin) નામના પિત્તવર્ણક દ્રવ્યનું પ્રમાણ 1 મિગ્રા.% કે તેથી ઓછું રહે છે; જ્યારે તે 2 મિગ્રા.% કે તેથી વધુ હોય ત્યારે આંખના ડોળાનો શ્વેતાવરણ(sclera)થી બનતો સફેદ ભાગ, શ્લેષ્મકલા (mucosa) તથા ચામડી પીળાં દેખાય છે. તેને કમળો અથવા પીળિયો કહે છે.

આકૃતિ 1 : પિત્તવર્ણક(બિલીરુબિન)નો ચયાપચય અને શરીરમાં પરિભ્રમણ

પિત્તવર્ણક દ્રવ્યો : બરોળ તથા અન્ય અવયવોમાં રહેલું તન્ત્વી-અંતશ્ચ્છદકોષીય તંત્ર (reticulo-endothelial system) લોહીમાં ભ્રમણ કરતા અપક્વ રક્તકોષો(લાલ રંગના રુધિરકોષો)નો તથા આશરે 120 દિવસ સુધી ભ્રમણ કરતા ‘વૃદ્ધ’ રક્તકોષોનો નાશ કરે છે. તેમનામાં રહેલા લોહરક્તવર્ણક(haemoglobin)માંથી હીમ (heme) છૂટું પડે છે. હીમનો અપચય થાય છે અને તેથી શરીરમાં રોજ 250 મિગ્રા. જેટલું અસંયોજિત બિલીરુબિન (પિત્તવર્ણક) ઉત્પન્ન થાય છે. અસંયોજિત બિલીરુબિન મેદદ્રાવ્ય છે અને તે ચેતાતંત્રને નુકસાન કરે છે. લોહીમાંનું આલ્બ્યુમિન તેની સાથે જોડાઈને તેને યકૃત(liver)માં લાવે છે. યકૃતકોષોના કોષરસ(cytoplasm)માંનાં સ્વીકારક (acceptor) પ્રોટીન તેની સાથે જોડાય છે. યકૃતકોષના અંત:કોષરસીય તંતુજાળ(endoplasmic reticulum)માં તેનું ગ્લુકુરોનાઇલ ટ્રાન્સફરેઝ નામના ઉત્સેચકની હાજરીમાં ગ્લુકુરોનિક ઍસિડ સાથે સંયોજન થાય છે. સંયોજિત (conjugated) બિલીરુબિન જલદ્રાવ્ય છે અને તેનો થોડો ભાગ લોહીમાં પ્રવેશીને મૂત્ર દ્વારા શરીરની બહાર જાય છે તથા બાકીનો ભાગ પિત્ત (bile) દ્વારા આંતરડામાં પ્રવેશે છે. પેશાબમાં વહી જતું બિલીરુબિન પેશાબને પીળો કરે છે. આંતરડામાં રહેલા જીવાણુ બિલીરુબિનનું મલીય-પૂર્વપિત્તવર્ણક(stercobilinogen)માં રૂપાંતરણ કરે છે. મલીય પૂર્વક પિત્તવર્ણકનું ઑક્સિડેશન થવાથી તે મળ દ્વારા મલીય-પિત્તવર્ણક (stereobilin) રૂપે નિકાલ પામે છે. તેને કારણે મળનો રંગ પીળાશ પડતો છીંકણી જેવો બને છે. મૂત્રીય-પૂર્વપિત્તવર્ણક લોહીમાં પ્રવેશીને થોડા પ્રમાણમાં પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે, જ્યારે તેનો બાકીનો ભાગ યકૃતમાં પ્રવેશે છે અને પુન: પિત્તમાર્ગ દ્વારા આંતરડામાં આવે છે. આમ તેનું અનુક્રમે આંતરડા અને યકૃતમાં પિત્તમાર્ગે અને લોહી દ્વારા ચક્રીય ભ્રમણ થયા કરે છે. તેને આંત્રયકૃતીય પરિભ્રમણ (enterohepatic circulation) કહે છે.

આકૃતિ 2 : કમળો થવાનાં કેટલાંક કારણો : (અ) યકૃતશોથ ને યકૃતનો સોજો, (આ) યકૃતની સૂક્ષ્મ રચનામાં શોથ-સંબંધિત કોષો(inflammatory cells)નો ભરાવો, (ઇ) યકૃતકાઠિન્ય, (ઈ) એકસ્થાનિક યકૃતકૅન્સર, (ઉ) બહુસ્થાનિક યકૃતકૅન્સર, (ઊ) બહુસ્થાનિક મોટું યકૃતકૅન્સર, (ઋ) પિત્તમાર્ગે કે નિવાહિકા શિરામાર્ગે આંતરડામાંનો ચેપ યકૃતને અસર કરે (તીર : ચેપ પ્રસરવાની દિશા સૂચવે છે), (એ) પિત્તમાર્ગમાં પથરી, (ઐ) પિત્તમાર્ગના નીચલા છેડે કૅન્સરની ગાંઠ : (1) યકૃત, (2) પિત્તાશય, (3) શોથલક્ષી કોષો, (4) યકૃતકાઠિન્યમાં થતી ગંડિકાઓ, (5, 6, 7) યકૃતકૅન્સરની ગાંઠો, (8) જઠર, (9) પક્વાશય, (10) પિત્તનળી, (11) નિવાહિકા શિરા, (12) સ્વાદુપિંડ, (13) મોટું આંતરડું, (14) પિત્તમાર્ગમાં પથરી, (15) પિત્તમાર્ગમાં નીચલે છેડે કૅન્સર ( 2aઅને 10a), વારંવાર ચેપથી સંકુચિત પિત્તમાર્ગ (2b અને 10b), દબાણને કારણે પહોળો થયેલો પિત્તમાર્ગ.

