કન્હેરીનાં શિલ્પો : મુંબઈ પાસે બોરીવલીની નજીક આવેલી કન્હેરી ગુફાઓમાંનાં શિલ્પો. તેમાં કંડારેલી સોએક જેટલી બૌદ્ધગુફાઓને લીધે પ્રસિદ્ધ છે. ગુફાની દીવાલો પર વરદ મુદ્રાવાળા ઊભેલા બુદ્ધ કે ધર્મચક્રપ્રવર્તનની મુદ્રાવાળા બેઠેલા બુદ્ધ તેમજ કરુણામૂર્તિ બોધિસત્વ અવલોકિતેશ્વર, ભક્તો વગેરેની મોટા કદની આકૃતિઓ કંડારેલી છે.
ભારતીય સંસ્કૃતિ તથા પુરાતત્વની ર્દષ્ટિએ આ મહત્વનાં ગુફા શિલ્પો છે. કન્હેરીના ખડકસ્થાપત્યમાં 109 જેટલી ગુફાઓ છે. ખૂબ વિસ્તૃત પ્રમાણમાં કંડારેલી આ ગુફાઓનાં શિલ્પો ધ્યાન ખેંચે તેવાં છે. આ ગુફાઓ કાર્લાની ગુફાની સમકાલીન હોવા છતાં પણ કન્હેરીનાં શિલ્પો ઊતરતી કોટિનાં છે. તેથી કદાચ પ્રવાસીઓ તેમાં ઝાઝો રસ ન લે પરંતુ ભારતીય સંસ્કૃતિના વિદ્યાર્થીઓ તથા પુરાતત્વ વિષયના જિજ્ઞાસુ માટે આ ગુફાનાં કેટલાંક શિલ્પો રસ પડે તેવાં છે.
કાર્લા અને કન્હેરીનાં ચૈત્યગૃહોની રચના એકસરખી જણાય છે. પરંતુ સ્થાપત્યની ર્દષ્ટિએ કન્હેરીનો ચૈત્યખંડ કાર્લાના ચૈત્યખંડની ઊતરતી કક્ષાની પ્રતિકૃતિ છે; જોકે તેમાં શિલ્પનું સુશોભન કંઈક અંશે બરાબર જળવાઈ રહેલું લાગે છે. કન્હેરીના ચૈત્યગૃહની સામે આવેલ પ્રાંગણમાં ચોતરફ અલંકૃત વેદિકાઓ છે. આ વેદિકાઓની સ્તંભિકાઓ ઉપર અનેકવિધ અલંકરણો છે. વેદિકાની પટ્ટિકાઓમાં કંડારેલી યક્ષોની મૂર્તિઓ તથા વૃત્તાકાર પુષ્પો ધ્યાન ખેંચે છે. આમાંના કેટલાક યક્ષોની મૂર્તિઓ ચતુર્ભુજ છે. સામાન્ય રીતે બધા યક્ષોને હાથ ઊંચા કરેલા અને જાણે કે ઉપરના કોઈ ભારનું વહન કરતા હોય તેમ દર્શાવ્યા છે. આવી મૂર્તિઓ સામાન્ય રીતે કીચકના નામે ઓળખાય છે. સાંચી અને ભરહૂતમાં આ પ્રકારની મૂર્તિઓ છે. આ કીચકોનું બીજું નામ ભારપુત્રકો (ભારપુત્ત = ભારવટિયો) છે. આ ભારપુત્રકોની ઉપરની આડી પટ્ટીમાં હાથી, વૃષભ, ઊંટ, વરાહ વગેરે પશુ-આકૃતિઓ કંડારેલી છે. આ વેદિકા સ્તંભોની પંક્તિઓમાં ત્રણ ત્રણ આડી પટ્ટીઓ છે. તેના પર સૂર્યમુખી ફૂલ તથા અર્ધચન્દ્રાકાર કમલદલ કોતરેલાં છે. વેદિકાના સ્તંભોમાં વચ્ચેના પહોળા સ્તંભો ઉપર ઉપાસકોનાં શિલ્પો કોતરેલાં છે. વેદિકાના બંને છેડે કાર્લાના કીર્તિસ્તંભને મળતો એક એક સ્તંભ છે. તેના ટોચ ભાગ ઉપર યક્ષોના મસ્તકને જાણે ટેકવીને રહેલા ચાર દિશાને અભિમુખ કરતા સિંહો કોરેલા છે. એમના મસ્તક ઉપર ધર્મચક્ર આવેલું હતું. ડાબી બાજુના સ્તંભ પરના સિંહો હવે નષ્ટ થયા છે.
