કમળ : દ્વિદળી વર્ગમાં આવેલા નિમ્ફિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Nelumbo nucifera Gaertn. syn. Nelumbium nelumbo Druce; N. speciosum Willd. (સં. કમલ, પદ્મ, પંકજ, અંબુજ; હિ., બં, મ. કમલ, પદ્મ; ગુ. કમળ; તે. કલુંગ; તા. અંબલ; મલા. થામારા; અં. લોટસ) છે. આ પ્રજાતિ (Nelumbo) એશિયા, ઑસ્ટ્રેલિયા અને અમેરિકામાં વિતરણ પામેલી છે અને જલજ શાકીય સ્વરૂપ ધરાવે છે. ભારતમાં તેની એક જ જાતિ થાય છે. તેના સહસભ્યોમાં ઢાલકમળ, પદ્મકમળ, નીલકમળ, કુંભકમળ અને પોયણાંનો સમાવેશ થાય છે.

કમળ : (અ) છોડ, (આ) કમળકાકડી

કમળ સુંદર જલજ શાકીય વનસ્પતિ છે અને મજબૂત તથા વિસર્પી (creeping) ગાંઠામૂળી ધરાવે છે. તેનું સમગ્ર ભારતમાં 1800 મી.ની ઊંચાઈ સુધી વિતરણ થયેલું છે.

પર્ણો છત્રાકાર (peltate), 60 સેમી.થી 90 સેમી. કે તેથી વધારે વ્યાસ ધરાવતાં, વર્તુળાકાર (orbicular) અને નીલાભ (glaucous) હોય છે. પર્ણદંડ ખૂબ લાંબા, લીસા કે નાની છાલશૂળ(prickles)વાળા હોય છે. પુષ્પ એકાકી (solitary), મોટું, સફેદ કે ગુલાબી હોય છે. પુષ્પદંડો પાણીના સમતલથી ઊંચે વિકાસ સાધે છે. વજ્ર ચાર નાનાં મુક્ત શીઘ્રપાતી (caducous) વજ્રપત્રોનું બનેલું હોય છે. દલપુંજ અનેક, મુક્ત બહુચક્રીય દલપત્રોનો બનેલો; દલપત્રો શીઘ્રપાતી ઉપવલયી, કુંઠાગ્ર (obtuse), અસમાન અને શિરાઓવાળાં હોય છે. પુંકેસરો અસંખ્ય હોય છે. પુષ્પાસન માંસલ અને ભમરડા-આકારનું હોય છે. તેની ઉપરની સપાટી ચપટી હોય છે. બીજાશયો અસંખ્ય, મુક્ત અને પુષ્પાસનમાં ખૂંપેલાં હોય છે. અંડક એક, લટકતું અને અધોમુખી (anatropous) હોય છે. પરાગવાહિની ખૂબ ટૂંકી હોય છે. ફળ-ચર્મ સમૂહફળ (etaerio of achenes) પ્રકારનું હોય છે. તેના બીજને કમળકાકડી કહે છે. પુષ્પો અત્યંત સુંદર અને સુગંધયુક્ત હોય છે. બીજ બે મોટાં સફેદ બીજપત્રો ધરાવે છે, જેમની વચ્ચે લીલા રંગનો ભ્રૂણાગ્ર (plumule) આવેલો હોય છે. ભ્રૂણાગ્ર ભ્રૂણપોષ-(endosperm)ના પાતળા આવરણ વડે ઘેરાયેલો હોય છે.

