કમરખ : દ્વિદળી વર્ગમાં આવેલા ઑક્સેલિડેસી (હાલમાં એવેરહોએસી) કુળનું એક શોભન-વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Averrhoa carambola Linn. (સં. કર્માર, કર્મરંગ; મ. કર્મર; હિં. કમરખ, બં. કામરંગ; ગુ. કમરખ, તમરક, કમક; અં. કૅરમ્બોલા ટ્રી, સ્ટાર ફ્રૂટ) છે. તે 7.5 મી.થી 10 મી. ઊંચું વૃક્ષ છે. તેની શાખાઓ ઢળતી હોય છે, અને ભારતના ઉષ્ણ પ્રદેશોમાં તેના ખાદ્ય ફળો માટે અને ઉદ્યાનોમાં શોભાની વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. પર્ણો સ્પર્શવાથી ઉત્તેજના અનુભવાય છે. તેનાં પર્ણો એકાંતરિક અને અયુગ્મ એકપીંછાકાર (imparipinnate) સંયુક્ત પ્રકારનાં હોય છે. પ્રત્યેક પર્ણ 5-11 પર્ણિકાઓ ધરાવે છે. પર્ણિકાઓ અંડ-લંબચોરસ (ovate-oblong), અણીદાર (acuminate) અને અખંડિત હોય છે. તેમનો તલભાગ તિર્યકી (oblique) હોય છે. પર્ણદંડ ટૂંકો અને મજબૂત હોય છે. પુષ્પો સફેદ કે જાંબલી અને ટૂંકી કક્ષીય કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે અથવા તેઓ જૂના પ્રકાંડ પર ઉત્પન્ન થાય છે. ફળ અનષ્ઠિલ (berry) પ્રકારનું, લગભગ 7.5 સેમી. લાંબું, અંડાકાર, લંબચોરસ કે ઉપવલયી (ellipsoid) હોય છે. તેના આડા છેદમાં તે તારાકાર દેખાય છે. તેના ખૂણાઓ ધારદાર હોય છે અને 3થી 5 ખાંચો ધરાવે છે. પાકેલાં ફળ પીળા રંગનાં હોય છે, અને 810 બીજ ધરાવે છે. બીજ બીજચોલયુક્ત (arillate), પીળાં કે આછાં બદામી, ચળકતાં, ચપટાં અને લગભગ 1.2 સેમી. લાંબાં હોય છે.

આ વૃક્ષ મોલુક્કાસ(ઇંડોનેશિયા)નું મૂલનિવાસી છે, છતાં ભારતમાં ખાસ કરીને કેરળમાં ઘણા સમયથી જોવા મળે છે. તેની જરૂરિયાતો ઉષ્ણકટિબંધીય છે અને ઉષ્ણ તથા ભેજવાળી આબોહવા અનુકૂળ છે. તે સારા નિતારવાળી કોઈ પણ પ્રકારની મૃદામાં થાય છે. ફળદ્રૂપ મૃદામાં તેની વૃદ્ધિ વધારે સારી થાય છે અને ઉત્પાદન પણ વધારે આપે છે. તે રેતાળથી માંડી ચીકણી માટીવાળી મૃદામાં સફળતાપૂર્વક ઊગી શકે છે. કૅલ્શિયમયુક્ત મૃદામાં ઊગતા કમરખને તેની સામાન્ય વૃદ્ધિ થઈ શકે તે માટે ઝિંકનો છંટકાવ કરવો જરૂરી છે. ધુમ્મસરહિત પ્રદેશોમાં અને 1200 મી.ની ઊંચાઈ સુધીની ટેકરીઓના નીચેના ઢોળાવો પર થાય છે. આ વૃક્ષ નીચું તાપમાન સહન કરી શકતું નથી.

કમરખ પ્રસર્જન બીજ દ્વારા કરવામાં આવે છે. તાજાં બીજ જ વાવેતરમાં ઉપયોગમાં લેવાય છે, કારણ કે તેઓ તેમની જીવનશક્તિ ગુમાવવાનું વલણ ધરાવે છે. બીજ દ્વારા વિકાસ પામતાં વૃક્ષ પાંચ વર્ષમાં ફળ આપે છે; જ્યારે આરોપણ (grafting), દાબ (layering) કે કલિકારોપણ (budding) દ્વારા વિકસતી વનસ્પતિ દસ માસમાં ફળ આપે છે. આ વૃક્ષને છાંટણી(pruning)ની કોઈ જરૂરિયાત હોતી નથી, કેમકે તે કુદરતી રીતે સમમિત (symmetrical) હોય છે. જો કે વિરલન (thinning) ઇચ્છનીય છે, કારણ કે તેની અંદરની શાખાઓ સુકાતી હોય છે. ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં સમગ્ર વર્ષ દરમિયાન તે પુષ્પનિર્માણ કરે છે, પરંતુ ઉત્તર ભારતમાં તેનું પુષ્પનિર્માણ શિયાળા દરમિયાન થાય છે. પુષ્પનિર્માણ ચોમાસામાં અને શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં થાય છે, પરંતુ ફળનો બેસારો ચોમાસા પછી વધારે સારો થાય છે.