કમળાના પ્રકારો : (આકૃતિ 2) સંયોજિત અને અસંયોજિત પિત્ત-વર્ણકો એમ બે પ્રકારના બિલીરુબિન હોવાથી કમળો મુખ્યત્વે બે પ્રકારનો છે : (ક) અસંયોજિત અતિપિત્તવર્ણકરુધિરતા(unconju-gated hyperbilirubinaemia)જન્ય તથા (ખ) સંયોજિત અતિ-પિત્તવર્ણકરુધિરતા(conjugated hyperbilirubinaemia)જન્ય. મુખ્યત્વે અસંયોજિત બિલીરુબિનનું પ્રમાણ વધે ત્યારે ઉપર જણાવેલ પ્રથમ પ્રકારનો અને મુખ્યત્વે સંયોજિત બિલીરુબિનનું પ્રમાણ વધે ત્યારે બીજા પ્રકારનો કમળો થાય છે. બિલીરુબિનનું પ્રમાણ વધવાનાં કારણોને 3 મુખ્ય ભાગમાં વહેંચી શકાય છે : (ક) યકૃતપૂર્વીય અથવા રક્તકોષલયી, (ખ) યકૃતીય કે યકૃતકોષીય તથા (ગ) યકૃતોત્તર.

(ક) લોહીના રક્તકોષોનો નાશ વધે છે ત્યારે રક્તકોષલયી પાંડુતા (haemolytic anaemia) તથા કમળો થાય છે. આ પ્રક્રિયા દ્વારા વધારે પ્રમાણમાં બનતું બિલીરુબિન કમળો કરે છે. પરંતુ આ પ્રકારના કમળામાં યકૃતનો કોઈ વિકાર હોતો નથી. તેથી પેશાબનો રંગ સફેદ હોય છે. તેને યકૃતપૂર્વીય (prehepatic) કમળો પણ કહે છે. રક્તકોષલયી કમળામાં અસંયોજિત બિલીરુબિનનું પ્રમાણ વધુ હોય છે (80 %) અને તે પેશાબ દ્વારા બહાર નીકળી ન શકતું હોવાથી પેશાબ સફેદ રહે છે તેથી તેને શ્વેતમૂત્રીય (acolouric) કમળો પણ કહે છે. પિત્તમાર્ગમાં અવરોધ ન હોવાથી મળ પીળો-છીંકણી રંગનો થાય છે. પરંતુ થોડા સમય પછી મૂત્રીય પિત્તવર્ણક(urobilia)નું ઉત્પાદન થતાં પેશાબ ગાઢા પીળા રંગનો થઈ જાય છે.

