કન્ફેશન્સ ઑવ્ સેન્ટ ઑગસ્ટિન : અધર્મમાંથી ધર્મના માર્ગે વળવાની મહાયાત્રાની અંગ્રેજીમાં લખાયેલી સંત ઑગસ્ટિનની આત્મકથા (397-401). ખ્રિસ્તી ધર્મમાં સેક્રામેન્ટ અંતર્ગત માફી બક્ષવાની ધર્મક્રિયાને કન્ફેશન તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયામાં પોતાનાં સ્ખલનોનો એકરાર ધર્મગુરુ સમક્ષ કરવાનો હોય છે અને ધર્મગુરુ ઈશ્વરને નામે તેને પાપમુક્ત કરે છે. થઈ ગયેલાં પાપો વિશેનો પરિતાપ અને નવું જીવન શરૂ કરવાની ઝંખના પ્રત્યેક એકરારમાં હાર્દરૂપે હોય છે.
ખ્રિસ્તી ધર્મપરંપરા સાથે અસંગત જીવનવ્યવહારમાંથી, ઈશ્વર અને સેતાન બંનેની અમરતા સ્વીકારતા મેનિકિઝમના માર્ગે થઈને સાચા ખ્રિસ્તી ધર્મનું શરણ સ્વીકારવા સુધીની આ જીવનકથાના કુલ તેર અધ્યાયોમાંથી પહેલા દસ અધ્યાયોમાં ઉત્તર આફ્રિકાના તગાસ્તેમાં પ્રમાદમાં વેડફાયેલી લેખકની યુવાની, કાર્થેજ અને રોમમાં પ્રાચીન શિષ્ટ ગ્રંથોનો અભ્યાસ, મેનિકિનનો પ્રભાવ અને તેમાંથી છુટકારો, મિલાનમાં વાગ્મિતાના શિક્ષક તરીકેનો અનુભવ અને એ જ મિલાનમાં સેન્ટ એમ્બ્રોઝ દ્વારા મળેલી ખ્રિસ્તી ધર્મની દીક્ષા આદિ પ્રસંગો વર્ણવાયા છે. છેલ્લા ત્રણ અધ્યાયોમાં બાઇબલનું અને તેમાંયે ખાસ કરીને બુક ઑવ્ જેનેસિસ વિશેનું ચિંતન છે.
અહંકારમાંથી તેમજ ભૌતિક ઇચ્છાઓમાંથી છૂટવાના સંઘર્ષોનું ઑગસ્ટિને કરેલું વર્ણન આ આપકથાને, આ પ્રકારના સાહિત્યમાં ઊંચું સ્થાન અપાવે તેવું છે. પોતાની અજંપાભરી યુવાની જુદી જુદી ધારાઓમાં થઈને અંતે કૅથલિક ચર્ચમાં કેવી પરિણતિ પામી તેનું આલેખન કરતી આ કૃતિ આત્મકથા કરતાં વિશેષ તો પશ્ચાત્તાપ અને કૃતજ્ઞતાની ભક્તિભાવે અંજલિરૂપ કથા છે. તેના ઉપર એ જમાનાની પ્રભાવશાળી અને ધર્મચિંતક વ્યક્તિની મુદ્રા અંકાવાને કારણે એ વધારે મહત્વની છે.
જયન્ત પંડ્યા