કબીર (મધ્યકાલીન ધાર્મિક આંદોલનના અગ્રણી) (ઈ. સ. 1398–1518) : સ્વામી રામાનંદના શિષ્યોમાં સર્વાધિક મહત્વના સંભવતઃ એ સમયના સૌથી આગળ પડતા સંત હતા. તેઓ માબાપે ત્યજી દીધેલા અનાથ બાળક હતા અને વારાણસીના નિરૂ નામના મુસલમાન વણકરે તેમને ઉછેર્યા હતા. તેમણે ગૃહસ્થ જીવન ગાળ્યું અને વણકરકાર કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું. ભણ્યા ન હોવા છતાં વારાણસીમાં આવતા બધા ધર્મો અને સંપ્રદાયોના સાધુસંતો તેમજ ફકીરો સાથેના સત્સંગથી કબીરને બધા ધર્મો અને સંપ્રદાયોનું રહસ્ય સમજાઈ ગયું. આ સત્ય તેમણે પદો, સાખીઓ અને દોહાઓમાં ઉતારવા માંડ્યું. તેમનાં જગતને આધ્યાત્મિક અને નૈતિક સંદેશો આપે છે. એમાં ઐહિકતા, ઇંદ્રિયસુખો, પંથવાદ, ધાર્મિક બાહ્યાડંબરો તેમજ મિથ્યાચારો પર ફિટકાર વરસાવ્યો છે. કબીરની અનુભવી અને મર્મવિદારક વાણીની લોકો પર વ્યાપક અસર પડી. કબીરને ઘેર સાધુ-સંતોની ભીડ જામવા લાગી.  એમાં હિંદુઓ અને મુસ્લિમો પણ હતા. કબીરે લોકોને સાદું આધ્યાત્મિક અને નીતિયુક્ત જીવન જીવવા પ્રેર્યા. તેઓ નિરાકાર પરમાત્માની ઉપાસના કરતા હતા. તેઓ એને રામ અને રહીમ બંને નામે સંબોધતા. તેમણે નાતજાતના અને ધર્મના ભેદભાવોને વખોડી કાઢ્યા ને માનવના બંધુત્વનો બોધ કર્યો. તેમણે હિંદુ કે મુસ્લિમ ધર્મશાસ્ત્ર ગ્રંથોની નહિ પણ અંતરાત્માની, માનવના આંતરિક અવાજની ખોજ કરવા લોકોને પ્રેર્યા. તેઓ માનતા હતા કે પરમાત્મા સાથે ઐક્ય સાધવું તે માનવઆત્માનું અંતિમ ધ્યેય છે. એમના અનુયાયીઓમાં હિંદુઓ અને મુસલમાનો બંને હતા. તેઓ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમનો અંતિમ સંસ્કાર કરવા માટે બંનેએ તેઓ પોતાના હોવાનો દાવો કરેલો. ધરણીદાસ કબીરજીના અગ્રણી અનુયાયી હતા. તેમણે પોતાનાં બધાં જ ઐહિક સુખો છોડી આધ્યાત્મિક જીવન અપનાવ્યું હતું.  તેમણે મધ્યપ્રદેશના છત્તીસગઢ વિસ્તારમાં કબીરપંથની ‘ધર્મદાસી’ શાખા સ્થાપી. ત્યારબાદ ઉત્તર ભારતમાં ઘણા ભાગોમાં કબીર પંથ ફેલાયો. વસ્તુતઃ કબીરજી એ કોઈ પંથ સ્થાપ્યો નહોતો, પરંતુ એમની વાણી આખાય આધ્યાત્મિક સમાજ માટે પ્રેરક અને પ્રોત્સાહક બની રહી.

