કનોરિયા સેન્ટર ફૉર આર્ટ્સ

January, 2006

કનોરિયા સેન્ટર ફૉર આર્ટ્સ : લલિત કલાના ક્ષેત્રે અભિનવ પદ્ધતિએ શિક્ષણ આપતું અમદાવાદનું વિશિષ્ટ કલાકેન્દ્ર. 1971માં સ્થપાયેલા ‘ધ ક્રિયેટિવ આર્ટ્સ ફંડ’ તથા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સહયોગથી 1984માં આ કેન્દ્રની સ્થાપના થઈ. અહીં કયા પ્રકારની શિક્ષણપ્રથા અપનાવવી તે માટે નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવવા સપ્ટેમ્બર 1983માં વિવિધ પ્રવૃત્તિક્ષેત્રના દેશભરના અગ્રણી નિષ્ણાતોનો પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. એનાં માર્ગદર્શક સૂચનોના આધારે ચિત્રકલા, શિલ્પ તથા પ્રિન્ટમેકિંગ એ ત્રણ મુખ્ય કલાશાખાઓનાં વિશિષ્ટ અભ્યાસક્રમ અને શિક્ષણપદ્ધતિ પ્રયોજવામાં આવ્યાં. એ માટે કાર્યશાળાની સક્રિય સહભાગિતા, વિચારોની આપલે માટેના પરિસંવાદ ઉપરાંત નૃત્ય, નાટ્ય, સંગીત, સાહિત્ય, ફિલ્મ, ફોટોગ્રાફી તથા એવી અન્ય આનુષંગિક સર્જનલક્ષી કલાપ્રવૃત્તિઓના સંસ્કાર પણ ખીલે અને વિકસે એવું આયોજન ગોઠવાયું. ચીલાચાલુ પરિપાટી મુજબ કૅલેન્ડરના ઢાંચામાં સમયલક્ષી અને શિક્ષકલક્ષી ધોરણે ગોઠવાતા અભ્યાસક્રમના બદલે આ કેન્દ્ર ખાતે પ્રયોગલક્ષી અને મોકળાશભરી શિક્ષણપદ્ધતિ અપનાવવામાં આવી છે, જેથી કલાક્ષેત્રે સર્જનાત્મક વિકાસ સાધી ઊંચી સિદ્ધિ હાંસલ કરવા માગતા સૌ કોઈ માટે આ કેન્દ્ર પ્રેરણાસ્રોત બની રહે.

અહીં ચિત્રકલા, શિલ્પ અને પ્રિન્ટનિર્માણના કલાવિષયોમાં કોર પ્રોગ્રામ, શૉર્ટ-ટર્મ સ્ટુડિયો એનરોલમેન્ટ, ફાઉન્ડેશન કોર્સ તથા શોર્ટ-ટર્મ કોર્સ એમ ચાર પ્રકારના અભ્યાસક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અભિનવ કલાશિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ પાર પાડવા કેન્દ્રના સુવિધાપૂર્ણ મકાનમાં અદ્યતન સાધનસામગ્રી વસાવી સંસ્થાને સુસજ્જ કરવામાં આવી છે અને અગ્રણી કલાકારોનો સાથ મેળવી કલાકારોની કારકિર્દીના ઘડતરની બાબતમાં આ સંસ્થાએ દેશના કલાજગતમાં નામના પ્રાપ્ત કરી છે.

શૈક્ષણિક કાર્યક્રમ ઉપરાંત આર્ટિસ્ટ-ઇન-રેસિડેન્સ, ફેલોશિપ પ્રોગ્રામ, ઓપન સ્ટુડિયો પ્રોગ્રામ, વિઝિટિંગ આર્ટિસ્ટ પ્રોગ્રામ, શૉર્ટ-ટર્મ વર્કશૉપ અને આર્ટ કૅમ્પ જેવા પૂરક કલા-કાર્યક્રમો પ્રસંગોપાત્ત, યોજવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટી સામેના ‘સેન્ટર ફૉર એન્વાયરન્મેન્ટલ પ્લાનિંગ ઍન્ડ ટેક્નૉલૉજી(CEPT)ના વિશાળ શિક્ષણસંકુલમાં આવેલી આ સંસ્થામાં નામાંકિત સ્થપતિ બાલકૃષ્ણ દોશી આરંભકાળથી તેના માનાર્હ નિયામક તરીકે સેવા આપી રહ્યા છે. આ સંસ્થાનાં અધ્યક્ષ ઊર્મિલા કનોરિયા અને ટ્રસ્ટીઓ કૈલાશકુમાર કનોરિયા તથા સંગીતા જિંદાલ, સલાહકાર રાધિકા દોશી કઠપાલિયા અને સંયોજક શર્મિલા સાગરા છે.

મહેશ ચોકસી