કપડવણજ : ખેડા જિલ્લાનો એક તાલુકો તથા નગર. કપડવણજ તાલુકાનું ક્ષેત્રફળ 985.7 ચો.કિમી. અને તેની વસ્તી આશરે 3,00,000 (2011).  જ્યારે કપડવણજની વસ્તી 49,308 (2011). શહેર 23o 01′ ઉ. અ. અને 73o 04′ પૂ. રે. ઉપર આવેલું છે. તેનું ક્ષેત્રફળ 19.22 ચોકિમી. છે. કપડવણજ તાલુકાની વાત્રક, મહોર અને વરાંસી નદીઓનાં કોતરોને બાદ કરતાં બાકીની જમીન ગોરાડુ અને રેતાળ છે. સરાસરી વાર્ષિક વરસાદ 791.4 મિમી. પડે છે.

કપાસ, મગફળી, બાજરી, જુવાર, ઘઉં, કઠોળ વગેરે મુખ્ય પાક છે. પાંચ હજાર ઉપરાંત કૂવા તથા ટ્યૂબવેલ દ્વારા સિંચાઈ થાય છે. આ તાલુકામાં તૈયબપુર પાસેથી બૉક્સાઇટ નીકળે છે. તે ઉપરાંત મૅંગેનીઝ, કાચ-રેતી અને માજુમના પટમાંથી અકીક અને અર્ધકીમતી પથ્થરો મળે છે. મહોર નદીના કાંઠા ઉપર આવેલાં મહાઇળિયા અને મહમદપુરામાંથી અકીક અને ચર્ટના કાંકરા મળે છે. હાલ અહીં જિનપ્રેસ, તેલની અને ચોખાની મિલો, સાબુ, પ્લાસ્ટિક અને લોખંડની ગૃહઉપયોગી વસ્તુઓ બનાવતાં કારખાનાં છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. ઇમારતી લાકડાની લાટીઓ છે. કપડવણજમાં આટર્સ, સાયન્સ અને કૉમર્સ વિદ્યાશાખાની કૉલેજો, પાંચેક હાઈસ્કૂલો, પંદરથી વધુ પ્રાથમિક શાળાઓ, ત્રણ પુસ્તકાલયો અને એક બાલસંગ્રહસ્થાન આવેલાં છે.

અહીં મોઢ બ્રાહ્મણો તથા દાઉદી વહોરાઓની મોટાભાગની વસ્તી છે. ભારતનાં મુખ્ય શહેરો ઉપરાંત પરદેશમાં વહોરાઓ વેપાર અર્થે વસ્યા છે. શહેરની મધ્યમાં આવેલાં કુંડ, તોરણ, બત્રીસ કોઠાની વાવ, રાણીવાવ, સિંગારવાવ પ્રાચીન છે. કુંડ અને તોરણ બારમી કે તેરમી સદીના તેજપાળના મંદિર પૂર્વેનાં છે. ભૂગર્ભ નીલકંઠ મહાદેવ તથા મહાલક્ષ્મીનાં મંદિરો તથા મુસલમાન સમયના કિલ્લાના અવશેષો જોવાલાયક છે. તાલુકામાં ઉત્કંઠેશ્વર અને પીઠાઈ વગેરે તીર્થધામો છે. જિલ્લાના ગામ કઠલાલમાં પ્રાચીન સ્થાપત્યના અવશેષો મળેલા છે. કપડવણજમાં પણ પાષાણનાં ઓજારોથી શરૂ કરીને વિવિધ યુગના પ્રાચીન અવશેષો પ્રાપ્ત થયેલા છે.