સુપ્રસિદ્ધ ભારતીય સંતકવિ. તેમના જીવનની હકીકત વિશે વિવિધ મતો પ્રવર્તે છે. મિશ્રબંધુ તેમજ મેકાલિફનું પુસ્તક ‘શીખ રિલિજિયન’ કબીરનો જન્મ 1398માં થયેલો ગણે છે. રામચંદ્ર શુક્લ તેમનો જન્મ 1399માં થયેલો માને છે. બિલની ‘ઑરિયેન્ટલ બાયૉગ્રૅફિકલ ડિક્શનરી’માં તેમની જન્મસાલ 1491 બતાવી છે. ફરકદારના પુસ્તક ‘આઉટલાઇન ઑવ્ ધ રિલિજિયસ લિટરેચર ઑવ્ ઇન્ડિયા’માં તેમની જન્મસાલ 1401 બતાવી છે. અનન્તદાસની ‘પરિચઇ’માં કબીરનું આયુષ્ય 120 વર્ષનું બતાવ્યું છે. 1398 સ્વીકારીએ તો તેમાં 120 ઉમેરવાથી મૃત્યુની સાલ 1518 આવે. ડૉ. બડથ્વાલ કબીરના મૃત્યુની સાલ 1448 માને છે. ‘ભક્ત-સુધા-બિંદુસ્વાદ’ નામે ગ્રંથમાં કબીરના મૃત્યુની સાલ 1496 બતાવી છે.

તેમના જન્મસ્થાન વિશે પણ ત્રણ મત છે : (1) કાશી, (2) મગહર અને (3) આજમગઢ જિલ્લાનું બેલહરા ગામ. અધિકાંશ વિદ્વાનો કાશીની તરફદારી કરે છે. તેમની જાતિ અંગે પણ વિભિન્ન મતો છે. એક મત પ્રમાણે કાશીના ‘લહરતારા’ તળાવ પાસે એક વિધવા બ્રાહ્મણી પોતાના પુત્રને મૂકી ગઈ હતી. નીરુ અને નીમા નામે એક જુલાહા (વણકર) મુસલમાન દંપતીએ તેમને ઉછેર્યા એમ કહેવાય છે. કેટલાક વિદ્વાનો તેમને હિન્દુ પણ નહિ ને મુસલમાન પણ નહિ એવા ‘જુગી’ યા યોગી માને છે. કેટલાક તેમને હિન્દુ ‘કોળી’ માને છે, જે જનજાતિનો સંબંધ નાથપંથ સાથે હતો. તેમના પારિવારિક જીવન વિશે પણ વિવાદ છે. અમુક કબીરપંથીઓ તેમને અવિવાહિત માને છે. કેટલાક તેમની પત્નીનું નામ ‘લોઈ’ બતાવે છે અને લોઈનાં બે સંતાન, પુત્ર કમાલ અને પુત્રી કમાલી બતાવે છે; તો કેટલાક તેમને બે પત્નીઓ હોવાનો ઉલ્લેખ કરે છે, જેમાં એકનું નામ લોઈ હતું તથા બીજીનું નામ ધનિયા. ધનિયાને લોકો ‘રમજનિયા’ પણ કહેતા. તેમનો વ્યવસાય કાપડ વણવાનો હતો, એ નિર્વિવાદ છે. તેમના ગુરુના સંબંધમાં પણ મતભેદ છે. તેમના હિંદુ શિષ્ય તેમને રામાનંદના શિષ્ય માને છે, જ્યારે મુસલમાન તેમને શેખ તકીના શિષ્ય માને છે. વાસ્તવમાં કબીર પરમાત્માને ‘સતગુરુ’ માને છે. કબીરના અનેક શિષ્યોમાંથી ધર્મદાસ અને સુરતગોપાલ અધિક પ્રસિદ્ધ હતા. કબીરે દેશાટન કરેલું, પણ તીર્થયાત્રા કે હજયાત્રા હેતુથી નહિ, સત્સંગ માટે. તેમણે વૈરાગ્ય ગ્રહણ કરેલો પણ મનનો; અને જ્ઞાનાર્જન કરેલું પણ પુસ્તકના આધારે નહિ, અનુભવથી.  તેમના જીવનની આજુબાજુ અનેક દંતકથાઓ વણાયેલી છે. કબીરપંથી મઠમાં કબીરની મૂર્તિ નથી હોતી, કારણ કે કબીર મૂર્તિપૂજાના વિરોધી હતા. પણ તેમનાં જે ચિત્રો જોવા મળે છે, તેમાં કબીર સૂફીવેશમાં હોય છે. તેમને આત્મસાક્ષાત્કાર થયો હતો. તે સ્વભાવે દયાળુ પણ પાખંડ-બાહ્યાચારના કટ્ટર વિરોધી હતા.

