કનડી : સંધિપાદ (Arthropoda) સમુદાયના બહુપાદી (Myriapoda) વર્ગના પેટાવર્ગ દ્વિપાદયુગ્મી(Diplopoda)ની જીવાત. ઝમેલ, ભરવાડ કે ચૂડેલના નામે પણ ઓળખાય છે. તેઓ જડબાની એક જોડ ધરાવતી હોવાથી કીટકોની માફક ઉપસમુદાય ચિબુકી(Mandibulata)માં વર્ગીકૃત થાય છે. બહુપાદી વર્ગના અન્ય પ્રાણી-જીવાતોમાં કાનખજૂરાનો સમાવેશ થાય છે. પરંતુ કાનખજૂરામાં કડીદીઠ એક જોડ ચલનપાદ હોય છે; જ્યારે કનડી(ભરવાડ)માં કડીદીઠ બે જોડ ચલનપાદ હોય છે, અને તેથી તેને પેટાવર્ગ દ્વિપાદયુગ્મીમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
ચોમાસામાં પહેલા-બીજા વરસાદ દરમિયાન (જૂન-જુલાઈમાં) વગડાઉ કે ખેતરાઉ જમીન ઉપર એકાએક આ જીવાત જમીનમાંથી બહાર ઉભરાઈ આવે છે. ચોમાસા બાદ ધીમે ધીમે અર્દશ્ય થતી જાય છે. બાકીના આખા વર્ષ દરમિયાન તેનું ક્યાંય અસ્તિત્વ જોવા મળતું નથી. જાન્યુઆરીના અરસામાં જમીનમાં દર બનાવી કનડીની માદા ત્યાં ઈંડાં મૂકે છે. ત્યાં જન્મેલાં કનડીનાં બચ્ચાં પછીના વરસાદ સુધી દરમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે.
શરીરરચના : કનડીનું શરીર ચળકતી કડીઓનું બનેલું હોય છે. તેના માથા ઉપર એક જોડ ટૂંકા સ્પર્ધકો અને સાદી આંખોનાં બે ઝૂમખાં હોય છે. લગભગ 20-25 કડીઓ ધરાવતી કનડી 40-50 જોડ પગ ધરાવે છે. ભેજવાળી અને અંધારી જગ્યામાં પથ્થર નીચે કે કોહવાતા પદાર્થોમાં ને ચોમાસામાં જોવા મળે છે. શરીરના થોડા આગળના અને પાછળના ખંડો બાદ કરતાં તે ખંડદીઠ ઝેરી અને દુર્ગંધ ફેલાવતી ગ્રંથિઓની એકેક જોડ ધરાવે છે. દુર્ગંધને લીધે તે ભક્ષકથી બચી જવા પામે છે.
આહાર : કનડી સામાન્ય રીતે કોહવાતાં લાકડાં અને પ્રાણીના મળમૂત્રને ખોરાક તરીકે ગ્રહણ કરે છે. ઘણી વાર ખેતીપાકને પણ નુકસાન કરે છે. મૃતોપજીવી (saprophyte) હોવાને કારણે સૃષ્ટિમાં સફાઈ કામદારની ગરજ સારે છે. ધરુવાડિયાં કે કૃષિપાકો જેવા કે મગફળી, કપાસ, શાકભાજી વગેરેનાં મૂળ કરડી ખાઈ પાકને નુકસાન કરે છે. ભારે ઉપદ્રવની અવસ્થામાં જમીન ઉપરના થડ/સાંઠા જેવા ભાગોને પણ નુકસાન કરે છે. અતિશય મોટી સંખ્યામાં ઊભરાઈ આવતા જમીન ઉપર કે ઘરમાં પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી અને પીડારૂપ બને છે.
ઉપાય–નિયંત્રણ : મર્યાદિત સંખ્યામાં હોય તો વીણીને તેનો નાશ કરવામાં આવે છે. ઉપદ્રવ વધારે જણાય ત્યારે મર્ક્યુરિક ક્લોરાઇડનું મિશ્રણ બનાવી જમીનમાં રેડવાથી જીવાતને કાબૂમાં લઈ શકાય છે. કનડીની કેટલીક જાતો જંતુભક્ષી હોય છે. તે ખાસ કરીને ગોકળગાય પર નિર્ભર હોય છે.
પરબતભાઈ ખી. બોરડ
પી. એ. ભાલાણી