(ખ) યકૃતના રોગોમાં થતો કમળો યકૃતીય કે યકૃતકોષીય કમળો કહેવાય છે; દા.ત., વિષાણુ કે જીવાણુજન્ય ચેપ, ગાંઠ, કૅન્સર, યકૃતકાઠિન્ય(cirrhosis)ના કેટલાક ચોક્કસ તબક્કા, જન્મજાત ખામીઓ જેવી કે ગિલ્બર્ટનું સંલક્ષણ, ક્રિગ્લર-નાજરનું સંલક્ષણ, ડુબિન-જ્હૉન્સનનું સંલક્ષણ, રોટરનું સંલક્ષણ તથા ઔષધજન્ય ચયાપચયી ખામીઓ વગેરે. ગિલ્બર્ટ તથા ક્રિગ્લર-નાજરના સંલક્ષણમાં અસંયોજિત બિલીરુબિનનું સંયોજીકરણ (conjugation) કરતા ગ્લુકુરોનાઇલ ટ્રાન્સફરેઝની ઊણપ હોય છે અને તેથી અસંયોજિત પ્રકારના બિલીરુબિનનું પ્રમાણ વધે છે અને કમળો થાય છે. નવજાત શિશુમાં થતો ‘દેહધર્મી કમળો’ પણ અપરિપક્વ યકૃતીય ક્રિયાશીલતાને લીધે થાય છે અને તેમાં પણ અસંયોજિત બિલીરુબિનનું પ્રમાણ વધે છે. ડુબિન-જ્હૉન્સન તથા રોટરનાં સંલક્ષણોમાં સંયોજિત બિલીરુબિન પિત્તનલિકાઓમાં પ્રવેશી શકતું નથી અને તેથી સંયોજિત પ્રકારના બિલીરુબિનની અધિકતાથી થતો કમળો થાય છે. ઉપર જણાવેલાં ચારેય નામધારી સંલક્ષણો થવાનો નવસંભાવ્યદર (incidence) ઘણો ઓછો હોય છે. યકૃતીય કમળાનાં મુખ્ય કારણોમાં યકૃતનો વિષાણુજન્ય કે જીવાણુજન્ય ચેપ, ગાંઠ, મદ્યપાન કે ઔષધોથી યકૃતને થતું નુકસાન છે. આ પ્રકારના યકૃતીય કમળામાં સંયોજિત બિલીરુબિનનું પ્રમાણ વધે છે અને તેથી પેશાબ તથા મળ પીળા રંગના હોય છે. ક્યારેક યકૃતમાં આવેલ સોજાને કારણે કે તેમાં ક્રિયાશીલ (functional) અવરોધ ઉદભવે છે તેથી પિત્તમાં સંયોજિત બિલીરુબિન પ્રવેશી શકતું નથી અને સફેદ રંગનો મળ આવે છે. આ પ્રકારના અંત:યકૃતીય (intrahepatic) ક્રિયાશીલ અવરોધથી થતા કમળાને પિત્તસ્થાયી (cholestatic) કમળો કહે છે. પિત્તસ્થાયી કમળો ક્યારેક સગર્ભાવસ્થામાં તેમજ કેટલાંક ઔષધોને કારણે પણ થાય છે. અવરોધજન્ય અને પિત્તસ્થાયી કમળાના દર્દીનાં લોહી તથા પેશાબમાં સંયોજિત બિલીરુબિનનું પ્રમાણ વધે છે, યકૃત મોટું થાય છે, ઘણી વખત પેટના ઉપલા જમણા ભાગને અડવાથી દુખાવો અથવા સ્પર્શવેદના (tenderness) થાય છે. લોહીમાં મેદતત્ત્વો વધે છે. મળ સફેદ અને અપચિત મેદવાળો હોય છે. મેદના પચનમાં ઘટાડો થવાથી તેલ/ઘી જેવો મેદવાળો ખોરાક લેવાથી અજીર્ણનાં લક્ષણો પેદા થાય છે તેમજ મેદદ્રાવ્ય વિટામિનો(એ, ડી તથા કે)ની ઊણપ પણ પેદા થાય છે. વિટામિન ‘કે’ની ઊણપથી યકૃતમાં પ્રોથ્રૉમ્બિન નામના રુધિરગંઠન ઘટક(coagulation factor)નું ઉત્પાદન ઘટે છે અને તેથી લોહીની ઊલટી કે અન્ય પ્રકારે લોહી વહેવાની તકલીફ થાય છે. પિત્તક્ષારોનો ભરાવો થવાથી સમગ્ર શરીરમાં ખૂજલી આવે છે.

(ગ) જ્યારે પિત્તમાર્ગમાં પથરી, ગાંઠ, કૅન્સર કે ચેપને કારણે અવરોધ થાય ત્યારે યકૃતમાં ઉત્પન્ન થયેલું સંયોજિત બિલીરુબિન આંતરડાંમાં પ્રવેશી શકતું નથી. તેથી પેશાબ પીળો થાય છે, પરંતુ ઝાડો સફેદ રહે છે. આ પ્રકારના કમળાને યકૃતોત્તર (posthepatic) અથવા અવરોધજન્ય (obstructive) કમળો કહે છે. તેની મુખ્ય સારવાર શસ્ત્રક્રિયા હોવાથી તેને શસ્ત્રક્રિયાલક્ષી (surgical) કમળો પણ કહે છે.

નિદાન : કમળો થયો છે તેવું નિશ્ચિત નિદાન, લોહીના રુધિરજળમાં બિલીરુબિનનું પ્રમાણ વધ્યું છે તે દર્શાવીને કરાય છે. બિલીરુબિનના પ્રકાર પરથી તેના કારણનું સૂચન મળે છે. કમળો વિવિધ રોગોનું એક ચિહન હોવાથી તેના કારણનું નિદાન કરવું આવશ્યક છે. નવજાત શિશુમાં દેહધર્મી કમળો, રક્તકોષલયી ગર્ભ-વિકાર (erythroblastosis foetalis) કે અન્ય ચેપજન્ય કારણોસર કમળો થાય છે. યુવાનોમાં વિષાણુજન્ય યકૃતશોથ(viral hepatitis)ને કારણે કમળો થાય છે. તેને ચેપી (infective) યકૃતશોથ પણ કહે છે. મોટી ઉંમરે ચેપી યકૃતશોથ, પિત્તમાર્ગમાં પથરી કે કૅન્સરની ગાંઠ, યકૃતકાઠિન્યનો યકૃતકોષીય નિષ્ફળતાનો તબક્કો, મદ્યપાનજન્ય યકૃતશોથ વગેરે જુદાં જુદાં કારણો કમળો કરે છે. વારસાગત ક્ષતિ, જેવી કે ગોળરક્તકોષિતા(spherocytosis)થી કે જી–6–પી.ડી.ની ઊણપથી રક્તકોષલયી પાંડુતા અને કમળો થાય છે. ક્લોરપ્રોમેઝિન, ગર્ભનિરોધક ગોળીઓ, મિથાઇલ ટેસ્ટોસ્ટીરોન વગેરે દવાઓ યકૃતને ઈજા પહોંચાડી કમળો કરે છે. કેટલાંક ઝેર પણ કમળો કરે છે.

