કણ્વ – કાણ્વ : ગોત્રપ્રવર્તક અને સૂક્તદ્રષ્ટા આંગિરસ. ‘ઋગ્વેદ’નાં કુલ સાત મંડળોના પ્રમુખ ઋષિઓમાંના એક. આઠમા મંડળની ઋચાઓની રચના કણ્વ પરિવારની છે. ‘ઋગ્વેદ’ અને અન્ય વૈદિક સાહિત્યમાં કણ્વનો વારંવાર ઉલ્લેખ આવે છે. એમના પુત્ર અને વંશજોનો નિર્દેશ कण्वा:, कण्वस्य सूनव:, काण्वायना: અને કાણ્વ નામોથી આવે છે. કણ્વના વંશજનો ઉલ્લેખ એકવચનમાં એકલા ‘કણ્વ’ નામથી અથવા પૈતૃક નામ સહિત, જેમ કે ‘કણ્વ નાર્ષદ’ના રૂપમાં અને બહુવચનમાં ‘કણ્વા: સૌશ્રવસ:’ના રૂપમાં આવે છે. ‘કણ્વે સૂર્ય દ્વારા પ્રાપ્ત કરેલી વિશ્વકલ્યાણકારી સદબુદ્ધિ અમને મળો’, એવો નિર્દેશ ‘વાજસનેયીસંહિતા’માં છે. ‘અથર્વવેદ’ના એક નિર્દેશથી એમની સાથે શત્રુતાપૂર્ણ વ્યવહાર પણ થતો હશે, એમ સમજાય છે.
1. કણ્વનું કુળ પુરુવંશમાંથી ઉદભવ્યું છે એમ વિભિન્ન પુરાણોમાં છે. કણ્વનો પુત્ર મેધાતિથિ. મેધાતિથિનાં સંતાન તે કાણ્વાયન બ્રાહ્મણો. ‘કાણ્વ’ કે ‘કાણ્વાયન’ ગોત્રના આદિપુરુષ મેધાતિથિ. મેધાતિથિ (મેધ્યાતિથિ) સૂક્તદ્રષ્ટા છે. એ પોતાને ‘કાણ્વ મેધાતિથિ’ કહે છે. કાણ્વાયન ગોત્રમાં, અનેક સૂક્તદ્રષ્ટા ઋષિ થયા છે; જેમ કે, પ્રગાથ કાણ્વ, પૃષધ્ન કાણ્વ, દેવાતિથિ કાણ્વ, વત્સ કાણ્વ, સધ્વંસ કાણ્વ અને સૌભરિ કાણ્વ.
2. ધર્મશાસ્ત્રકાર કણ્વના ચાર ગ્રંથ ગણાય છે : (1) કણ્વનીતિ, (2) કણ્વસંહિતા, (3) કણ્વોપનિષદ અને (4) કણ્વસ્મૃતિ. મધ્વાચાર્ય અને હેમાદ્રિ જેવા વિદ્વાનો સહિત અનેક ગ્રંથકારોએ પોતાનાં પુસ્તકોમાં કણ્વની કૃતિઓમાંથી વિવિધ અવતરણો ટાંક્યાં છે.
3. શકુંતલાના ધર્મપિતા. કશ્યપ ગોત્રના મહર્ષિ. વિશ્વામિત્ર-મેનકાથી જન્મેલી શકુંતલાને માતાએ માલિની નદીના તટે વનમાં ત્યજી દીધી. આ અનાથ બાળાને ઋષિ કણ્વે પુત્રીની જેમ ઉછેરી. કણ્વ ઊર્ધ્વરેતા હતા. સાક્ષાત્ ધર્મ પણ કદાચ સચ્ચારિત્ર્યથી ચળે પણ બ્રહ્મચર્યવ્રતધારી કણ્વ ચળે જ નહિ. એમનો આશ્રમ માલિનીના તટે. કણ્વાશ્રમનું મહાભારતમાંનું વર્ણન પ્રાચીન કાળના એક સુવ્યવસ્થિત મહાન વિશ્વવિદ્યાલયનો ખ્યાલ આપે છે. શકુંતલાના પુત્ર ભરતના યજ્ઞમાં મુખ્ય આચાર્ય. ભરતે એમને એક હજાર પદ્મભાર સોનું અને એક હજાર ઘોડા દક્ષિણામાં આપેલા.
4. કણ્વ નામધારી અનેક ઋષિઓ પૈકીના એક ઋષિએ દુર્યોધનને યુદ્ધ ન કરવા અને પાંડવો સાથે સંધિ કરી લેવા સમજાવતાં બોધપ્રદ ‘માતલિનું ઉપાખ્યાન’ કહ્યું હતું. દુર્યોધને ન માન્યું. યાદવાસ્થળી અગાઉ જે ઋષિઓને યદુકુમારોએ અપમાનેલા તેમાં કણ્વ પણ હતા.
5. પૂર્વ દિશામાંના સપ્તર્ષિઓ પૈકી એકનું નામ કણ્વ છે.
6. પ્રાચીન યુગાંતરના એક તપસ્વી મુનિ. બ્રહ્માએ એમને વર આપેલો.
ઉ. જ. સાડેસરા