ચૈત્યગૃહના મુખભાગ ઉપર દાતાઓની સુંદર મૂર્તિઓ કંડારેલી છે. બંને બાજુએ દંપતી યુગલોની મૂર્તિઓ, બે સિંહસ્તંભો તથા ઉપરનીચે ગ્રાસપટ્ટીઓ શોભે છે. પુરુષ ઉષ્ણીષ, કર્ણકુંડલ, કંઠહાર, મેખલા તથા ચૂડીદાર અધોવસ્ત્રથી શોભે છે. તેના ડાબા હાથમાં ચામર છે. પુરુષોની બાજુમાં રહેલી સ્ત્રીઆકૃતિઓ પણ વસ્ત્રાલંકારથી વિભૂષિત છે. મંડપની ફરતે જે સ્તંભો છે તેમાં લગભગ અડધાની નીચે પૂર્ણ ઘટયુક્ત કુંભી અને તેના ઉપરના ભાગે કમલપાંખડીની પંક્તિ અને તેના ઉપર મણકાની વેલ છે. ઉપરાંત બોધિવૃક્ષ અને બુદ્ધના આસનથી તે શોભે છે. આસન ઉપર પાદુકાનાં ચિહનો છે. એક સ્ત્રી અને એક પુરુષને તેની પૂજા કરતાં દર્શાવ્યાં છે. સૌથી ઉપર ઘડામાંથી જલાભિષેક કરતા હાથીઓ છે. મંડપની નળાકાર છતમાં કાષ્ઠપિંજરની રચના દર્શાવતાં શિલ્પો હતાં, પણ તેના અવશેષો જળવાઈ રહ્યા નથી. આ ચૈત્યગૃહ ઈ. સ. 180માં તૈયાર થયાનું તેના લેખ ઉપરથી જાણી શકાય છે. છતાં કેટલીક ગુફાઓ પાછળથી પણ કંડારેલી છે. અર્થાત્ તે પાંચમી સદીના અંતસમય પછીની છે. પરિણામે તેમાં બૌદ્ધ મૂર્તિવિધાન નજરે પડે છે. તેથી બુદ્ધ અને બોધિસત્વનાં શિલ્પો, અજન્તાની જેમ નજરે પડે છે. અહીંનાં શિલ્પોમાં અજન્તા કરતાં દેહરચનામાં વધુ સ્થૂળતા જોવા મળે છે. અહીંની ગુફા નં. 66માં અવલોકિતેશ્વર પદ્મપાણિનું શિલ્પ તક્ષણકલાનો ઉત્તમ નમૂનો છે. તેમાં બોધિસત્વને તારાદેવીની બે પ્રતિમાઓની વચ્ચે ઊભેલા બતાવ્યા છે. ફર્ગ્યુસનના મતે બૌદ્ધ કલામાં સૌથી અપરિપક્વ ગુફા તે કન્હેરીનો મોટામાં મોટો ચૈત્યખંડ. ચૈત્યખંડ કાર્લાની પદ્ધતિએ કોતરેલો છે, પરંતુ તે પ્રમાણવિહીન છે. તેને કારણે તેની ભવ્યતા સચવાઈ નથી. થાંભલાની ટોચ ઉપર હાથીની શિલ્પાકૃતિઓ છે. તેમાં હાથીઓ પોતાની સૂંઢ વડે પવિત્ર બોધિવૃક્ષને જલનો અભિષેક કરે છે. સર્પફણા સાથે બાળકોની આકૃતિઓ છે. અહીંના થાંભલા પણ બેદરકારીથી કરેલા છે. જેમ કે એક બાજુએ છ અને બીજી બાજુએ અગિયાર શિલ્પથી અલંકૃત છે, જ્યારે બાકીના થાંભલા સાદા છે. તે અષ્ટકોણ છે. ઊતરતી કક્ષાનાં શિલ્પોને કારણે ફર્ગ્યુસન આ ચૈત્યખંડને નવમા-દસમા સૈકામાં મૂકે છે. આ ચૈત્યખંડનો સ્તૂપ તદ્દન સાદો છે. તેની ટોચ પરનું કાષ્ઠકામ નષ્ટ થઈ ગયેલું છે. છજાં અને કમાનવાળી મોટી બારીની નીચે તેનું પ્રવેશદ્વાર જણાય છે. હાલમાં છજાં તદ્દન ખુલ્લાં છે. કારણ કે કાષ્ઠકામવાળા કઠેડા આજે અસ્તિત્વ ધરાવતા નથી. છજાંના બે છેડે બુદ્ધની ઊભેલી પ્રતિમા લગભગ 4 મીટર ઊંચી અને ભવ્ય છે. અહીંની મૂર્તિઓનો પોશાક શાતકર્ણી રાજાઓના સમયનો જણાય છે. કાનનાં