કમળ ચીન, જાપાન અને ભારતની મૂલનિવાસી વનસ્પતિ છે. જાપાનમાં તેની ઘણી જાતો વિકસાવવામાં આવી છે. તેનાં પુષ્પો સફેદથી માંડી ઘેરા લાલ રંગનાં હોય છે. ચીન અને જાપાનમાં તેની ગાંઠામૂળી અને બીજ માટે વેદિકાકૃષિ (terrace cultivation) થાય છે. પ્રસર્જન મુખ્યત્વે ગાંઠામૂળી દ્વારા કરવામાં આવે છે. બીજ દ્વારા પણ તેનું પ્રસર્જન કરાય છે. ગાંઠામૂળીના કલિકા સહિત નાના ટુકડાઓ કરી માર્ચ-એપ્રિલમાં મૃદાની સપાટી પર વાવવામાં આવે છે. તે દરમિયાન ઑક્ટોબર સુધી તળાવમાં પાણી રહે તેની કાળજી રાખવામાં આવે છે. બીજ દ્વારા તેનું પ્રસર્જન કરવાનું હોય તો આશરે 10 કિગ્રા.થી 12 કિગ્રા. બીજ પ્રતિ હેક્ટર વાવવામાં આવે છે, જેથી પૂરતી સંખ્યામાં રોપા મેળવી શકાય. પુષ્પનિર્માણ ઉનાળા અને ચોમાસા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં થાય છે. ચોમાસાને અંતે બીજ પાકે છે. ઑક્ટોબરમાં ગાંઠામૂળીઓ તૈયાર થાય છે. તેનું ઉત્પાદન 3400 કિગ્રા.થી 4600 કિગ્રા. પ્રતિ હેક્ટર મળે છે. તે 60 સેમી.-120 સેમી. લંબાઈ અને 6 સેમી.-9 સેમી. વ્યાસ ધરાવે છે અને સફેદથી માંડી નારંગી રંગની હોય છે. તેના આડા છેદમાં થોડાંક મોટાં કોટરોની ફરતે નાનાં કોટરો જોવા મળે છે. તે માંસલ હોય છે અને તેને કાપતાં શ્લેષ્મી રસનો સ્રાવ થાય છે. તે કેટલેક અંશે રેસામય હોય છે. તાજી ગાંઠામૂળી ભૂંજીને ખવાય છે. તેનાં સૂકાં પતીકાં કઢીમાં નાખવામાં આવે છે અથવા ગાંઠામૂળીની કાતળી બનાવાય છે. તેનું અથાણું પણ બનાવાય છે. તેને અન્ય ખાદ્ય પદાર્થમાં એક ઘટક તરીકે ઉમેરવામાં આવે છે. તાજી ગાંઠામૂળીનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 83.80 %, અશુદ્ધ પ્રોટીન 2.70 %, લિપિડ 0.11 %, રિડ્યુસિંગ શર્કરા 1.56 %, સુક્રોઝ 0.41 %, સ્ટાર્ચ 9.25 %, રેસો 0.80 %, ભસ્મ 1.10 % અને કૅલ્શિયમ 0.06 %. તેમાં વિટામિનનું પ્રમાણ (મિગ્રા./100 ગ્રા.) નીચે મુજબ છે : થાયેમિન 0.22, રિબોફ્લેવિન 0.06, નાયેસિન 2.1 અને ઍસ્કોર્બિક ઍસિડ 15.0 ગાંઠામૂળી ઍસ્પર્જિન (2 %) નામનો ઍમિનોઍસિડ ધરાવે છે.

કમળકાકડી ગોળ, અંડાકાર કે લંબચોરસ, સખત અને ઘેરા બદામી રંગની હોય છે. આ બીજ લગભગ બે હજાર વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં રહીને ઊગ્યાં હોય તેવી આધારભૂત માહિતી છે. તેનું બહારનું આવરણ અને ભ્રૂણ કાઢીને તે ખવાય છે. ભ્રૂણ ખૂબ કડવો હોય છે. તે મીઠી અને સ્વાદિષ્ટ હોય છે અને કાચી, ભૂંજીને કે બાફીને ખવાય છે. સૂકી કમળકાકડીનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 10 %, પ્રોટીન 17.2 %, લિપિડ 2.4 %, કાર્બોદિતો 66.6 %, રેસો 2.6 % અને ભસ્મ 3.8 %; કૅલ્શિયમ 136 મિગ્રા., ફૉસ્ફરસ 294 મિગ્રા. અને લોહ 2.3 મિગ્રા./100 ગ્રામ. તે સુક્રોઝ (4.1 %), રિડ્યુસિંગ શર્કરાઓ (2.4 %) અને ઍસ્કોર્બિક ઍસિડ ધરાવે છે. આમ તેમનું પોષણમૂલ્ય ધાન્ય કરતાં પણ વધારે ઊંચું હોય છે.

