કમલાકર ભટ્ટ (સત્તરમી શતાબ્દી પૂર્વાર્ધ) : સંસ્કૃતના બહુશ્રુત વિદ્વાન આચાર્ય. પ્રસિદ્ધ ભટ્ટ કુલના નારાયણ ભટ્ટના પૌત્ર. પિતાનું નામ રામકૃષ્ણ ભટ્ટ. તર્ક, ન્યાય, મીમાંસા, વેદાન્ત, સાહિત્યશાસ્ત્ર, વ્યાકરણ, ધર્મશાસ્ત્ર અને વૈદિક કર્મકાંડના મર્મજ્ઞ વિદ્વાન. એમના પ્રસિદ્ધ ‘વિવાદતાણ્ડવ’ ગ્રન્થમાં પોતે 20-22 ગ્રન્થો રચ્યાનું જણાવ્યું છે. કુમારિલ ભટ્ટના ‘શાસ્ત્રતત્વ’ પરના વાર્તિક ઉપર ‘નિર્ણયસિન્ધુ’ નામે ભાષ્ય લખ્યાનું પણ તેમાં જણાવ્યું છે. એમણે રચેલા વિવિધ વિષયોના ગ્રન્થોમાં ‘નિર્ણયસિન્ધુ’, ‘દાનકમલાકર’, ‘શાન્તિરત્ન’, ‘પૂર્તકમલાકર’, ‘વ્રતકમલાકર’, ‘પ્રાયશ્ચિત્તરત્ન’, ‘વિવાદતાણ્ડવ’, ‘બહવૃચ આહ્નિક’, ‘ગૌત્રપ્રવરદર્પણ’, ‘કર્મવિપાકરત્ન’, ‘શૂદ્રકમલાકર’ અને ‘સર્વતીર્થ-વિધિ’ – એ બાર ગ્રન્થો ધર્મશાસ્ત્રવિષયક છે. મમ્મટાચાર્યના ‘કાવ્યપ્રકાશ’ પર પણ એમણે ટીકા લખી છે. ‘બહવૃચ આહ્નિક’ ઉપરથી એ ઋગ્વેદી હોવાનું અનુમાન થાય છે. ‘નિર્ણયસિન્ધુ’ (1612) એમનો પ્રસિદ્ધ ધર્મશાસ્ત્રવિષયક પ્રમાણભૂત શ્રદ્ધેય ગ્રન્થ છે. એકસો જેટલી સ્મૃતિઓ અને ત્રણસો જેટલા ધર્મવિષયક નિબન્ધ-ગ્રન્થોનું દોહન કરી તેમણે ‘નિર્ણયસિન્ધુ’ની રચના કરી છે. ‘નિર્ણયસિન્ધુ’માં તેમણે ધર્મકર્મ માટેના પંચાંગશુદ્ધ સમયની ઝીણવટભરી ચર્ચા કરી છે. વ્રતો, સંસ્કારો, દેવપ્રતિષ્ઠા, શ્રાદ્ધ, આશૌચ, સંન્યાસ આદિ વિષયોની વિશદ ચર્ચા પણ અહીં કરી છે.
ભગવતીપ્રસાદ પંડ્યા