કમલેશ્વર (જ. 6 જાન્યુઆરી 1932, મૈનપુરી, ઉ.પ્ર.) : હિંદીમાં વાર્તાઓ, નવલકથાઓ, સમીક્ષા, પ્રવાસકથા તથા નાટક અને સંસ્મરણોના લેખક અને સંપાદક. અભ્યાસ એમ.એ., ઇલાહાબાદ વિશ્વવિદ્યાલય. તેમણે સાત નવલિકાસંગ્રહો અને આઠ નવલકથાઓ લખી છે.

સમીક્ષક તરીકે 1966 સુધીમાં પ્રકાશિત થયેલી વાર્તાઓનું ‘નયી કહાની કી ભૂમિકા’માં વિવેચન કર્યું છે. સામયિક ‘સારિકા’માં પણ ‘મેરા પન્ના’માં તેમણે સંપાદક તરીકે હિન્દી ‘નયી કહાની’ની સતત વિવેચના કરેલી. ‘ચારુલતા’, ‘અધૂરી આવાજ’ અને ‘કમલેશ્ર્વર કે બાલનાટક’ તેમની નાટ્યરચનાઓ છે. ‘ખંડિત યાત્રાએં’ નામે તેમની પ્રવાસકથા પણ પ્રકાશિત થઈ છે. ‘અપની નિગાહ મેં’માં તેમનાં સંસ્મરણો છે. આ ઉપરાંત ‘મેરા હમદમ : મેરા દોસ્ત’, ‘સમાંતર-1’ અને ‘ગર્દિશ કે દિન’ના તેઓ સંપાદક છે. કમલેશ્વર ‘કહાની’, ‘સંકેત’, ‘ઇંગિત’, ‘નયી કહાનિયાં’ અને ‘સારિકા’ જેવી પત્રિકાઓના સંપાદક રહ્યા હતા.

તેમણે લખેલી 75 વાર્તાઓમાંથી ‘દેવા કી માં’, ‘રાજા નિરબસિયા’, ‘ખોઈ હુઈ દિશાએં’, ‘જ્યૉર્જ પંચમ કી નાક’, ‘તલાશ’, ‘માંસ કા દરિયા’, ‘નીલી ઝીલ’, ‘જોખિમ’, ‘રાતેં’, ‘માન સરોવર કે હંસ’ અને ‘ઇતને અચ્છે દિન’ સર્વશ્રેષ્ઠ છે. તેમણે ‘સારિકા’ના વિશ્વની પ્રસિદ્ધ વાર્તાઓના વિશેષાંક પ્રકાશિત કરેલા છે. તે ‘નયી કહાની’ના અને સમાંતરલેખન આંદોલનના મુખ્ય પ્રવર્તક ગણાય છે. તેમની નવલકથા ‘કિતને પાકિસ્તાન’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હીનો વર્ષ 2002નો પુરસ્કાર મળ્યો છે.

વાસુદેવ યાજ્ઞિક