કબાલા : વિશિષ્ટ યહૂદી રહસ્યવાદની સંજ્ઞા. (અંગ્રેજી જોડણી KABALA, KABBALAH, CABALA, CABBLA અથવા CABBALAH) : મૂળ હિબ્રૂમાં તેનો અર્થ છે ‘ટ્રૅડિશન’ એટલે કે પરંપરા. ઈસવી સનની બારમી સદી અને તે પછીના સમયમાં પ્રચલિત આ પરંપરા તત્વત: મૌખિક રહી છે, કેમકે એનાં વિધિવિધાનોમાં દીક્ષા સ્વયં કોઈ ગુરુ દ્વારા જ અપાય છે, જેથી રહસ્યવાદી અનુભવોનાં અંતર્ગત ભયસ્થાનોને નિવારી શકાય. એ એક બીજા અર્થમાં પણ પરંપરા છે : મૂળ ઈશ્વરે મોઝિઝ અને આદમને પહોંચાડેલું અલિખિત એટલે કે પ્રત્યક્ષ એવું ‘તોરાહ’ તરીકે ઓળખાતું દૈવી દર્શન. તેના ગૂઢ જ્ઞાન પરત્વે પણ તેનો દાવો છે. યહૂદી દર્શનનું પાયાનું ગૃહીત એ મોઝિઝના કાયદાનું અનુસરણ રહ્યું છે. પણ કબાલા હવે ઈશ્વરને સીધેસીધા પામવાનો માર્ગ બતાવે છે. કબાલાનાં મૂળ ઈસવી સનની પહેલી સદીમાં પૅલેસ્ટાઇનથી આરંભાઈને, એ પછી સ્પેનમાં, રહસ્યવાદના વિવિધ ગ્રંથોમાં અને પ્રવાહોમાં ફેલાયેલાં છે.

દિગીશ મહેતા