કમળાનાં આનુષંગિક લક્ષણો પણ નિદાનસૂચક હોય છે. પાંડુતા સાથેનો મંદ તીવ્રતાવાળો કમળો રક્તકોષલયી વિકાર સૂચવે છે. સતત વધતો જતો કમળો, ખૂજલી તથા સફેદ મળ, ફૂલેલું પિત્તાશય પિત્તમાર્ગમાં ગાંઠ કે કૅન્સર સૂચવે છે. પિત્તમાર્ગમાં પથરી થયેલી હોય તો વારંવાર દુખાવો, તાવ અને કમળો થાય છે. તેને પિત્તમાર્ગની પથરીના રોગની લક્ષણત્રયી (triad of symptoms) કહે છે. વિષાણુજન્ય કમળો થોડા દિવસના તાવ પછી, જ્યારે તાવ બેસી જાય ત્યારે જોવા મળે છે. દર્દીને ખોરાકની અરુચિ થાય છે. સૌપ્રથમ કમળાની તીવ્રતા વધે છે. પરંતુ સમય જતાં તે ઘટતો જાય છે. જો દર્દી પિત્તસ્થાયી કમળાની અવસ્થામાં પ્રવેશે તો વધેલા કમળાની સાથે ખૂજલી આવે છે.

રુધિરજળમાં બિલીરુબિનના પ્રમાણ ઉપરાંત કેટલીક અન્ય કસોટીઓ પણ નિદાનસૂચક હોય છે; દા.ત., હીમોગ્લોબિનનું પ્રમાણ, લોહીના શ્વેતકોષોની સંખ્યા, સીરમમાં ટ્રાન્સઍમાઇનેઝનું પ્રમાણ, સીરમમાં ઍલ્કેલાઇન ફૉસ્ફેટેઝનું પ્રમાણ, પ્રોથૉમ્બિન સમયગાળો, સીરમમાં પ્રોટીનનું પ્રમાણ, પેશાબમાં પિત્તક્ષારો, પિત્તવર્ણક દ્રવ્યો તથા મૂત્રીય-પૂર્વપિત્તવર્ણક(urobilinogen)નું પ્રમાણ, પેટની અલ્ટ્રાસોનોગ્રાફી, વિવિધ ઍક્સ-રે ચિત્રણો, પેટનું સી.એ.ટી. સ્કાન કે ચુંબકીય અનુનાદી ચિત્રણ (magnetic resonance imaging) વગેરે.

સારવાર : કમળાના કારણભૂત રોગની સારવાર કરવી જરૂરી બને છે, જેમ કે રક્તકોષલયી પાંડુતાના દર્દીમાં ફૉલિક ઍસિડ તથા જરૂર પડ્યે લોહી અપાય છે. રક્તકોષલયી ઔષધો ન લેવાની સલાહ અપાય છે તથા ગોળરક્તકોષિતા(spherocytosis)ના વિકારમાં બરોળને શસ્ત્રક્રિયા વડે દૂર કરાય છે. રક્તકોષલયી કમળાના વારંવાર હુમલા થતા હોય તો પિત્તાશયમાં પથરી થઈ છે કે નહિ તે અલ્ટ્રાસોનોગ્રાફીથી જોવું જરૂરી ગણાય છે. અવરોધજન્ય કમળામાં શસ્ત્રક્રિયા વડે અવરોધ દૂર કરવામાં આવે છે. તેમને ઇન્જેક્શન દ્વારા વિટામિન ‘કે’ આપીને રુધિરઘટનના વિકારની સારવાર અપાય છે. યકૃતીય કારણોસર થયેલા કમળાના દર્દીને આરામ, શક્ય એટલાં ઓછાં ઔષધ, પુષ્કળ પ્રમાણમાં ખાંડ કે અન્ય શર્કરા અપાય છે. પિત્તસ્થાયી તથા અવરોધજન્ય કમળામાં ચરબીયુક્ત ખોરાક ન લેવાની સલાહ અપાય છે તથા ખૂજલી ઓછી કરવા ઍન્ટિહિસ્ટામિનિક ઔષધનો પ્રયોગ કરાય છે. યકૃતકોષીય નિષ્ફળતાને કારણે પ્રોટીનનો ઘટાડો થયો હોય અથવા જળોદર કે સોજાની તકલીફ થઈ હોય તો પ્રોટીનનું પ્રમાણ વધારાય છે. પરંતુ ‘કમળી’ અથવા કમળાજન્ય બેભાનઅવસ્થા (hepatic coma) થઈ હોય અથવા તેની શક્યતા હોય તો પ્રોટીન સદંતર બંધ કરાય છે. તેની ઘનિષ્ઠ સારવાર હૉસ્પિટલમાં આપવી જરૂરી બને છે.

