કનોજ : ઉત્તરપ્રદેશના ફરૂખાબાદ જિલ્લાનું પ્રાચીન શહેર અને સાંસ્કૃતિક કેન્દ્ર. ગંગાની ડાબી બાજુએ, ગ્રાંડ ટ્રન્ક માર્ગથી ત્રણ કિમી. અને કાનપુરથી 81 કિમી. દૂર 28o-1´ ઉ. અ. અને 77o-56´ પૂ. રે. ઉપર આવેલું છે. કુશસ્થળ, ગાધિપુર, કુશિક, કુસુમપુર જેવાં તેનાં બીજાં નામો છે. રામાયણની આખ્યાયિકા પ્રમાણે કુશે કનોજની સ્થાપના કરી હતી. કુશના પુત્ર કુશનાભની પુત્રીઓની વાયુદેવે માગણી કરતાં અને તે નકારાતાં તે કૂબડી બની ગઈ. તેથી આ સ્થળ કાન્યકુબ્જ કહેવાયું એવી અનુશ્રુતિ છે. વિશ્વામિત્રનો અહીં જન્મ થયો હતો તેથી તે ગાધિપુર કહેવાયું. વિશ્વામિત્રનું બીજું નામ કૌશિક હતું તેથી તે કુશિક કહેવાયું. રામના પુત્ર કુશ ઉપરથી તે કુશસ્થળ પણ કહેવાયું. બીજા મંતવ્ય પ્રમાણે કનોજ દેશવાચક નામ છે અને મહોદય તેની રાજધાની હતી. કનોજનો 1070 કિમી. વિસ્તાર હતો એમ હ્યુએનસંગે જણાવેલું છે. યમુના અને કાલી નદી વચ્ચેનો આ પ્રદેશ હતો અને તેમાં 36 લાખ ગામડાં હતાં એવો ‘સ્કંદપુરાણ’ અને ‘પ્રબંધચિંતામણિ’માં ઉલ્લેખ છે. કનોજનું મૂળ નામ મહોદય હતું અને કુશના પુત્ર કુશનાભની તે રાજધાની હતું એવો ‘રામાયણ’માં ઉલ્લેખ છે. અજામિલ આખ્યાનનો નાયક અજામિલ આ શહેરનો રહેવાસી હતો એમ ભાગવત પુરાણમાં જણાવાયું છે. કનોજ અત્તર, ગુલાબજળ, સુગંધી દ્રવ્યો અને ગુલકંદ માટે પ્રસિદ્ધ છે.

કનોજનો ટૉલેમીએ પણ ‘રામાયણ’માં ઉલ્લેખ કર્યો છે. પાંચમી સદીમાં ગુપ્તવંશના શાસન દરમિયાન તે મહત્વનું નગર હતું. ઈ. સ. 500 આસપાસ ગુપ્તવંશના અંતિમ દિવસોમાં મૌખરી વંશના હરિ વર્માએ કનોજમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. છેલ્લો રાજા ઈશાન વર્મા હતો. છઠ્ઠી સદીમાં હૂણોએ કનોજ ઉપર આક્રમણ કરી તેનો નાશ કર્યો હતો. કનોજનો રાજા ગૃહ વર્મા હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રીને પરણ્યો હતો. માળવાના દેવ વર્માએ તેનો ઘાત કરતાં દેવ વર્માને હરાવીને હર્ષવર્ધને કનોજ કબજે કર્યું અને કનોજને રાજધાની તરીકે પસંદ કર્યું હતું અને ઈ.સ. 606-647 સુધી તે કનોજનો શાસક હતો. ચીની મુસાફર હ્યુએનસંગે કનોજમાં ઈ.સ. 637માં ઘણા સંઘારામ જોયા હતા. તેમાં 10,000 ભિક્ષુઓ રહેતા હતા. હિંદુઓનાં અહીં 200 મંદિરો હતાં. હર્ષવર્ધનના સમયમાં કનોજમાં બૌદ્ધ ધર્મપરિષદ ભરાઈ હતી તેમ તેણે જણાવ્યું છે. આઠમી સદીની શરૂઆતમાં યશોવર્માએ કનોજ જીતી લીધું હતું (725-752). ભવભૂતિ અને વાક્પતિરાજ બંને યશોવર્માના રાજકવિઓ હતા. ચક્રાયુધનો પરાભવ કરીને પ્રતિહારવંશી નાગભટ બીજાએ કનોજને પ્રતિહારોની રાજધાની તરીકે પસંદ કર્યું હતું (836-885). કનોજનો આ ઉત્તમકાળ હતો. દસમી સદીમાં અહીં ગાહડવાલવંશી રાજાઓનું શાસન હતું. તે વિદ્યા અને કલાનું મહત્વનું કેન્દ્ર હતું. પ્રતિહારોને હરાવી રાષ્ટ્રકૂટોએ તે કબજે કર્યું હતું. 1018માં મહમદ ગઝનીએ કનોજ લૂંટ્યું હતું. 1192માં પૃથ્વીરાજના સમકાલીન જયચંદ રાઠોડના સમયમાં મહંમદ ઘોરીએ કનોજ ઉપર ચઢાઈ કરી જયચંદને મારી તેનો કબજો લીધો હતો. શેરશાહ તથા હુમાયુના શાસન દરમિયાન તે આબાદ હતું. 1857માં ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં કનોજનો પણ ફાળો હતો.

ગૌરીશંકર, ક્ષેમંકરી દેવી, ફૂલમતી દેવી, સિંહવાહિની દેવી વગેરેનાં મંદિરો જોવાલાયક છે. શક્તિપીઠોમાં કનોજની ગણના થાય છે. જૂના કનોજનાં ખંડેરો તેની ભવ્યતાનો ખ્યાલ આપે છે.

ર. ના. મહેતા

શિવપ્રસાદ રાજગોર