કુંડલો ભારે તેમજ લંબગોળ તથા સ્ત્રીઓના પગે પહેરેલાં સાંકળાં કે તોડા ખૂબ ભારે છે. શિરોવેષ્ટન ખૂબ સાવધાનીથી તૈયાર કરેલાં છે. આ પ્રકારના પોશાક અને અલંકાર બીજી કોઈ ગુફાનાં શિલ્પો કે ભિત્તિચિત્રોમાં જણાતાં નથી; તેથી એમ લાગે છે કે આ પોશાક અને અલંકારો આ ગુફાઓ કંડારાઈ તે સમયના હશે. અહીંની શિલ્પાકૃતિઓમાં કેટલીક બુદ્ધની મૂર્તિઓ છે. તેમાંની બે ઊભી મૂર્તિઓ બોધિસત્વ અવલોકિતેશ્વરની છે. છજાના આગળના ભાગની દીવાલની ડાબી બાજુને છેડે બુદ્ધની મૂર્તિ છે ત્યાં એક લેખ કોતરેલો છે. તેમાં નામ ‘બુદ્ધઘોષ’ લખેલું છે. આ લખાણ છઠ્ઠી સદીનું જણાય છે. છજાની ડાબી બાજુએ બે ઓરડા છે. તેમાં સામાન્ય પ્રકારનાં શિલ્પો છે. વરંડાની જમણી બાજુએ બુદ્ધની આસનસ્થ પ્રતિમા છે. તેની ડાબી બાજુએ આવેલી પદ્મપાણિ સહસ્રબાહુલોકેશ્વરની મૂર્તિ અસામાન્ય છે. કારણ કે તેને દસ મસ્તક છે. આ મસ્તકો એક ઉપર એક એમ બતાવેલાં છે. આવી રીતની સંયુક્ત પ્રતિમા બૌદ્ધ ધર્મમાં જણાતી નથી. તેથી એમ માનવામાં આવે છે કે તે હિંદુ શિલ્પની સ્પષ્ટ અસર છે. ગુફા નં. 21માં જુદી જુદી મુદ્રાઓ ધરાવતી બુદ્ધ ભગવાનની અને સાથોસાથ કેટલીક સ્ત્રીઆકૃતિઓ પણ કોરેલી છે તે કદાચ મહાયાન શાખાની અસર હોય ! ગુફા નં. 64, 66 અને 67 તેનાં વિપુલ શિલ્પોને કારણે ધ્યાન ખેંચે છે. આ શિલ્પોમાં બુદ્ધ ભગવાન, તેમના અનુચરો વગેરે છે. ગુફા નં. 66નું સુંદર શિલ્પ આકર્ષક છે. તેમાં મધ્યમાં અવલોકિતેશ્વર છે અને તેની બંને બાજુએ તેના જેટલી જ ઊંચાઈ ધરાવતી સ્ત્રી- આકૃતિઓ છે. આ તકતીની નીચેના જમણી બાજુના ભાગમાં હાથી, સિંહ, સર્પ, અગ્નિ અને વહાણ છે, જ્યારે ડાબી બાજુએ ગરુડ, શીતળા માતા, તલવાર અને શત્રુઓ છે. પથ્થરનો કેટલોક ભાગ ખંડિત થયો હોવાને કારણે કેટલીક શિલ્પાકૃતિઓ ઓળખી ન શકાય તેવી પણ છે.
સામાન્ય રીતે ગુફાની પાછલી દીવાલે સ્તૂપ કરવામાં આવતો. પરંતુ મહાયાન સંપ્રદાયની અસરને કારણે મધ્યમાં સ્તૂપ અને તેની વચમાં બુદ્ધની મૂર્તિ કંડારવામાં આવતી. ફર્ગ્યુસને નોંધ્યું છે કે કન્હેરીમાં મોટાભાગની બુદ્ધની મૂર્તિઓ લટકતા પગ રાખીને બેઠેલી છે. પરંતુ સૌથી નાની બુદ્ધની મૂર્તિઓ પલાંઠી વાળીને કે પદ્માસનમાં બિરાજેલી છે. મુખ્ય મૂર્તિની બાજુમાં બોધિસત્વની ઊભી મૂર્તિ છે. આ બોધિસત્વના મસ્તક ઉપર ઊંચો મુગટ કે શિરોવેષ્ટન છે. પરંતુ એક ધ્યાન ખેંચે તેવું લક્ષણ આ ગુફામાં એ છે કે બુદ્ધની બંને બાજુએ ચામરધારિણીઓ છે. સામાન્ય રીતે બુદ્ધ ભગવાનની બાજુમાં ચામરધારિણીઓ હોય છે.
પ્રિયબાળાબહેન શાહ
પ્રવીણચંદ્ર પરીખ