વિષાણુજન્ય યકૃતશોથ : વિષાણુના ચેપથી થતો યકૃતનો શોથ. તેને ચેપી કમળાનો રોગ પણ કહે છે. તે બે પ્રકારનો છે – ઉગ્ર (acute) અને દીર્ઘકાલી (chronic). ઉગ્ર વિષાણુજન્ય યકૃતશોથ પાંચ પ્રકારના વિષાણુઓથી સમગ્ર શરીરને અને ખાસ કરીને યકૃતને અસર કરતો રોગ છે. તેમાંના બે વિષાણુ આંતરડા દ્વારા શરીરમાં પ્રવેશે છે : ‘એ’ પ્રકાર અને ‘ઈ’ પ્રકાર (‘ન-એ-ન-બી’ પ્રકાર). આંતરડા દ્વારા પ્રવેશના માર્ગને આંત્રીય માર્ગ (enteral route) કહે છે. અન્ય ત્રણ વિષાણુઓ લોહી દ્વારા કે શરીરની સપાટી પરના ઘા દ્વારા પ્રવેશે છે. આ પરાંત્રીય માર્ગ (parenteral route) વાપરતા વિષાણુઓના પ્રકારને ‘બી’, ‘ડી’ (ડેલ્ટા) તથા ‘સી’ પ્રકાર કહે છે. ‘એ’ પ્રકારનો વિષાણુ ક્યારેક પરાંત્રીય માર્ગે પણ પ્રવેશ પામે છે. કેટલાક ‘ન-એ-ન-બી’ પ્રકારના વિષાણુઓ પરાંત્રમાર્ગે પ્રવેશીને યકૃતશોથ કરે છે; દા.ત., સાયટોમેગેલો વિષાણુ, કોકસેકી-બી વિષાણુ તથા હર્પિસ વિષાણુ.

શરીરમાં આંત્રીય માર્ગે પ્રવેશ્યા પછી 15થી 45 દિવસમાં અથવા પરાંત્રીય માર્ગે પ્રવેશ્યા પછી 22થી 31 દિવસમાં ‘એ’ પ્રકારનો વિષાણુ યકૃતશોથનાં લક્ષણો ઉપજાવે છે. આ સમયગાળાને વિષાણુનો સંવર્ધનકાળ (incubation period) કહે છે. તે 27 નેનોમિટર વ્યાસવાળો, આવરણ વગરનો આંત્રવિષાણુ(enterovirus)ના બોંતેરમા જૂથનો RNA વિષાણુ છે. તે ઈથરમાં તેમજ 1 કલાક સુધી 60o તાપમાનવાળા વાતાવરણમાં જીવતો રહે છે. તે મુખ્યત્વે ટી-લસિકાકોષો (T-lymphocytes) દ્વારા પ્રતિરક્ષાલક્ષી પ્રક્રિયાઓ કરીને વિકાર સર્જે છે. તે સીધેસીધો યકૃતકોષોને ઈજા પહોંચાડતો નથી. ‘બી’ પ્રકારનો વિષાણુ શરીરમાં પ્રવેશ્યા પછી 40થી 180 દિવસે લક્ષણો ઉત્પન્ન કરે છે. તે 42 નેનોમિટર વ્યાસનો સંકુલ DNA વિષાણુ છે. તેનાં બે રૂપ છે : ચેપકારક ‘ડેન કણ’ (Dane particle) અને બિનચેપકારી ગોળાકાર અને નળાકાર સપાટી-સ્થિત પ્રતિજન (surface antigen) અને દર્દીના મેદઅણુઓ. ડેન કણ બે આવરણોવાળો તથા વળ ચઢેલાં બે સૂત્રોવાળો ગોળ DNAનો બનેલો છે. બહારના આવરણમાં સપાટીસ્થિત પ્રતિજન આવેલો છે, જેને HBsAg સંજ્ઞા વડે અથવા ઑસ્ટ્રેલિયા ઍન્ટિજન(પ્રતિજન)ના નામે ઓળખવામાં આવે છે. વિષાણુના મધ્યભાગમાં આવેલા દ્રવ્યને મધ્યદળ (core) કહે છે અને તેમાં HBcAg સંજ્ઞાથી ઓળખાતો એક પ્રતિજન તથા ડી.એન.એ.નો અણુ છે. યકૃતશોથના ‘બી’ વિષાણુનો માણસ કુદરતી આશ્રયદાતા જીવ (natural host) છે અને તેથી વિષાણુ જાતે માણસમાં કોઈ રોગ કરતા નથી. તેની હાજરીમાં HBcAg સામેની ટી-લસિકાકોષોની પ્રતિરક્ષાલક્ષી પ્રતિક્રિયાને કારણે યકૃતને ઈજા થાય છે. વિષાણુના મધ્યદળમાં દ્રાવ્ય પ્રોટીનનો બનેલો HBeAg પ્રતિજન પણ હોય છે. તે કણસ્વરૂપે હોતો નથી. તે વિષાણુની ચેપકારકતા (infectivity) સૂચવે છે. તેની ગેરહાજરી અથવા પ્રતિ-HBe પ્રતિદ્રવ્યની હાજરી ચેપ ફેલાવાની ઓછી શક્યતા છે એવું સૂચવે છે. HBcAgનું સ્થાન પ્રતિ-HBe લે ત્યારે રોગ મટી રહ્યો છે એવું સૂચન થાય છે. HBcAg શરીરમાં વર્ષો સુધી રહે છે અને તે પહેલાં થયેલા રોગની નિશાનીરૂપ ગણાય છે. તેની સાથે HBsAg હોય તો તે સક્રિય રોગનું સૂચન કરે છે. પ્રતિ-HBs રક્ષણ આપતું પ્રતિદ્રવ્ય છે અને તે રોગમુક્તિ તથા પ્રતિરક્ષા મળેલી છે એવું દર્શાવે છે. આકૃતિ 3માં યકૃતશોથના વિષાણુ ‘બી’ની રચના તથા ‘એ’ અને ‘બી’ પ્રકારના વિષાણુના પ્રતિજનો અને તેમની સામેનાં પ્રતિદ્રવ્યોનાં પ્રમાણ દર્શાવ્યાં છે. 50 % દર્દીઓમાં HBsAg દૂર થાય તેનાં થોડાં અઠવાડિયાંથી એક વર્ષના ગાળા પછી પ્રતિ-HBs જોવા મળે છે. આ સમયગાળાને ‘રિક્ત સમયગાળો’ (window period) કહે છે.

