કન્સ્ટ્રક્ટિવિઝમ (શરૂઆત 1913, રશિયા, અંત 1937, જર્મની) : ઘનવાદ અને ફ્યુચરિઝમથી પ્રેરિત ભૌમિતિક આકારો વડે અમૂર્ત ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય રચનાઓ કરવાની કલાશૈલી. 1913માં રશિયામાં તેનો પ્રારંભ રશિયન ચિત્રકાર અને શિલ્પી વ્લાદિમીર ટાટ્લીને કર્યો. રશિયન શિલ્પીઓ નૌમ ગાબો અને ઍન્તૉની પેસ્નર પણ આ કળાશૈલીમાં જોડાયા. એ ત્રણેએ ભેગા મળીને 1920માં કન્સ્ટ્રક્ટિવિઝમનો ઢંઢેરો (manifesto) લખ્યો. યંત્રવિદ્યા, આધુનિક ઉદ્યોગો અને યંત્રો માટે ભારોભાર અહોભાવ ધરાવતા આ ત્રણેય કલાકારોએ એ ઢંઢેરામાં યંત્રરચનાના દેખાવ જેવી ભૌમિતિક આકૃતિઓ ધરાવતાં ચિત્રો, શિલ્પો અને મકાનો બાંધવાની હિમાયત કરી. આવા કલાકારોને તેમણે આ ઢંઢેરામાં ‘કલાકાર-ઇજનેર’ (Artist-Engineers) કહ્યા. પછીથી ચિત્રકાર-શિલ્પીઓ ઍલેક્ઝાન્ડર રોડ્ચેન્કો અને એલ લિસિટ્ઝ્કી પણ આ કળા-આંદોલનમાં જોડાયા.

1922 પછી સોવિયેત સામ્યવાદી સત્તાએ આ આંદોલનનો વિરોધ કરતાં આ કલાકારોનું જૂથ વિખેરાઈ ગયું. સોવિયેત સત્તાને અણગમો એ હતો કે આ કલામાં માનવી હાંસિયામાં ધકેલાઈ ગયો હતો. પેસ્નર અને ગાબો જર્મની જતા રહ્યા; ત્યાંથી તેઓ પૅરિસ ગયા. તેમણે પૅરિસ અને લંડનમાં અમૂર્ત ભૌમિતિક કલાનો પ્રસાર કર્યો. ગાબોએ 1940માં યુ.એસ. જઈ ત્યાં પણ અમૂર્ત ભૌમિતિક કલાનો પ્રસાર કર્યો. લિસિટ્ઝ્કીએ પણ જર્મની જઈ આ કલાનો પ્રચાર કર્યો. જર્મનીના ચિત્રકારો, સ્થપતિઓ તેના પ્રભાવ નીચે આવ્યા. હંગેરિયન ચિત્રકાર અને સ્થપતિ મોહોલી-નૅગી પણ તેના પ્રભાવ નીચે આવ્યા. 1937માં ડેસો (Dessau) ખાતે ન્યૂ બાઉહાઉસ કળાશાળા સ્થપાતા મોહોલી-નેગી ત્યાં પ્રાધ્યાપક નિમાયા. મોહોલી-નેગીએ કન્સ્ટ્રક્ટિવિઝમના સિદ્ધાંતોનું વિશદ વિશ્લેષણ કરતું પુસ્તક લખ્યું. આથી, કન્સ્ટ્રક્ટિવિઝમ કળાશૈલી અને તેના મૂળ સિદ્ધાંતો વિશ્વભરમાં જાણીતા અને સર્વસ્વીકૃત થયાં અને સાથે સાથે એક આગવા કલાપ્રવાહ તરીકે તેમણે વિશ્વભરમાં સ્થાન લીધું.

અમિતાભ મડિયા