સારણી : કમરખના ફળનું રાસાયણિક બંધારણ

રાસાયણિક દ્રવ્ય હૈદરાબાદ ફિલિપાઇન્સ
ખાદ્ય દ્રવ્ય 86 %
ભેજ, ગ્રા. 91.1 90.0
પ્રોટીન, ગ્રા. 0.7 0.4
ચરબી, ગ્રા. 0.1 0.7
રેસો, ગ્રા. 0.8 0.9
અન્ય કાર્બોદિતો, ગ્રા. 6.1 7.7
ખનિજો, ગ્રા. 0.4 0.3
કૅલ્શિયમ, મિગ્રા. 4.0 7.0
ફૉસ્ફરસ, મિગ્રા. 11.0 16.0
લોહ, મિગ્રા. 1.0
કેરોટિન 45.00 (I.U.)
થાયેમિન, મિગ્રા. 0.03
રિબોફ્લેવિન, મિગ્રા. 0.02
નાયેસિન, મિગ્રા. 0.3
વિટામિન ‘સી’, મિગ્રા. 23.0 35.0
કૅલરીમૂલ્ય કિ.કૅલરી 28.0 38.0

કમરખની મીઠી અને ખાટી એમ બે જાતો થાય છે. ભારતની જાતોમાં ઍસિડ-દ્રવ્ય વધારે પ્રમાણમાં થાય છે. મીઠી જાતો મુખ્યત્વે ચીનમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં થતી મીઠી જાતોના ફળ સ્વાદે ફિક્કાં હોય છે. ખાટી જાત દક્ષિણ ભારતમાં ખૂબ જાણીતી છે અને રાંધવામાં આમલીની અવેજીમાં વાપરવામાં આવે છે. મીઠી જાતનાં ફળ વધારે નાનાં અને પાકે ત્યારે પણ ઘેરા લીલા રંગનાં હોય છે, જ્યારે ખાટી જાતનાં ફળ પીળા રંગનાં હોય છે. જિબ્રેલિક ઍસિડ(10 પી. પી. એમ.)ના છંટકાવથી ફળનિર્માણમાં વધારો થાય છે. દર વર્ષે એક વૃક્ષ 50થી 100 કિગ્રા. ફળ આપે છે. દક્ષિણ ભારતમાં સૌથી વધારે ઉત્પાદન જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં અને સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં, જ્યારે ઉત્તર ભારતમાં શિયાળામાં કે વસંતઋતુમાં ફળ પાકે છે.

કમરખને પોચા સડાનો રોગ Botryodiplodia therobromae અને Phomopsis spp. દ્વારા થાય છે. કાલવ્રણ (anthracnose) Colletotrichum gloeosporioides દ્વારા થાય છે. Trichothecium roseum ફળને ચેપ લગાડી ઘેરાં બદામી ટપકાં ઉત્પન્ન કરે છે, જે પછીથી પોચા કાળા સડામાં ફેરવાય છે અને આખું ફળ રંગહીન બને છે. Alternaria tenuis દ્વારા ફળ પર મોટાં બદામી ટપકાં અને Cladosporium herbarum દ્વારા લીલા કે કાળા ગોળાકાર વ્રણ ઉત્પન્ન થાય છે. Diacrotricha fasciolaની ઇયળો પર્ણો અને પુષ્પોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જ્યારે Schistoceraca gregaria કમરખનાં પાન ખાઈ જાય છે.

કમરખના ફળના હૈદરાબાદ અને ફિલિપાઇન્સના નમૂનાઓનું રાસાયણિક વિશ્લેષણ સારણીમાં આપવામાં આવ્યું છે.

ફળમાં લોહતત્વ સારા પ્રમાણમાં હોય છે; છતાં તેમાં કૅલ્શિયમ ખૂબ ઓછું હોય છે. તે ઑક્ઝેલિક ઍસિડ અને પોટૅશિયમ ઑક્ઝેલેટ ધરાવે છે. તેમાં ઍસ્કોર્બિક ઍસિડનું પ્રમાણ 0.3-23.0 મિગ્રા./100 ગ્રા. જેટલું હોય છે. તેમાં ગ્લુકોઝ (1.63 %) અને ફ્રુક્ટોઝ (1.15 %) ખૂબ અલ્પ પ્રમાણમાં સુક્રોઝ નામની શર્કરાઓ હોય છે.