ડેલ્ટા વિષાણુ એકસૂત્રીય RNA વિષાણુ છે અને તે ‘બી’ પ્રકારના વિષાણુને સંલગ્ન છે અને તેની જ મદદથી ક્રિયાશીલ રહે છે. તેનો વ્યાસ 36 નેનોમિટર છે અને તે શરીરમાં પ્રવેશ્યા પછી 30થી 50 દિવસમાં રોગનાં લક્ષણો સર્જે છે. ‘સી’ પ્રકારનો વિષાણુ આવરણવાળો હોય છે અને RNAનું મધ્યદળ ધરાવે છે. તેની સામેનું પ્રતિદ્રવ્ય 1 વર્ષમાં બને છે અને તે પ્રતિ-C1003 કહેવાય છે. તેના પ્રતિજનને C1003 કહે છે. લોહી ચઢાવ્યા પછી થતો યકૃતશોથ મોટેભાગે તેને આભારી છે. ‘એ’ અને ‘બી’ પ્રકારના રુધિરરસીય નિર્દેશકો (serologic markers) દ્વારા તે દર્શાવી શકાતો ન હોવાથી તેને પરાંત્રીય માર્ગે ફેલાતો ‘ન-એ-ન-બી’ પ્રકારનો વિષાણુ પણ કહેવાતો હતો. આંત્રીય માર્ગે ફેલાઈને ભારતમાં રોગચાળો ફેલાવતો ‘ન-એ-ન-બી’ પ્રકારનો વિષાણુ ‘ઈ’ પ્રકારનો વિષાણુ ગણાય છે. શરીરમાં પ્રવેશ્યા પછી 2થી 9 અઠવાડિયે તેનાં લક્ષણો જોવા મળે છે. તે વિશેષ કરીને 15થી 40 વર્ષની ઉંમરની વ્યક્તિઓ અને સગર્ભા સ્ત્રીઓને રોગગ્રસ્ત કરે છે. તે આવરણ વગરનો ગોળ વિષાણુસમ કણ (virus-like particle, VLP) છે. તેના મધ્યદળમાં RNAનું એક સૂત્ર છે, જ્યારે તેની સપાટી પર કંટકો અને ખાડા (indentations) છે. તેનો વ્યાસ 32-34 નેનોમિટર હોય છે, જ્યારે તેનો VLPનો વ્યાસ 27થી 30 નેનોમિટર હોય છે. તેની કોઈ રુધિરજલીય કસોટીઓ વિકસી નથી. તેથી તેના ચેપનું નિદાન વિષાણુની અતિસૂક્ષ્મ સંરચના (ultrastructure) દર્શાવીને કરાય છે.