કપડવણજનો ઇતિહાસ મધ્યપાષાણ યુગથી શરૂ થાય છે. તેનાં કપટપુર, કબરપંચ, પંચકર્પટ, કપડવાણક, કપડવણજ અને કર્પટવાણિજ્ય એવાં નામો મળે છે. પ્રથમ ત્રણ નામો ઉપજાવી કાઢ્યાં હોય તેમ જણાય છે. છેલ્લાં ત્રણ નામો આ શહેરનો કાપડના વેપાર સાથે સંબંધ જોડે છે. આ નામો પૈકી કર્પટવાણિજ્ય નામના ઉલ્લેખો ઈ. સ. 910ના રાષ્ટ્રકૂટોનાં બે તામ્રપત્રોમાં તથા વિક્રમ સંવત 1079, વિક્રમ સંવત 1522, વિક્રમ સંવત 1618, વિક્રમ સંવત 1655 અને વિક્રમ સંવત 1666નાં જૈન દેરાસરો અને પ્રતિમાલેખોમાં થયેલા છે. મહોર નદીના કાંઠા ઉપર આવેલાં મહાદેવિયા અને મહમદપુરામાંથી અકીક અને ચર્ટની પતરીઓ વગેરે મળે છે. મહાભારતના સભાપર્વમાં પંચકર્પટનો તથા સ્કંદપુરાણના ધર્મારણ્ય ખંડમાં કપડવાણક અને કપડવણજનો ઉલ્લેખ મળે છે. હર્ષદમાતાનું મંદિર ચાવડાઓનું શાસન સૂચવે છે. તોરણ અને કુંડવાવ સિદ્ધરાજના શાસન દરમિયાન (ઈ. સ. 1094-1142) અસ્તિત્વમાં આવ્યાં હશે. રાષ્ટકૂટ રાજા કૃષ્ણદેવ બીજાના શાસનના ઈ. સ. 910નાં બે દાનપત્રો મળે છે. ગુર્જર પ્રતિહાર અને રાષ્ટ્રકૂટોના શાસન પછી અહીં ચૌલુક્ય કે સોલંકીઓનું શાસન ઈ. સ. 942-1304 સુધી હતું.

1304થી 1753 સુધી કપડવણજ મુસ્લિમ શાસન નીચે હતું. ઈ. સ. 1370ના જામે મસ્જિદના અભિલેખની અરબી લિપિ વિશિષ્ટ છે. ઝફરખાને નંદીશ્વર ચૈત્યનો નાશ કર્યો હતો. ગુજરાતના સુલતાન કુતુબુદ્દીને ઈ. સ. 1451માં માળવાના મહમૂદ ખલજીને હાર આપી હતી. 1725માં આબાઝાદખાને પિલાજી અને કંતાજીને કપડવણજ પાસે હરાવ્યા હતા, પણ 1736માં મરાઠાઓએ તે કબજે કર્યું હતું. 1744-45થી 1753 સુધી મુઘલોએ ફરી તેને જીત્યું હતું. દામાજીરાવ બીજાએ 1753માં જીત્યા પછી તે 1802 સુધી ગાયકવાડના શાસન નીચે રહ્યું હતું. 1803માં મેજર હોમ્ઝે ગોવિંદરાવના પુત્ર કાન્હોજીને કપડવણજમાંથી નસાડ્યો હતો. આતરસુંબાના રૂપામિયાં તથા આંબલિયારાના ભાથીજીએ કપડવણજમાં અવારનવાર લૂંટ ચલાવી હતી. 1805 અને 1817ની સંધિની રૂએ મળેલ કપડવણજને ગાયકવાડે વિજાપુરના સાટામાં અંગ્રેજોને આપ્યું હતું. 1830માં અમદાવાદ જિલ્લામાં સમાવેશ કરાયા બાદ 1838થી તે ખેડા જિલ્લામાં રહ્યું છે. આઝાદીની ચળવળમાં કપડવણજ અને કઠલાલના લોકોએ ભાગ લીધો હતો.

પ્રાચીન કાળમાં ભરૂચથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, માળવા અને ઉત્તર ભારત જતો માર્ગ કપડવણજ નજીકથી પસાર થતો હતો. 1913માં રેલવે થઈ તે પહેલાં સાબુ, કાચની બંગડીઓ, બરણીઓ, ઘી અને હાથવણાટનું કાપડ અહીંથી ભારતના અન્ય ભાગોમાં તેમજ ઈરાન અને અરબસ્તાન જતાં હતાં. અકીકના પથ્થરો ખંભાત મોકલાતા હતા અને તેના મણકા અને બીજી વસ્તુઓની નિકાસ આફ્રિકાના તથા યુરોપના દેશોમાં થતી હતી. હાલ અહીં જિનપ્રેસ, તેલની અને ચોખાની મિલો, સાબુ, પ્લાસ્ટિક અને લોખંડની ગૃહઉપયોગી વસ્તુઓ બનાવતાં કારખાનાં છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. ઇમારતી લાકડાની લાટીઓ છે. કપડવણજમાં આટર્સ, સાયન્સ અને કૉમર્સ વિદ્યાશાખાની કૉલેજો, પાંચેક હાઈસ્કૂલો, પંદરથી વધુ પ્રાથમિક શાળાઓ, ત્રણ પુસ્તકાલયો અને એક બાલસંગ્રહસ્થાન આવેલાં છે.

શિવપ્રસાદ રાજગોર

ર. ના. મહેતા