કનકાસવ : આયુર્વેદિક ઔષધ.

ગ્રંથપાઠ અને વિધિ : ધતૂરાનું પંચાંગ અને અરડૂસીનાં મૂળ 325-325 ગ્રામ; જેઠીમધ, લીંડીપીપર, ભોંયરીંગણી (બેઠી), નાગકેસર, સૂંઠ, ભારંગમૂળ અને તાલીસપત્ર – આ દરેકનું 160-160 ગ્રામ ચૂર્ણ; ધાવડીનાં ફૂલ 130 ગ્રામ, અધકચરી લીલવા (સૂકી) દ્રાક્ષ 165 ગ્રામ, સાકર 850 ગ્રામ, મધ 425 ગ્રામ અને પાણી 4,100 મિલિ. આ બધી વસ્તુ એકત્ર કરી ચિનાઈ માટીની એક બરણીમાં ભરી, તેનું મુખ બંધ કરી, એક માસ જમીનમાં દાટી રખાય છે (દ્રવ્યો કરતાં બરણી મોટી લેવી જરૂરી છે). તે પછી બરણી કાઢીને પ્રવાહી કપડેથી ગાળીને બોટલ ભરી લેતાં, કનકાસવ તૈયાર થાય છે.

માત્રા : 5 મિગ્રા.થી 15 મિગ્રા. કે જોરદાર ખાંસીના હુમલા વખતે 20થી 25 મિગ્રા. દવા, જરા ગરમ પાણી ઉમેરીને અપાય છે.

ઉપયોગ : કનકાસવ આયુર્વેદની ખાસ કફપ્રધાન ખાંસી-શ્વાસ(દમ)ની મદ્યસાર (આલ્કોહૉલ) યુક્ત એક રામબાણ ઔષધિ છે; જે વૈદ્યો અને દમના દર્દીઓમાં ખૂબ જાણીતી છે.

કનકાસવ બધી જાતના શ્વાસ (દમ : Asthma), ખાંસી, ક્ષય, ક્ષતક્ષીણ, જીર્ણજ્વર, રક્તપિત્ત અને ઉર:ક્ષત રોગનો નાશ કરે છે. આ આસવની તાસીર ગરમ હોઈ, તેના ઉપયોગથી ફેફસાં અને શ્વાસવાહિનીઓના દોષો દૂર થઈ, તે અંગો સ્વચ્છ અને મજબૂત બને છે અને તેથી શ્વાસ, ખાંસી, ક્ષય વગેરે રોગોનું શમન થાય છે અને ક્ષીણતા દૂર થાય છે.

કનકાસવથી શ્વાસવાહિનીઓ સંકોચાતી અટકીને પહોળી થાય છે તથા કફ છૂટો પડી, બહાર નીકળવા લાગે છે; તેથી શ્વાસ રોગમાં થતી બેચેની અને ગભરામણ તરત દૂર થાય છે. કોઈ કોઈ વાર આ આસવ લેવાથી કેટલાક દર્દીઓને ઊલટી થઈ, કફ બહાર નીકળી જતાં લાભ થાય છે. જે ખાંસી તથા શ્વાસમાં કફદોષ વધુ જામી ગયો હોય તો કનકાસવમાં ચપટી અપામાર્ગ ક્ષાર તથા ગરમ પાણી મેળવી પીવાથી તરત લાભ થાય છે. એ જ રીતે હેડકીના દર્દમાં ઉત્તેજક દવાથી ફાયદો નથી થતો અને રોગ વધે છે, તે વખતે કનકાસવથી જલદી લાભ થાય છે.

કોષ્ઠશૂળમાં – ખાસ કરીને પિત્તપ્રધાન શૂળ ઉપર આ આસવનો સારો ઉપયોગ થાય છે. પિત્તાશય(Gall Bladder)માં પિત્તની પથરી થવાથી થતી શૂળ મટાડવામાં આ આસવ લાભપ્રદ છે. પરિણામશૂળ અને અન્નદ્રવશૂળ – બંને જાતના શૂળ પર આ આસવ વેદનાશામક (Analgesic) તરીકે સારી અસર કરે છે.

મૂત્રશર્કરા (Urin calculus; પેશાબની પથરી) કે પથરીના નાના નાના કણ મૂત્રગવિની(યુરેટર)માંથી મૂત્રાશય તરફ જાય છે ત્યારે જે શૂળ ઊઠે છે એના ઉપર પણ કનકાસવની પીડાનાશક અસર સારી રીતે થાય છે. કનકાસવ ગોખરુ-કાઢા કે અશ્મરીહર ક્વાથ સાથે મિશ્ર કરી આપવો વધુ લાભપ્રદ બને છે.

ઠંડી વાઈને આવનાર (મલેરિયલ કે આંતરિયા) વિષમજ્વરમાં અંગમાં તોડ, માથામાં દર્દ, કંપ વગેરે લક્ષણો વખતે કનકાસવ અભયાદિ ક્વાથ સાથે આપવાથી લાભ થાય છે.

વધુ કફ, શ્વાસ, ન્યુમોનિયા, કાયમી જૂની શરદી કે જેમાં કફ દોષ ફેફસામાં જામી ગયો હોય તેમાં કનકાસવ સાથે વાસાસવ (વાસકાસવ), દશમૂલારિષ્ટ, કુમાર્યાસવ કે સોમાસવ સાથે મિશ્ર કરી આપવો વધુ સલામત અને લાભપ્રદ છે.

સૂચના : કનકાસવ મંદ ઝેરી હોઈ, તે હંમેશાં ઓછી માત્રામાં વાપરવો જોઈએ. વધુ મોટી માત્રાથી વિષપ્રકોપનાં લક્ષણો થઈ શકે છે. માટે કનકાસવ એકલો વાપરવા કરતાં ઉપર કહેલા અન્ય સહાયક આસવો સાથે વાપરવો વધુ હિતાવહ છે. કનકાસવની મોટી માત્રાથી કોઈ વિકાર થયેલ હોય તો દર્દીને દહીંના ઘોળ કે લીંબુના રસમાં અથવા આમલીના શરબતમાં પાણી મેળવી પાવાથી ઉપદ્રવોની શાંતિ થાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા

બળદેવપ્રસાદ પનારા