કન્ફેશન : પાપનું પ્રાયશ્ચિત્ત કરવા અંગેનો ખ્રિસ્તી ધર્મનો એક સંસ્કાર. એમાં મનુષ્ય પોતે કરેલાં પાપને કબૂલી, પ્રાયશ્ચિત્ત કરીને ઈશ્વરની ક્ષમા યાચે છે. ખ્રિસ્તી ધર્મમાં પ્રાયશ્ચિતને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ઈસુએ કહ્યું છે કે જે માનવી પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરીને સન્માર્ગે વળે છે તેને પ્રભુ ખૂબ જ પ્રેમપૂર્વક આવકારે છે. સો ઘેટાંમાંથી ખોવાયેલા એક ઘેટાને મેળવી વ્યક્તિને જેટલો આનંદ થાય છે, તેટલો જ આનંદ ઈશ્વરને પણ પાપીના પ્રાયશ્ચિત્તથી થાય છે. પ્રભુ હંમેશાં બધાંને ચાહે છે અને જે કોઈ પાપી પશ્ચાત્તાપ કરે છે તેને તે ક્ષમા આપવા તૈયાર હોય છે. સાથે એ પણ ખરું કે પ્રભુ શિક્ષા કરતાં ખચકાતા પણ નથી. જૂના કરારમાં ઘણે સ્થળે કહેવામાં આવ્યું છે કે જેહોવાહ એ વેર લેનાર ક્રોધી ઈશ્વર છે.

ઈશ્વર ચાર પ્રકારે પાપોની માફી આપે છે એમ યહૂદી લોકો માનતા હતા. જિસસે આ ચાર પ્રકારમાંથી છેલ્લો પ્રકાર પસંદ કર્યો છે અને તે સૌથી વધારે સારો અને કઠિન છે. એમ કરવામાં પણ જિસસે બીજાં બે સારાં તત્વો ઉમેર્યાં છે. જિસસે એમ ઉપદેશ આપ્યો કે માત્ર પશ્ચાત્તાપ કરવાથી ઈશ્વર પાપોની માફી આપે છે એમ નથી, પણ પાપી પોતે પોતાનું અહિત કરનાર માણસોને અને શત્રુઓને પણ જ્યારે માફી આપે ત્યારે ઈશ્વર તે પાપીને તેનાં પાપ માટે ક્ષમા આપે છે; કારણ કે ઈશ્વર હંમેશાં બધા માણસોનો સત્કાર કરે છે. જગતના બધા ધર્મોમાં આ ભાવના અનુપમ છે. પાપ કર્યા પછી જો મનુષ્ય પશ્ચાત્તાપનું તપ તપે તો તે પાપથી મુક્ત થાય છે. ફરીને એવું નહિ કરવાનો નિશ્ચય જો તે કરે તો તે શુદ્ધ થાય છે.

એવી પણ એક કલ્પના સિદ્ધાંતરૂપે સ્વીકારવામાં આવી કે મરણ પછી જીવ એક શુદ્ધિસ્થાન(purgatory)માં થોડો વખત રહે છે; જ્યાં તેનાં પાપ ધોવાય છે ને તે સ્વર્ગને માટે લાયક બને છે. આ શુદ્ધિસ્થાન તે નથી સ્વર્ગ કે નથી નરક. ટૂંકમાં ભૂલની પ્રતિક્રિયાનો નાશ કરવામાં અને ભૂલ સુધારવામાં પશ્ચાત્તાપ બહુ મદદરૂપ થાય છે, પણ તે ખરેખરો પશ્ચાત્તાપ હોવો જોઈએ. ઈસુના કહેવા પ્રમાણે ‘‘તમે જો તમારા બંધુઓના અપરાધોને સાચા દિલથી ક્ષમા નહિ કરો તો ઈશ્વર પણ તમારા અપરાધોને માફ નહિ કરે.’’ ગીતામાં શ્રીકૃષ્ણ પણ કહે છે કે ગમે તેવો દુરાચારી માણસ પણ જો અનન્યભાવે ઈશ્વરને શરણે જાય તો જરૂર તેનો ઉદ્ધાર થાય છે. જૈન ધર્મમાં પણ પર્યુષણ પર્વની ઉજવણીના અંતે ‘મિચ્છામિ દુક્કડમ્’ દ્વારા પરસ્પર ખમાવવાની વાત છે.

ચીમનલાલ વલ્લભરામ રાવળ