કબીર

કબીરના સમયમાં ભારતની વર્તમાન ભાષાઓ અપભ્રંશમાંથી છૂટી પડીને બહાર આવેલી હતી. આ બધી ભાષાઓમાંથી શબ્દો લઈ કબીરે પોતાની ‘સાધુક્કડી’ ભાષામાં પદો વગેરે રચ્યાં છે.

તત્કાલીન ધાર્મિક વિચારધારાઓનો કબીર પર પ્રભાવ પડ્યો હતો. સગુણ વૈષ્ણવ ભક્તિધારાના પ્રભાવથી તેમના વક્તવ્યમાં કર્મવાદ, પુનર્જન્મવાદ, અહિંસાવાદ, ભાગ્યવાદ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આદિમાં શ્રદ્ધા જોવા મળે છે. નિર્ગુણ ભક્તિધારાના પ્રભાવથી અદ્વૈત સિદ્ધાન્તનું નિરૂપણ થયેલું છે. નાથપંથી યોગધારાના પ્રભાવથી નિર્વાણ, યોગસાધના, અક્કડતા, અવળવાણી (ઉલટબાસિયાં) અને શૂન્યવાદનો નિર્દેશ સાંપડે છે. પ્રેમ અને વિરહની તીવ્રતામાં સૂફી સંપ્રદાયનો પ્રભાવ જોવા મળે છે. ઇસ્લામનો પ્રભાવ કબીર એકેશ્વરવાદનો સ્વીકાર કરીને મૂર્તિપૂજાનો વિરોધ કરે છે તેમાં જોઈ શકાય. ઉપરાંત વીરશૈવ, શૈવ, બૌદ્ધ, જૈન, શાક્તપંથ, સિદ્ધો વગેરેનો પ્રભાવ પણ નજરે ચડે છે.

કબીરે હિંદુઓ અને મુસલમાનોના બાહ્યાચારનો સખત વિરોધ કર્યો છે. તે નિષ્પક્ષ આલોચક અને જાગ્રત ચિંતક હતા. તેમનાં પદોમાં કર્કશતા, રુક્ષતા અને ભર્ત્સના જણાય છે; તેના મૂળમાં માનવપ્રેમ, દયા અને ઇમાનદારી છે. નિર્ભીક વાણીમાં તે ધર્મ, સમાજ અને સાધનાના ક્ષેત્રે ક્રાંતિકારક ગણાય તેવા વિચારો રજૂ કરે છે. ડૉ. હજારીપ્રસાદે કહ્યું છે તેમ, હજાર વર્ષના ઇતિહાસમાં કબીર જેવું વ્યક્તિત્વ લઈને કોઈ લેખક જન્મ્યો નથી. તેમણે પ્રતીક દ્વારા પ્રેમનું મહત્વ સમજાવ્યું છે અને માયાને તે ઠગારી ગણે છે. કબીર પંડા, પૂજારી, યોગી, મુલ્લાં, કાજી, શેખ અને અવધૂતને ઉદ્દેશીને તેમના દોષ બતાવે છે.

કબીર નિરક્ષર હતા એટલે આપણને પ્રાપ્ત થતું કબીરસાહિત્ય તેમના શિષ્યોએ લખેલું અને કબીરપંથની ભિન્ન ભિન્ન શાખાઓમાં સંગૃહીત થયેલું છે. તેમની આ પ્રકારની રચનાઓના ઉપલબ્ધ સંગ્રહોમાં ‘આદિગ્રંથ’, ‘કબીર ગ્રંથાવલી’ અને ‘કબીર બીજક’ વિશ્વસનીય મનાય છે. આ ત્રણેયમાં સંગૃહીત વાણીમાં પાઠભેદ જણાય છે અને વાણીની સંખ્યા પણ વધુ-ઓછી જણાય છે છતાં ત્રણેયના તુલનાત્મક અધ્યયનથી કબીરના મૂળ સિદ્ધાંત તેમજ સાધના વિશે જાણી શકાય છે. તે સમાજના પ્રચલિત મતોની સમીક્ષા કરતા, તેમની ત્રુટિઓ તરફ ધ્યાન આકર્ષિત કરતા અને પોતાના અનુભવ અથવા વિચાર પ્રમાણે કહેતા જણાય છે. બીજાઓને પણ તે અનુભૂતિ અને આત્મચિંતન પર જ આધાર રાખવાનું કહે છે. એ રીતે તે વિચારસ્વાતંત્ર્યના સમર્થક છે.