આકૃતિ 3 : યકૃતશોથનો ‘બી’ પ્રકારનો વિષાણુ તથા ‘એ’ અને ‘બી’ વિષાણુના પ્રતિજનો તથા તેમની સામેનાં પ્રતિદ્રવ્યોનું લોહીમાં પ્રમાણ : (અ) ‘બી’ પ્રકારનો વિષાણુ (ચિત્રાત્મક), (આ) ‘એ’ વિષાણુસંબંધિત પ્રતિજનો અને પ્રતિદ્રવ્યો, (ઈ) ‘બી’ વિષાણુસંબંધિત પ્રતિજનો અને પ્રતિદ્રવ્યો. નોંધ : આંકડા કદનું નેનોમિટરમાં માપ દર્શાવે છે. (ક) HBsAg પ્રતિજન, (ખ) HBeAg પ્રતિજન, (ગ) HBcAg પ્રતિજન, (ઘ) વિષાણુ ડી.એન.એ. આલેખમાં ગાઢી લીધી નિદાનસૂચકતા દર્શાવે છે, ટપકાંવાળી લીટી ચેપકારકતા દર્શાવે છે.

બધા જ વિષાણુઓથી યકૃતને થતી ઈજા એકસરખી હોય છે અને તે ટી-લસિકાકોષોની પ્રતિરક્ષાલક્ષી પ્રતિક્રિયાને આભારી હોય છે. ચેપ લાગ્યા પછી વિષાણુનો સંવર્ધનકાળ પૂરો થાય ત્યારે ખોરાક માટે અરુચિ, ઊબકા, ઊલટી, થાક, સ્નાયુ તથા સાંધામાં દુખાવો, પ્રકાશ-અસહિષ્ણુતા, કફ તથા શરદી વગેરે થાય છે. તેને પૂર્વલક્ષણો (prodrome) કહે છે. ‘એ’ તથા ‘ન-એ-ન-બી’ પ્રકારના ચેપમાં 38oથી 39o C જેટલો તાવ થાય છે, જ્યારે ‘બી’ પ્રકારના રોગમાં રસજન્ય વ્યાધિ (serum sickness) થાય છે. તે સમયે 40o C જેટલો તાવ થાય છે. કમળો દેખાય તે પહેલાં પેશાબ અને મળનો રંગ ગાઢો થાય છે. પૂર્વલક્ષણો શમી જાય પછી કમળો થયેલો જોવા મળે છે. યકૃત મોટું થાય છે અને પેટમાં જમણી-ઉપરની બાજુએ અડતાં દુખાવો થાય છે. ક્યારેક બરોળ અને લસિકાગ્રંથિઓની વૃદ્ધિ (100 %) જોવા મળે છે તથા પિત્તસ્થાયી કમળાનાં ચિહ્નો અને ખૂજલી થયેલી જોવા મળે છે. ભૂખ લાગવા માંડે તે સામાન્ય રીતે કમળો મટવાના તબક્કાની શરૂઆત સૂચવે છે. સામાન્યત: ‘એ’ અને ‘ઈ’ પ્રકારના ચેપથી થતો કમળો 1 કે 2 મહિને તથા ‘બી’ અને ‘સી’ પ્રકારના ચેપથી થતો કમળો અન્ય તકલીફો ઉદભવી ન હોય તો 3 કે 4 મહિને મટે છે. ‘બી’ પ્રકારના ઉગ્ર કે દીર્ઘકાલી ચેપજન્ય રોગની સાથે ડેલ્ટા-કણનો ચેપ લાગી શકે છે, જેને ‘બી’ પ્રકારના ચેપથી થતા રોગથી અલગ તારવવો મુશ્કેલ હોય છે. યકૃતશોથ દર્શાવતી કેટલીક પ્રયોગશાળાકીય કસોટીઓ છે. સીરમમાં ઍમિનો ટ્રાન્સફરેઝ(SGOT અથવા SAST અને SGPT અથવા SALT)ની સાંદ્રતા 400થી 4000 IU/મિલી. જેટલી વધે છે. કમળાની તીવ્રતા જાણવા સીરમ બિલીરુબિનનું પ્રમાણ જાણવું જરૂરી હોય છે. પિત્તસ્થાયી તબક્કામાં સીરમમાં ઍલ્કલાઇન ફૉસ્ફેટેઝનું પ્રમાણ વધે છે. પ્રોથૉમ્બિન-સમય જાણવાથી યકૃતના કાર્યમાં થયેલો વિક્ષેપ જાણી શકાય છે. આકૃતિ 1માં પ્રતિજન અને પ્રતિદ્રવ્યોના સ્તર દર્શાવ્યા છે, જે નિદાન તથા ચેપકારિતા સૂચવે છે.