કમરખની મીઠી અને ખાટી જાતના ફળના રસમાં અનુક્રમે કુલ દ્રાવ્ય પદાર્થ 66.0 %, 66.7 %; ઍસિડિટી (નિર્જલીય સાઇટ્રિક ઍસિડ) 0.41 %, 1.01 %; pH 3.25, 1.93; અને ઍસ્કોર્બિક ઍસિડ 10.4 મિગ્રા., 15.4 મિગ્રા./100 ગ્રા. હોય છે. ફળમાં રહેલી ઍસિડિટી ઑક્ઝેલિક ઍસિડને કારણે હોય છે. કાચા ફળમાં તેનું પ્રમાણ 1.0 % જેટલું હોય છે. સૂકા ફળમાં ઑક્ઝેલિક ઍસિડ 397 મિગ્રા. અને કૅલ્શિયમ 58 મિગ્રા./100 ગ્રા. હોય છે. મોટી ખાટી જાતનો ઉપયોગ તાજગી આપતાં પીણાં, જેલી, મુરબ્બો, અથાણાં અને મીઠાઈ બનાવવામાં થાય છે. કાચા ફળનો ગર લિનનને લોખંડને કારણે લાગેલા ગેરુ રંગના ડાઘ દૂર કરવામાં વપરાય છે. પુષ્પોનું અથાણું કે કચુંબર બનાવી શકાય છે.

કમરખના બધા ભાગો ઔષધ તરીકે ઉપયોગી છે. મૂળનો વિષ-નિવારક (antidote) તરીકે ઉપયોગ થાય છે. વાટેલાં પર્ણો કે પ્રરોહો શીતળા, દાદર અને ખૂજલી પર અને માથાના દુ:ખાવા પર લગાડવામાં તે પ્રતિસ્કર્વી (antiscorbutic) તરીકે કાર્ય કરે છે. પર્ણનો કાઢો એપથા (aphtha), હૃદ્-શૂલ (angina) અને ઊલટી અટકાવવા વપરાય છે. પુષ્પો કૃમિનાશક (vermicidal) ગણાય છે. ફળો રેચક, પ્રતિસ્કર્વી, જ્વરઘ્ન (feberifuge), મરડો મટાડનાર અને શોથરોધી (antiphlogistic) છે. ફળનો રસ દૂઝતા હરસની ચિકિત્સામાં ઉપયોગી છે. તે તૃષા છિપાવે છે અને તાવની ઉત્તેજના મટાડે છે. તે યકૃતશોથમાં આપવામાં આવે છે. તેનાં બીજ દૂધનો સ્રાવ વધારે છે અને આર્તવજનક (emmenagogue) અને ગર્ભપાતમાં ઉપયોગી છે. તે સામાન્યત: આસવ, કાઢા કે ટિંક્ચર સ્વરૂપે આપવામાં આવે છે. તે માદક (intoxicating) અને વમનકારી (emetic) ગુણધર્મો ધરાવે છે અને દમ, શોથ અને કમળામાં વપરાય છે.

આયુર્વેદ અનુસાર, લીલાં કમરખ ખાટાં, ઉષ્ણ, વાતનાશક અને પિત્તકારક હોય છે; જ્યારે પાકાં કમરખ મધુર, ખાટાં, બળકર, પુષ્ટિપ્રદ અને રુચિકર હોય છે.

બીજ ચરબીયુક્ત તેલ ધરાવે છે. તેનું બંધારણ વધતે ઓછે અંશે મગફળીના તેલ જેવું હોય છે, પરંતુ ફળમાં બીજ ઓછાં ઉત્પન્ન થતાં હોવાથી તેનું વ્યાપારિક મૂલ્ય ઓછું છે. તેના ખોળમાં 50 %થી વધારે પ્રોટીન હોય છે.

તેનું કાષ્ઠ બાંધકામ અને ફર્નિચર બનાવવામાં ઉપયોગી છે. તે સુરેખ અને સંકુલિત કણયુક્ત (closed-grained), મધ્યમસરનું સખત અને સૂક્ષ્મ તેમજ એકસરખું ગઠન ધરાવે છે. તેનું વજન 608 કિગ્રા./ઘમી. જેટલું હોય છે. તેના રસકાષ્ઠ (sapwood) અને અંત:કાષ્ઠ(heartwood)નું વિભેદન થયેલું હોતું નથી. કાષ્ઠ કીટ કે ફૂગસંવેદી નથી. આ વૃક્ષ ફળોદ્યાન માટે સારા (wind break) તરીકે કાર્ય કરે છે.

જ. પુ. ભટ્ટ

બળદેવભાઈ પટેલ