ડૉ. શ્યામસુંદરદાસે કબીરની ‘બાનિયાં’નું જે સંકલન કર્યું છે તે ‘કબીર ગ્રંથાવલી’નો આધાર, સૌથી જૂની પ્રાપ્ત થયેલી હસ્તલિખિત પ્રત છે. આ ગ્રંથ 1505માં મલૂકદાસે ખેમચંદને માટે લખેલો, પણ આ મલૂકદાસ કે ખેમચંદ વિશે કોઈ માહિતી મળતી નથી. બીજી 1825માં લખાયેલી પ્રતિ મળે છે, જેમાં દોહાની સંખ્યા 131 અને પદની સંખ્યા 5 વધી ગઈ છે.

‘ગ્રંથસાહેબ’નું સંકલન 1605માં થયેલું. જે પદ અને દોહા મૂળ પ્રતોમાં નહોતાં પણ ‘ગ્રંથસાહેબ’માં હતાં, તેનો સમાવેશ ‘કબીર ગ્રંથાવલી’માં કરી લેવામાં આવ્યો છે. એક અન્ય સંકલન ‘સન્ત કબીર’ના નામે ડૉ. રામકુમાર વર્માએ કર્યું છે. ત્રીજો સંગ્રહ કવિ અયોધ્યાસિંહ ઉપાધ્યાયે ‘કબીર-વચનાવલી’ નામે કર્યો છે, જેમાં ‘કબીર બીજક’, ‘ચૌરાસી અંગકી સાખી’ અને વેલવેડિયર પ્રેસનાં પુસ્તકોનો આધાર લેવામાં આવ્યો છે.

કબીરના ગ્રંથોની સંખ્યા વિલ્સનના મતે 8, કબીરસાગરના આધારે 40, રામકુમાર વર્માના મતે 61, રામદાસ ગૌડકૃત ‘હિંદુત્વ’ના આધારે 71, મિશ્રબંધુ વિનોદના આધારે 75 અને કાશી નાગરી પ્રચારિણીની પત્રિકાના આધારે 130 છે.

કબીરે પદ અને દોહામાં જે વાણી રજૂ કરી તેના સાખી, સબદ અને રમૈની એમ ત્રણ ભાગ પડી જાય છે. આમાંનાં ઘણાં પદો ભિન્ન ભિન્ન રાગમાં તાલ સાથે ગાઈ શકાય તેવાં છે.

અવળવાણી (ઉલટબાસિયાં) કબીરની વિશિષ્ટતા છે અને સામાન્ય મનુષ્ય માટે સમજવી મુશ્કેલ છે. કબીરનું સ્થાન રહસ્યવાદી કવિઓમાં સૌથી અધિક મહત્વપૂર્ણ છે.

આખું જીવન કાશીમાં વિતાવ્યા પછી તે મૃત્યુ સમયે મગહર આવ્યા હતા, જેથી મગહરમાં મૃત્યુ પામવાથી અવગતિ થાય છે એવો લોકોનો વહેમ ટળે.

તેમના દોહામાંથી નમૂનારૂપ બે દોહા :

(1)     જલમેં કુંભ કુંભમેં જલ હૈ, બાહરભીતર પાની

        ફૂટા કુંભ જલ જલહિં સમાના, યહ તત કથૌં ગિયાની ॥

(2)    લાલી મેરે લાલકી, જિત દેખૂં તિત લાલ

      લાલી દેખન મૈં ગઈ, હો ગઈ મૈં ભી લાલ ॥

પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળે કબીરનો આ દોહો છે :

      સૉસ સૉસપે રામ કહ, વૃથા સૉસ મત ખોય

      ના જાને ઇસ સૉસકી, આવન હોય ન હોય ॥

પ્રવીણચંદ્ર પરીખ

વાસુદેવ યાજ્ઞિક