તંદુરસ્ત વ્યક્તિમાં ‘એ’ પ્રકારનો ચેપ સંપૂર્ણપણે મટે છે, જ્યારે ‘બી’ પ્રકારનો ચેપ 90 % કિસ્સામાં મટે છે. મોટી ઉંમર, પાંડુતા, હૃદયની દીર્ઘકાલી નિષ્ફળતા, મધુપ્રમેહ વગેરે કારણોથી યકૃતશોથ અને કમળાના રોગનો સમય લંબાય છે. લોહી ચઢાવ્યા પછી થતો ‘સી’ પ્રકારનો કમળો ઓછો તીવ્ર હોય છે. ‘બી’ તથા ‘ડેલ્ટા’નો એકસાથે ચેપ લાગે તોપણ માંદગીની તીવ્રતા વધતી નથી. ક્યારેક વિવિધ પ્રકારની આનુષંગિક તકલીફો થાય છે; જેમ કે પુનરાવર્તી (relapsing) યકૃતશોથ, પિત્તસ્થાયી કમળો, અતિઉગ્ર (fulminant) યકૃતશોથ, દીર્ઘકાલી સતત સ્થિર યકૃતશોથ (chronic persistant hepatitis) અને દીર્ઘકાલી સક્રિય (active) અથવા આક્રમક (aggressive) યકૃતશોથ તથા ક્યારેક યકૃત સિવાયના અવયવોમાં થતા સહવિકારો. જો HBsAg શરીરમાં લાંબા ગાળા માટે ટકી રહે તો યકૃતકાઠિન્ય (cirrhosis) અને યકૃતકૅન્સર થાય છે. અતિઉગ્ર યકૃતશોથના દર્દીમાં યકૃતકોષનાશ (hepatic necrosis) થાય છે અને આ પ્રકારના રોગનો દર્દી કમળો જોવા મળે તે પછી ટૂંક સમયમાં ચેતાવિકારનો ભોગ બને છે તથા બેભાન થઈ જાય છે. કમળાજન્ય બેભાન-અવસ્થાને ‘કમળી’ (hepatic coma) કહે છે, તે ઘણી વખત મૃત્યુ નિપજાવે છે. ‘બી’ તથા ‘ન-એ-ન-બી’ પ્રકારના ચેપ પછી થતા અને 6 મહિનાથી વધુ રહેતા કમળાને દીર્ઘકાલી કમળો કહે છે. તેમાં યકૃતકોષની નિષ્ફળતા જોવા મળે તો તેને દીર્ઘકાલી સક્રિય યકૃતશોથ કહે છે. આ પ્રકારના દીર્ઘકાલી યકૃતશોથમાં સમય જતાં યકૃતકાઠિન્ય તથા મૃત્યુ થાય છે.

ઉગ્ર વિષાણુજન્ય યકૃતશોથ તથા તેમાંથી થતા કમળાની કોઈ વિશિષ્ટ સારવાર નથી. તીવ્ર વિકાર હોય તો હૉસ્પિટલમાં દાખલ કરવાની સૂચના અપાય છે. પ્રારંભિક સારવારના મુખ્ય સિદ્ધાંતો આ છે – શારીરિક આરામ, પુષ્કળ પ્રમાણમાં શર્કરાયુક્ત ગળ્યો ખોરાક તથા નહિવત્ ઔષધ-ચિકિત્સા. પિત્તસ્થાયી કમળામાં થતી ખૂજલી ઓછી કરવા કોલેસ્ટેરેમાઇન અપાય છે. કોર્ટિકોસ્ટીરૉઇડ આ તબક્કે ઉપયોગી નથી તથા તેને જોખમી ગણવામાં આવે છે. ‘એ’ અને ‘ઈ’ પ્રકારના ચેપમાં ઝાડા વાટે તથા ‘બી’ અને ‘સી’ પ્રકારના ચેપમાં લોહી વાટે ચેપ ફેલાતો હોવાથી તેમનો સંસર્ગ ન થાય તે જોવાય છે. કમળીના તબક્કામાં પ્રવેશતા કે પ્રવેશેલા દર્દીને બસ્તી, ઍન્ટિબાયૉટિક, લેક્યુલૉઝ, લીવોડોપા, નસ વાટે ગ્લુકોઝ, વિટામિન ‘કે’ તથા લોહીની ઊલટી રોકવા પ્રત્યામ્લો (antacids), સાવચેતીપૂર્વક હિસ્ટામિનરોધકો વગેરે અપાય છે. નાક-જઠરનળી દ્વારા પેટમાં વહેતું લોહી કાઢી લેવાય છે. લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી ન જાય તેનું ખાસ ધ્યાન રખાય છે. ‘બી’ પ્રકારનો ચેપ રોકવા માટે રસી ઉપલબ્ધ થયેલી છે તે ‘બી’ તથા ‘ડેલ્ટા’ પ્રકાર સામે રક્ષણ આપે છે. લગભગ દરેક પ્રકારના પ્રતિરક્ષાલક્ષી ગ્લૉબ્યુલિનની બજારમાં ઉપલબ્ધ બનાવટોમાં વત્તેઓછે અંશે ‘એ’ પ્રકારના ચેપ સામે રક્ષણ આપવાની ક્ષમતા છે. ‘એ’ પ્રકારના ચેપ સામેની રસી વિકસાવવાનું સંશોધન હાલ ચાલી રહ્યું છે.

શિલીન નં. શુક્લ

નવીન કે. પરીખ

અનિતા ભાદુરી