કણ્ણુનીર્ત્તુળિળ (1924)

January, 2006

કણ્ણુનીર્ત્તુળિળ (1924) : મલયાળમ ભાષાનું કરુણપ્રશસ્તિ કાવ્ય (elegy). કણ્ણુનીર્ત્તુળિળ એટલે ‘આંસુનાં બુંદ’. નાલપ્પાટ્ટુ નારાયણ મેનન(1888-1954)નું રચેલું આ શોકકાવ્ય તેમનાં પત્નીના મૃત્યુને આપેલી સ્મરણાંજલિ છે. આ સ્મરણમંદિરની ઈંટો આંસુના સિંચનથી ચણાઈ છે. આ કાવ્ય કવિ મેનનના વ્યથાપૂર્ણ જીવનની છંદોમય અભિવ્યક્તિ છે. પોતાની બાલ-સખી અને પ્રાણપ્રિય પત્નીના મૃત્યુથી જન્મેલ ભીષણ એકાંત અને ચિરંતન વિરહવ્યથા સાથે માયામોહને દૂર કરનાર દાર્શનિકતાનો આ કાવ્યમાં સહજ સમન્વય થયો છે. વિવેચકોએ અંગ્રેજ કવિ ટેનિસનના ‘ઇન મેમૉરિયમ’ સાથે તેની તુલના કરી છે. આ કાવ્યનું સ્થાન મલયાળમ ભાષાના અન્ય શોકકાવ્ય ‘ઓરુ વિલાપમ્’ પછી બીજું આવે છે. એકેક કડી – એકેક છંદ આંસુના બુંદનું મોતી છે. દુ:ખાવેગને કારણે કવિહૃદયમાં જાગતા વિચારો વ્યક્ત કરવામાં ક્રમિકતા કે સંયમનો અભાવ વર્તાય છે, પણ અનુભૂતિ અને પીડાની તીવ્રતા અને મૌલિક અભિવ્યંજના આ કાવ્યના વિશેષ ગુણો છે. કેટલાક એને હિંદી કવિ પ્રસાદના છાયાવાદી શોકગીત ‘આંસૂ’ સાથે સરખાવે છે.

કૃષ્ણવદન જેટલી