પર્ણો, બીજ અને ગાંઠામૂળીમાં ઍલ્કેલૉઇડ હોય છે. પર્ણોમાં ન્યુસિફેરિન (5, 6 – ડાઇમિથૉક્સિ એપૉર્ફિન, C19H21O2N), રોઇમરિન અને નોનન્યુસિફેરિન (C18H19O2N) નામનાં ત્રણ ઍલ્કલૉઇડ હોય છે. નિલમ્બિન નામનું ઍલ્કલૉઇડ પર્ણદંડ, પુષ્પદંડ અને ભ્રૂણમાંથી મેળવવામાં આવ્યું છે, જે હૃદ્-વિષ તરીકે કાર્ય કરે છે.

કમળનાં પુષ્પો અત્યંત સુંદર હોય છે અને મંદિરોમાં ચઢાવાય છે. તેનો પહેલાં અત્તર બનાવવામાં ઉપયોગ થતો હતો અને તેનું અંતર ઘણું કીમતી ગણાતું હતું. હાલમાં કમળનું અત્તર પેચૂલી, બેન્ઝોઇન અને ફિનિલઇથાઇલયુક્ત સ્ટોરેક્ય અને સિન્નેમિક આલ્કોહૉલ સાથે મિશ્ર કરવામાં આવે છે. કમળનાં પુષ્પોમાંથી મધમાખીઓ દ્વારા તૈયાર થયેલું મધ બલ્ય હોય છે અને આંખની તકલીફોમાં વપરાય છે.

કમળની ગાંઠામૂળી માત્ર પોષણમૂલ્ય ધરાવે છે; તેટલું જ નહિ, પરંતુ તે બલ્ય (tonic) તરીકે કાર્ય કરે છે. બાળકોને અતિસાર (diarrhoea), મરડો અને અર્જીણ(dyspesia)માં આપવામાં આવે છે. ગાંઠામૂળીનો મલમ દાદર અને અન્ય ચર્મરોગો – દાહ અને રક્તપિત્તમાં ઉપયોગી છે. તેનાં બીજ શામક (demulcent) અને પોષક હોય છે અને ઊલટી રોકવા વપરાય છે. વનસ્પતિનું શરબત શીતળામાં ઠંડક આપે છે અને વિસ્ફોટ (eruption) અટકાવે છે. પર્ણ અને પુષ્પદંડોનો ઘટ્ટ ક્ષીરરસ અતિસારમાં ઉપયોગી છે. પ્રકાંડ, પર્ણ અને પુષ્પના લવણીય નિષ્કર્ષ ગ્રામ-ધનાત્મક અને ગ્રામ-ઋણાત્મક બૅક્ટેરિયાનો નાશ કરે છે.

આયુર્વેદ અનુસાર કમળ પૌષ્ટિક, સુગંધિત, શીત, બલ્ય, શુક્લ, પરમ ગર્ભરક્ષક, દાહશામક, હૃદબળવર્ધક, હૃદરક્તસંગ્રાહી, મૂત્રલ, મૂત્રવિરંજનીય (મૂત્રનો રંગ સુધારનાર), ગ્રાહી સ્વાદુ, ભ્રાંતિહારક, તાપનાશક, વર્ણકર અને તૃપ્તિકર હોય છે. તે રક્તપિત્ત, શ્રમ, કફ, પિત્ત, તૃષા, દાહ, વિસ્ફોટક, રક્તદોષ, વિસર્પ અને વિષનો નાશ કરે છે. તેનો ઉપયોગ ગુદભ્રંશ, શરીરમાં થયેલી સર્વ પ્રકારની ગરમી દૂર કરવા તથા ધાત પડતી હોય તો તેમાં તથા તણખિયા અને ઠંડા પ્રમેહ પર અને પિત્તજ્વરમાં થાય છે.

કમળ લક્ષ્મીનો વાસ મનાય છે. સંસ્કૃત સાહિત્યમાં તેનું સુંદર વર્ણન મળી આવે છે. વળી કમળ પાણી-કાદવમાં ઊગવા છતાં તેનાથી અલિપ્ત રહે છે, જેથી સંસારમાં આસક્તિ વગર જીવનારને ‘જલકમલ’વત્ જીવનાર તરીકે ઓળખવામાં આવે છે.

શોભન વસાણી

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